Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

બાલાસાહેબ ઠાકરે અને ભાજપના વિચાર અને શૈલીમાં મોટુ અંતર છેઃ સામના મુખપત્રમાં શરદ પવારની સટાસટી

મુંબઈ: શિવસેનાના મુખપત્ર સામનાના સંપાદક સંજય રાઉતે નેશનલ કોંગ્રેસ પાર્ટી (NCP) સુપ્રીમો શરદ પવાર વચ્ચે એક ઈન્ટર્વ્યૂનો વીડિયો શેર કર્યો છે. જેમાં સંજય રાઉતે મહારાષ્ટ્ર અને કેન્દ્રની રાજનીતિ સબંધી અનેક મહત્વપૂર્ણ પ્રશ્નો શરદ પવારને પૂછ્યા છે. જેનો જવાબ આપતા શરદ પવારે ભાજપ પર કટાક્ષ કર્યા છે.

શરદ પવારે જણાવ્યું કે, “મહારાષ્ટ્રમાં લોકતંત્રની સરકાર છે. જે કોઈ પણ રિમોટ કંટ્રોલથી નથી ચાલી રહી.સરકારને CM ઉદ્ધવ ઠાકરે અને તેમના મંત્રીઓ ચલાવી રહ્યાં છે. બાલાસાહેબ ઠાકરે અને ભાજપના વિચાર અને શૈલીમાં મોટુ અંતર છે.

શરદ પવારે વધુમાં જણાવ્યું કે, “જો તમે લોકસભા ચૂંટણીમાં જુઓ તો મહારાષ્ટ્રના મતદાતાઓએ કેન્દ્રમાં જે સરકાર હતી તેના સમર્થનમાં મત આપ્યો. જ્યારે રાજ્યનો પ્રશ્ન આવ્યો, ત્યારે મહારાષ્ટ્રમાં એક અલગ જ ચિત્ર ઉપસી આવ્યું. માત્ર મહારાષ્ટ્રમાં જ નહી, રાજસ્થાન, ઝારખંડ, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં પણ આવું જ જોવા મળ્યું. જે રાજ્યમાં ભાજપની સરકાર છે, લોકોએ તેના વિરુદ્ધ મતદાન કર્યું. લોકોએ લોકસભામાં અલગ અને વિધાનસભામાં અલગ-અલગ પ્રકારે મતદાન કર્યું.

મારો સ્પષ્ટ મત છે કે, વિધાનસભામાં ભાજપના જે 105 ધારાસભ્યો જીત્યા, તેમાં શિવસેનાનું મોટુ યોગદાન હતું. જો ભાજપને શિવસેનાનો સાથ ના મળતો, તો આ વખતની ચૂંટણીમાં તે 105ની જગ્યાએ માત્ર 40-50 બેઠકો જ મેળવી શકતા. ભાજપના લોકો કહે છે કે, 105 ધારાસભ્યો હોવા છતાં સહયોગી પાર્ટી શિવસેનાએ નજરઅંદાજ કર્યા અથવા સત્તાથી દૂર રાખ્યા. ભાજપે સંદેશ આપવાની કોશિશ કરી કે, હવે જે ભાજપ કરશે, તે જ સાચુ છે અને ભાજપ જ સૌથી મોટી પાર્ટી છે. આ વાત લોકોને પસંદ ના પડી.

કોઈ પણ રાજનેતાએ પ્રજા વચ્ચે જઈને એવું ના કહેવું જોઈએ કે, હું પરત ફરીશ. મહારાષ્ટ્રના તે સમયના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ વારંવાર એવું કહેતા હતા કે, હું પાછો આવીશ. આ વાત લોકોને પસંદ ના પડી. કોઈ પણ નેતાએ એવું ના વિચારવું જોઈએ કે, તે કાયમ સત્તામાં રહેશે. આ દેશના મતદાતાઓએ ઈન્દિરા ગાંધી અને અટલ બિહારી વાજપેયી જેવા મજબૂત નેતાઓને પણ હરાવ્યા છે.

(5:12 pm IST)