Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

આત્મનિર્ભર ભારત પેકેજ અંતર્ગત માત્ર ૨૮ ટકા મજૂરોને રેશન મળ્યું

આત્મનિર્ભર યોજના હેઠળ પ્રવાસી મજૂરોને રેશન ૩૧ ઓગસ્ટ સુધી અપાશે

નવી દિલ્હી, તા.૧૧: કોરોના વાયરસ મહામારી સંકટના પગલે લાગુ લોકડાઉનના કારણે પોતાના વતન પરત આવવા મજબૂર થયેલા અને ખાદ્ય સંકટ સામનો કરી રહેલા પ્રવાસી મજૂરો પૈકી ફકત ૨૮ ટકા શ્રમિકોને હજુ સુધી આત્મનિર્ભર ભારત પેકેજ હેઠળ લાભ મળ્યો છે. વ્યાપક ટીકા અને મહામારી દરમિયાન તમામ લોકોને રેશન ઉપલબ્ધ કરાવવાની માંગ ઉઠ્યા બાદ કેન્દ્ર સરકારે ૧૫ મે ૨૦૨૦ના રોજ જાહેરાત કરી હતી કે મે અને જૂન મહિના માટે કુલ આઠ કરોડ એવા પ્રવાસી મજૂરો, ફસાયેલા લોકો અને જરુરિયાત ધરાવતા લોકોને મફત રેશન આપવામાં આવશે, જેમની પાસે નેશનલ ફૂડ સિકયોરિટી એકટ(એનએફએસએ) કે રાજય સાર્વજનિક વિતરણ પ્રણાલી(પીડીએસ) હેઠળ રેશન કાર્ડ નથી.

જોકે, સરકારે હજુ એ સ્પષ્ટ કર્યું નથી કે તેમણે કયા આધારે આ આકલન કર્યું હતું કે ફકત આઠ કરોડ લોકો જ એવા છે જેમની પાસે રેશન કાર્ડ નથી. સરકારનું કહેવું હતું કે એવા તમામ લોકોને પાંચ કિલો ખાદ્ય અને પ્રતિ પરિવાર ને એક કિલો ચણા મફત અપાશે. જોકે, કેન્દ્ર સરકારની આ યોજના ઉચિત રીતે લાગૂ થતી જણાતી નથી. ગત નવ જુલાઈએ ગ્રાહકો, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર મે મહિનામાં ફકત ૨.૩૪ કરોડ અને જૂન મહિનામાં ફકત ૨.૨૫ કરોડ પ્રવાસી મજૂરોને ખાદ્ય વસ્તુઓ ઉપલબ્ધ કરાવી છે.

આ સંખ્યા સરકાર દ્વારા નિર્ધારિત કુલ આઠ કરોડ લાભાર્થીઓની તુલનામાં ફકત ૨૮ ટકા જેટલી જ છે. આ સિવાય યોજના હેઠળ કુલ આઠ લાખ મેટ્રિક ટન ખાદ્યાયાન્નની ફાળવણી થઈ છે. પરંતુ આ પૈકી રાજયોએ હજુ સુધી ૬.૩૯ ટકા જ ખાદ્ય-વસ્તુનો જથ્થો ઉપાડ્યો છે. આ પૈકી ૨.૩૨ લાખ ટન અનાજનું જ હજુ સુધી વિતરણ થયું છે. તેનો અર્થ છે કુલ ફાળવણીની તુલનામાં ફકત ૨૯ ટકા અનાજ જ વિતારણ થઈ શકયું છે.

(3:12 pm IST)