Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

વિકાસ દુબેના એન્કાઉન્ટર બાદ પોલીસના ઠેરઠેર દરોડા : ગ્વાલિયરમાં ગેંગને આશરો આપનારા બે ની ધરપકડ

અન્ય 60 થી 70 આરોપીઓ પોલીસની રડાર પર: 21માં 12 આરોપીની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે

લખનઉ: કુખ્યાત ગેંગસ્ટર વિકાસ દુબેના એન્કાઉન્ટર બાદ પણ ઉત્તર પ્રદેશ પોલીસની કાર્યવાહી યથાવત છે. હવે વિકાસ દુબે અને તેની ગેંગને શરણ આપનારા લોકો પોલીસની રડાર પર છે. જે અતંર્ગત યુપી પોલીસે ગ્વાલિયર મધ્ય પ્રદેશથી બે લોકોની ધરપકડ કરી છે. તેમના પર આરોપ છે કે, વિકાસ દૂબેના બે સાથીઓને તેમણે અહીં પોતાના ત્યાં આશરો આપ્યો હતો.

ધરપકડ કરવામાં આવેલા લોકોની ઓળખ ઓમ પ્રકાશ પાંડેય અને અનિલ પાંડેય તરીકે થઈ છે. કાનપુર પોલીસના જણાવ્યા પ્રમાણે, આ બન્ને લોકો વિરુદ્ધ પણ કાનપુરમાં કેસ દાખલ થયેલા છે.

 

પોલીસ અનુસાર, કાનપુર શૂટઆઉટ કેસમાં વૉન્ટેડ શશિકાંત પાંડેય ઉર્ફ સોનૂ અને શિવમ દુબેને ગ્વાલિયરમાં રહેતા ઓમ પ્રકાશ પાંડેય અને અનિલ પાંડેયએ પોતાના ત્યાં છૂપાવા માટે આશરો આપ્યો હતો. આ બન્ને વિરુદ્ધ કાનપુર નગરના ચૌબેનગર પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ થયેલો છે.

  અત્યાર સુધી પોલીસે વિકાસ દુબે સહિત 6 લોકોને એન્કાઉન્ટરમાં ઠાર માર્યા છે. જ્યારે 3 લોકોની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, બિકરૂ કાંડને અંજામ આપવાના કેસમાં 21 આરોપીઓના નામ સામે આવ્યા છે. જ્યારે અન્ય 60 થી 70 આરોપીઓ પોલીસની રડાર પર છે. ADGએ જણાવ્યું કે, 21માં 12 આરોપીની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે. પોલીસની ટીમો સતત ફરાર આરોપીઓની શોધખોળ માટે ઠેરઠેર દરોડા પાડી રહી છે.

(7:10 pm IST)