Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

કોરોનાના કારણે ઇદમાં બજારોનો રંગ પડયો ફીક્કો

ઇદમાં ખાસ બનતી સેવઇયાની માંગમાં પણ ઘટાડો : બજારોમાં ખરીદી નથી

લખનૌ તા. ૧૧ : ગયા વર્ષની જેમજ ફરી એકવાર કોરોના લહેર વચ્ચે આવી રહેલી ઇદે ઉત્તરપ્રદેશમાં બજારોનો રંગ ફીક્કો કરી નાખ્યો છે. ગરમીની સીઝનમાં આવતી ઇદમાં જેની ખાસ માંગ હોય છે તે ચીકનના કપડાનું બજાર ઠંડુ છે તો બનારસ અને લખનૌની મશહુર સેવઇઓની માંગમાં પણ જોરદાર ઘટાડો દેખાઇ રહ્યો છે.

ઉત્તર પ્રદેશમાં કોરોના સંક્રમણને રોકવા માટે છેલ્લા ૧૦થી પણ વધારે દિવસોથી લોકડાઉન ચાલી રહ્યું છે અને રવિવારે સરકારે આદેશ બહાર પાડીને તેને આગામી સોમવાર સુધી લંબાવી દીધું છે. લોકડાઉન લંબાવાના કારણે વેપારીઓની આ અઠવાડીયે આવનારી ઇદમાં વેચાણ થવાની આશા પર પાણી ફરી વળ્યું છે. વેપારીઓનંુ કહેવું છે કે કપડા અને અન્ય વસ્તુઓ તો ઠીક અહીં તો આ વખતે તહેવાર માટે જરૂરી સેવઇ અને સુકામેવાનું વેચાણ પણ ઘટી ગયું છે.

લખનૌમાં સેવઇના વેપારી ફાખીર ઇસ્લામનું કહેવું છે કે ટ્રાન્સપોર્ટેશનની તકલીફોના કારણે આ વખતે બહારના ઓર્ડરો બહુ ઓછા મળ્યા છે અને વારાણસીમાં પણ આ જ સ્થિતી છે. તેમનું કહેવું છે કે ધંધો મંદો હોવાથી આ વખતે ભાવ પણ નથી વધ્યા. ખાસ ઇદના તહેવાર પર પસંદ કરવામાં આવતી ઝીરો નંબરની કિમામી સેવઇ ગયા વર્ષની જેમ જ ૫૫-૬૦ રૂપિયે કિલો વેચાય છે. જ્યારે ડબલ ઝીરો નંબરની સેવઇ ૧૧૦ રૂપિયે અને કાચી સેવઇ ૬૦ રૂપિયે કિલો છે. ખાસ સેકેલી બનારસી સેવઇ ૧૨૦ રૂપિયે કિલો મળે છે. ઇદના તહેવાર પર યુપીના વારાણસી અને લખનૌથી ૩૦૦ કરોડ રૂપિયાનો સેવઇનો ધંધો થાય છે. આ વખતે બહારથી મળતા ઓર્ડરમાં ૫૦ ટકાનો ઘટાડો થયો છે.

(12:51 pm IST)