Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

ચીનનો ખતરોઃ અમેરિકા ફરી ન્યુકિલયર બોમ્બ બનાવી રહ્યું છે

પ્રોજેકટ પર ૭૦,૦૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે, નવી ટેકનોલોજીથી બનાવવામાં આવશે પરમાણુ હથિયાર

વોશિંગ્ટન,તા.૧૧ : ચીન અને રશિયા સાથે સતત બગડતા સંબંધો અને વૈશ્વિક સ્તરે વધતા ખતરાને જોતા અમેરિકા એક વાર ફરી પરમાણુ બોમ્બ બનાવવામાં લાગી ગયું છે. અમેરિકા આગામી ૧૦ વર્ષમાં આ પ્રોજેકટ પર લગભગ ૭૦,૦૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરવાની તૈયારીમાં છે. એટમ બોમ્બનું ઔધોગિક ઉત્પાદન સાઉથ કેરોલિનામાં સવાના નદીના કિનારે હાજર એક ફેકટરી અને ન્યુ મેકિસકો કે લોસ એલમોસની એક ફેકટરીમાં કરવામાં આવશે.

એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ પ્રોજેકટ પર ૭૦,૦૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે, જયારે અમેરિકા અને રશિયાની વચ્ચે કોલ્ડ વોર ચાલી રહ્યું હતું ત્યારે સવાના નદીની ફેકટરી અમેરિકી પરમાણુ હથિયારો માટે ટ્રિટિયમ અને પ્લૂટોનિયમનું ઉત્પાદન કરતી હતી. ર લાખ એકરમાં ફેલાયેલી આ ફેકટરીમાં હજારો લોકો કામ કરતા થયા. હવે અહીં ૩.૭૦ કરોડ ગેલન રેડિયોએકિટવ લિકિવડ કચરો જમા થઈ ગયો છે. ૩૦ વર્ષ બાદ હવે અહીં ફરીથી એટમ બોમ્બ બનાવવામાં આવશે.

અમેરિકી સંસ્થા ધ નેશનલ ન્યુકિલયર સિકયોરિટી એડમિનિસ્ટ્રેશન જ પરમાણુ હથિયાર બનાવે છે. સંસ્થા પ્રમાણે વર્તમાન પરમાણુ હથિયાર ઘણાં જૂનાં થઈ ચુકયાં છે. તેમને હવે બદલવા જોઈએ. નવી ટેકનોલોજીથી બનાવવા પર તે વધારે સુરક્ષિત રહેશે. એનએનએસએ સતત પોતાના જૂના બોમ્બને અપગ્રેડ કરતી રહે છે.

(11:40 am IST)