Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

૩ તલાક, ઓબીસી, રેપીસ્ટને આકરી સજાના અંગેના બિલ પસાર કરાશે

૧૮મીથી શરૂ થતા સંસદના ચોમાસુ સત્રમાં મહત્વના બીલો પસાર કરવા સરકારની રણનીતિઃ અમિત શાહ, અરૂણ જેટલી વચ્ચે મહત્વની બેઠક યોજાઈઃ ઉપસભાપતિની ચૂંટણી અંગે પણ ચર્ચાઃ ઉપસભાપતિ પદ અંગે વિપક્ષને પછાડવા ભાજપ આ પદનો પ્રસ્તાવ અકાલી દળ કે ટીડીપીને આપી શકે છેઃ રાજ્યસભામાં સત્તારૂઢ ગઠબંધન પાસે પુરતી બહુમતી નથી

નવી દિલ્હી, તા. ૧૧ :. સંસદના ચોમાસુ સત્રમાં ૩ તલાક, ઓબીસી બીલ અને દુષ્કર્મીઓને કડકમાં કડક સજા કરવા અંગેના બીલ ગમે તેમ કરીને પસાર કરાવવા સરકારનો ઈરાદો છે. આવતા બુધવારથી શરૂ થતા સંસદના સત્ર માટે ભાજપે વિપક્ષના પ્રહારોનો સામનો કરવા અને મહત્વના બીલો પસાર કરવાની રણનીતિ બનાવવાનું શરૂ કર્યુ છે. આ ક્રમમાં ભાજપના અધ્યક્ષ અમિત શાહે ગઈકાલે નાણામંત્રી અરૂણ જેટલી સાથે મહત્વની મંત્રણા કરી હતી. ભાજપ અને સરકારની યોજના આ ત્રણેય બીલને પસાર કરાવવાની છે.

કીડની ટ્રાન્સપ્લાન્ટ બાદ સ્વાસ્થ્ય લાભ લઈ રહેલા જેટલીને અમિત શાહ અને પિયુષ ગોયેલ મળ્યા હતા. દોઢ કલાક ચાલેલી આ બેઠકમાં સત્ર દરમિયાન વિપક્ષી પ્રહારોને નિપટવાની સાથે સાથે ઉપસભાપતિ પદની ચૂંટણી અંગે પણ ચર્ચા થઈ હતી. પક્ષના સૂત્રોનું કહેવુ છે કે વિપક્ષને પછાડવા ભાજપ આ પદનો પ્રસ્તાવ અકાલી દળ કે ટીડીપીને આપી શકે છે. રાજ્યસભામાં ભાજપ સૌથી મોટો પક્ષ છે અને એનડીએનું સંખ્યાબળ વધુ છે છતા બહુમતી નથી.

સત્રમાં ભાજપ અને સરકારની યોજના ગમે તેમ કરીને ૩ તલાકને રોકવા અને રાજ્યસભામાં લટકેલા ઓબીસી આયોગને બંધારણીય દરજ્જો આપતા બીલને કાનૂની વાઘા પહેરાવવાની છે. સરકાર આ ઉપરાંત સત્રમાં ૧૨ વર્ષથી ઓછી ઉંમરની છોકરી પર દુષ્કર્મના કેસમાં મૃત્યુ દંડની જોગવાઈ કરતો આપરાધીક કાનુન સંશોધન બીલ પણ રજૂ કરવા માગે છે. સત્ર ૧૮મીથી શરૂ થશે.

એક વખત સંસદની મહોર લાગ્યા બાદ આ બીલ આ બારામાં જારી વટહુકમની જગ્યા લેશે. વટહુકમ ૨૧ એપ્રિલે કઠુવા અને ઉન્નાવ રેપકાંડ બાદ લવાયો હતો. સૂત્રોનું કહેવુ છે કે ડ્રાફટ બીલ તૈયાર કરી લેવાયુ છે અને ટૂંક સમયમા કેબીનેટની મંજુરી મળી છે. તેમા દુષ્કર્મના મામલાની તપાસ ઝડપથી કરવાની વાત છે. તેને બે મહિનામાં પુરૂ કરવાનુ રહેશે. ટ્રાયલ પણ બે મહિનામા જ થશે. ૧૬ વર્ષથી ઓછી ઉંમરની છોકરી ઉપર દુષ્કર્મ કે સામુહિક દુષ્કર્મ કરવા પર આગોતરા જામીન નહી અપાઈ. મહિલા ઉપર દુષ્કર્મ કરવા પર ૭ થી ૧૦ વર્ષની સજા, વધુમાં વધુ સજા આજીવન કેદની થશે. ૧૬ વર્ષની ઓછી ઉંમરની છોકરી પર દુષ્કર્મની સજા ૧૦ વર્ષથી વધારી ૨૦ વર્ષ કરાશે. ૧૨ વર્ષથી ઓછી ઉંમરની છોકરી પર દુષ્કર્મમાં આજીવન કારાવાસ કે પછી ફાંસીની સજાની જોગવાઈ છે.(૨-૧)

(10:31 am IST)