Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

૧૦૦ વર્ષનું સૌથી મોટુ સ્વાસ્થ્ય અને આર્થિક સંકટ

કોરોના વાયરસને કારણે ઉત્પાદન અને નોકરીઓ ઉપર નકારાત્મક અસર નાખી : દુનિયાભરમાં મોજુદ વ્યવસ્થા - શ્રમ - કેપીટલ મુવમેન્ટને ઘટાડી : અર્થતંત્રને દોડતુ કરવા રીઝર્વ બેંકે અનેક પ્રકારના પગલા લીધા : બેંકોનું NPA વધવાનો ખતરો તો રહેશે

નવી દિલ્હી તા. ૧૧ : ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શકિતકાંત દાસે કહ્યું કે ભારત માટે કોરોના છેલ્લા ૧૦૦ વર્ષો એટલે કે એક સદીનો સૌથી કપરો આર્થિક અને આરોગ્ય સંકટ છે. એસબીઆઇ દ્વારા આયોજિત સાતમી બેંકીંગ અને ઇકોનોમિક કોન્કલેવમાં ગર્વનર દાસે એસબીઆઇ ચેરમેન રજનીશકુમાર સાથે વાતચીતમાં સ્વીકાર્યુ કે ભારતની પરિસ્થિતિ લોકડાઉનને પગલે અટકી પડી છે. સમગ્ર દેશની સપ્લાય ચેઇન તૂટી છે અને ચીન સાથેના સરહદ વિવાદને પગલે આયાત - નિકાસમાં પણ ભારે ફટકો પડશે. કોરોનાએ શહેરી અને ગ્રામિણની માંગને ભારે ફટકો પડયો છે. 

આરબીઆઈ એટલે કે ભારતીય મધ્યસ્થ બેંકના ગવર્નર શકિતકાંત દાસે શનિવારે કહ્યું કે કોવિડ-૧૯ એ છેલ્લા ૧૦૦ વર્ષનું સૌથી મોટું સ્વાસ્થ્ય અને આર્થિક સંકટ છે. તેમણે જણાવ્યુ કે, સારી વાત એ છે કે ભારતીય અર્થતંત્ર)માં સુધારાના સંકેત જોવા મળી રહ્યા છે.

દેશમાં આર્થિક લેવડ-દેવડ સામાન્ય સ્થિતિમાં પહોંચી છે. પરંતુ આ સમયે બેંકોએ પોતાના રિસ્ક મેનેજમેન્ટ પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ. નોંધનીય છે કે ભારતીય સ્ટેટ બેંકના ચેરમેન રજનીશ કુમારે શુક્રવારે કહ્યુ હતુ કે લોન ચૂકવવા માટે મોરોટોરિયમ અંગે અક્રોસ ધ બોર્ડ વિસ્તારની જરૂર નથી. જોકે, તેમણે એવું પણ કહ્યું કે અમુક ક્ષેત્રમાં હજુ પણ સહાયની જરૂર છે, તેમજ ભારતીય રિઝર્વ બેંક આ દિશામાં યોગ્ય પગલાં ભરશે.

આરબીઆઈના ગવર્નરે વધુમાં કહ્યુ કે, કોરોનાથી લડવા માટે અનેક મહત્ત્વના પગલાં ભરવામાં આવશે. મુશ્કેલ સમયમાં અર્થતંત્રને વેગ આપવાનો પ્રયાસો સતત ચાલી રહ્યા છે. સિસ્ટમમાં સરપ્લસ લિકિવડિટી જાળવી રાખવા માટે ખાસ ભાર આપવામાં આવી રહ્યો છે. કોરોના સંકટ સામે લડવા માટે આરબીઆઈ તરફથી પહેલા જ પગલાં ભરવામાં આવ્યા છે. વ્યાજદરોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આર્થિક વિકાસને વેગ આપવા માટે હજુ વધારે પગલાં લેવાની પણ અમારી તૈયારી છે.

આરબીઆઈના ગવર્નર શકિતકાંત દાસે કહ્યુ કે કોરોનાને કારણે ઉત્પાદન, નોકરી તેમજ સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર જોવા મળે છે. આ સંકટને કારણે પ્રથમથી હયાત વૈશ્વિક વ્યવસ્થા, ગ્લોબલ વેલ્યૂ ચેન અને દુનિયાભરમાં લેબર એન્ડ કેપિટલ મુવમેન્ટને પ્રભાવિત કરી છે. તેમણે કહ્યુ કે કોવિડ ૧૯ મહામારી આપણી આર્થિક તેમજ નાણાકીય વ્યવસ્થા કેટલી મજબૂત અને લચીલી છે તેની તપાસ માટેનો અત્યાર સુધીનો સૌથી મોટો ટેસ્ટ છે.

(2:31 pm IST)