Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

આશ્રમના બાળકોની જાતીય સતામણીઃ સ્વામીની ધરપકડ

બાળકો સાતથી દસ વર્ષના હતા

મુઝફ્ફરનગર, તા.૧૧: શુકેર્તાલમાં આવેલા આશ્રમના માલિકની ચાર બાળકોની જાતીય સતામણી અને તેમને ધમકી આપવા બદલ તથા અન્ય બાળકોને મજૂરની જેમ કામ કરવાની ફરજ પાડવા માટે ધરપકડ કરવામાં આવી હતી, એમ પોલીસે શુક્રવારે જણાવ્યું હતું.

સ્વામી ભકિત ભૂષણ ગોવિંદ મહારાજ આશ્રમમાંથી નાસી છૂટવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે તેમની ધરપકડ કરવામાં આવી હતી, એમ તેમણે કહ્યું હતું.

એડિશનલ ડિસ્ટ્રિકટ મેજિસ્ટ્રેટ અમિત કુમારના જણાવ્યાનુસાર આશ્રમના માલિક અને અન્યો સામે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

સાતમી જુલાઇએ ચિલ્ડ્રન હેલ્પલાઇનની ટીમ અને પોલીસે આઠ બાળકોને બચાવ્યા હતા અને ત્યાર બાદ વધુ બે બાળકને પણ મુકત કરાયા હતા.

બાળકો સાતથી દસ વર્ષના હતા તથા તેઓ ત્રિપુરા, મિઝોરમ અને આસામના રહેવાસી હતી.

પીડિત બાળકોને ચિલ્ડ્રન વેલ્ફેર બોર્ડ સમક્ષ હાજર કરાયા હતા. મેડિકલ પરીક્ષણમાં ચાર બાળકની જાતીય સતામણી કરાઇ હોવાનું જાણવા મળ્યું હતું.

ભૂષણે ૨૦૦૮માં આશ્રમની સ્થાપના કરી હતી. તેણે પોતાની સામેના આક્ષેપો નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે તેમને ખોટી રીતે આ કેસમાં ફસાવવામાં આવી રહ્યા છે.

(3:18 pm IST)