Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

બિહાર વિધાનસભા ચૂંટણી માટે ચિરાગ પાસવાને ૯૪ સીટ માગી

બિહારમાં રાજકીય ગતિવિધિ તેજ બની : એલજેપીએ વધુ સીટ માગતા નીતીશકુમારનું ટેન્શન વધ્યું

પટણા, તા. ૧૦ : બિહાર વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિ તેજ થઈ ગઈ છે. પરંતુ લોકજનશક્તિ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ ચિરાગ પાસવાને બિહારમાં એનડીએ ગઠબંધનનું ટેન્શન વધારી દીધું છે. જેના કારણે બિહારના મુખ્યમંત્રી અને જેડીયુ નેતા નીતીશકુમારની મુશ્કેલી વધી ગઈ છે. ચિરાગ પાસવાન અને નીતીશકુમારની વચ્ચે અણબનાવના અહેવાલ છેલ્લા કેટલાક સમયથી આવી રહ્યા છે. બંને નેતાઓની વચ્ચે વિવાદના બે કારણો છે – પ્રથમ કારણ છે આવનારી વિધાનસભા ચૂંટણીની સીટોના તાલમેલનો મુદ્દો.

            પછી એ બિહાર વિધાનસભા પરિષદની ૧૨ સીટ હોય કે ખાલી સીટો પર રાજ્યપાલ દ્વારા નોમિનેટ કરાતા સભ્યોના મામલો હોય કે પછી વિધાનસભા ચૂંટણીમાં સીટોની ફાળવણીનો મુદ્દો હોય.ચિરાગ પાસવાનની માંગ છે કે બિહાર વિધાન પરિષદમાં તેમની પાર્ટીને બે સીટ ફાળવવામાં આવે અને બિહાર વિધાનસભામાં ઓછામાં ઓછી ૪૩ સીટ આપવામાં આવે. શુક્રવારે આ ઝગડાને આગળને વધારતા બિહાર વિધાનસભા ચૂંટણીમાં ૯૪ સીટ માંગીને ચિરાગ પાસવાને નીતીશ કુમારનું ટેન્શન વધારી દીધું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બિહાર વિધાનસભા ચૂંટણી દિવાળીના સમયગાળાની આસપાસ યોજાવાની છે, ત્યારે હાલથી એનડીએ ગઠબંધનના સાથી પક્ષોમાં જેડીયુ, ભાજપ અને એલજેપી વચ્ચે સીટોની ફાળવણીને લઈને તનાવ સર્જાયો છે.

(12:00 am IST)