Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

કોરોના વાયરસને લઇને સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા પગલા અને મહામારીના સંકટનો સામનો કરવા માટે બનાવવામાં આવેલ પીએમ કેર ફંડની સમિતી તપાસ નહીં કરે

નવી દિલ્હી: કોરોના અને લૉકડાઉનના કારણે સંસદીય સમિતિઓની બેઠક નહતી યોજાઈ શકી, પરંતુ અનલૉક શરૂ થયા બાદ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે હવે તેની મંજૂરી આપવામાં આવી છે. જે અંતર્ગત સંસદની પબ્લિક એકાઉન્ટ કમિટી (PAC)એ શુક્રવારે કોરોના સંકટનો સામનો કરવા માટે ઉઠાવવામાં આવેલા કેન્દ્ર સરકારના પગલા અને PM CARES ફંડની સમીક્ષા માટે બેઠક બોલાવી હતી.

PAC કોરોના વાઈરસને લઈને સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા પગલા અને આ મહામારીના સંકટનો સામનો કરવા માટે બનાવવામાં આવેલી PM CARES ફંડની તપાસ નહીં કરે. સમિતિની બેઠકમાં આ મામલે તમામ સભ્યોની સર્વસંમતિ નથી મળી શકી. આ સમિતિના 20 સભ્યમાંથી જે 17 સભ્યો બેઠકમાં હાજર હતા, તેમાંથી 14 NDAના જ સાસંદો હતા

PAC સૌથી મહત્વની સંસદીય સમિતિઓમાંથી એક છે. જે ઓડિટર જનરલ તરફથી રજૂ કરવામાં આવેલા રિપોર્ટોની તપાસ કરે છે. PAC 2G સ્પેક્ટ્રમ જેવા મહત્વના મામલાઓની તપાસ કરી ચૂકી છે. અધિર રંજન ચૌધરી હાલમાં આ કમિટીના સભ્ય હોવા ઉપરાંત લોકસભામાં વિપક્ષના નેતા પણ છે.

અધિર રંજન ચૌધરીએ PACની બેઠકમાં હાજર સભ્યોને અંતરાત્માનો અવાજ સાંભળીને તેના આધારે રાષ્ટ્રહિતમાં કામ કરવાની અપીલ કરી હતી. જો કે PACની બેઠકમાં સામેલ ભાજપના સભ્યોએ કમિટીના અધ્યક્ષના પ્રસ્તાવનો આકરો વિરોધ કર્યો અને PM CARES ફંડની સમીક્ષાનો પ્રસ્તાવ રોકી દીધો હતો.

આ સમિતિમાં ભાજપને બહુમત પ્રાપ્ત છે. BJP તરફથી પાર્ટીના સીનિયર નેતા ભૂપેન્દ્ર યાદવે ચૌધરીના પ્રસ્તાવનો ઉગ્ર વિરોધ કર્યો અને કહ્યું કે, જ્યારે સંસદે PM CARES ફંડમાં રૂપિયા આપ્યા જ નથી, તો સંસદીય સમિતિ તેની તપાસ કેવી રીતે કરી શકે?

આજ ક્રમમાં ભાજપને સૌથી મોટો સાથ ઓડિશાની સત્તાધારી પાર્ટી BJPના સાંસદ ભર્તૂહરિ મહતાનીનો મળ્યો. જ્યારે વિપક્ષી સભ્યોમાં DMK નેતા ટીઆર બાલૂએ અધ્યક્ષના પ્રસ્તાવનું સમર્થન કર્યું.

જો કે PAC ભારત-ચીન સૈન્ય ગતિરોધ વચ્ચે LAC પર બનાવવામાં આવી રહેલા રસ્તા તેમજ અન્ય નિર્માણ કાર્યો અને જવાનો માટે કપડાની ખરીદીની સમીક્ષા કરવા પર રાજી થઈ ગઈ છે.

(5:13 pm IST)