Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

નિયત સમય બાદ સોદા મુજબ ચુકવણી ન હોય તો ય વેચાણખત રદ ન થાયઃ સુપ્રિમ કોર્ટ

નવી દિલ્હી, તા.૧૧: સુરતના એક જમીન વિવાદ કેસમાં સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે કે, વેચાણખત થયા બાદ, આંશિક ચૂકવણી બાકી હોય તો ત્રણ વર્ષની નક્કી કરેલી સમય મર્યાદામાં વેચાણ રદ કરવાની રાહત માગી શકાય છે પણ આ સમય વીતી ગયા બાદ, વેચાણખત રદ થઈ શકે નહીં. સુપ્રીમ કોર્ટે તેના આદેશમાં એ પણ નોંધ્યું છે કે, વેચાણખત થયા બાદ, સાડા પાંચ વર્ષ સુધી અરજદારેએ કોઈ પગલા લીધા નથી. જેથી, તેમની રજૂઆતને ધ્યાને લેવી યોગ્ય લાગતી નથી. સુપ્રીમ કોર્ટે અરજદારોને રૂ. એક લાખનો દંડ પણ ફ્ટકાર્યો છે. ભૂતકાળમાં હાઈકોર્ટની ખંડપીઠે આદેશ કર્યો હતો કે, જમીનનુ વેચાણ રદ નહીં થાય. જે આદેશને સુપ્રીમ કોર્ટે યથાવત રાખ્યો છે.

મોટા વરાછામાં ડાહીબહેન નામની મહિલાને તેની જમીન અરવિંદ ભાનુશાળીને રૂ. ૧.૭૪ કરોડમાં વેચવા માટે જિલ્લા કલેકટરની મંજૂરી મળી હતી. આ પછી, ૦૨.૦૭.૨૦૦૯ના રોજ વેચાણખતની નોંધણી થઈ હતી. જેમાં, વેચાણની રકમની ચૂકવણી ૩૬ ચેક દ્વારા કરાઈ હતી. આ પછી, વર્ષ ૨૦૧૪માં અરવિંદ ભાનુશાળીએ આ જમીન અન્ય બે વ્યકિતને રૂ. ૨.૧૦ કરોડમાં વેચી હતી. જો કે, ડાહીબહેને ૧૫.૧૨.૨૦૧૪ના રોજ સુરત સિવિલ કોર્ટમાં અરજી કરીને માગ કરી હતી કે, ૨૦૦૯માં કરેલા વેચાણખતને રદ કરો. તેમની રજૂઆત હતી કે તેઓ નિરક્ષર છે, વેચાણ સમયે તેમને આપવામાં આવેલા ૩૬ ચેકમાંથી છ ચેકની કિંમત રૂ. ૪૦ હજાર હતી, જે તેમને મળી હતી. બાકીના ચેક બોગસ હતા. ૨૦૦૯ અને ૨૦૧૩માં થયેલા વેચાણખત રદ કરો અને જમીનનો કબજો મૂળ માલિકને પરત આપો. જો કે, સિવિલ કોર્ટે આ અરજીને ફ્ગાવી  હતી. જેની સામે, અરજદારે હાઈકોર્ટમાં અપીલ કરી હતી. હાઈકોર્ટની ખંડપીઠે પણ વેચાણ રદ નહીં કરવાનુ વલણ દાખવ્યું હતુ.

(10:00 am IST)