Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

જીવનજરૂરી ચીજોની અછતના એંધાણ

કામદારોમાં વધી રહેલું સંક્રમણ ઉત્પાદન, વિતરણ, ડિલીવરીને કરી રહ્યું છે અસર

નવી દિલ્હી તા. ૧૧ : સ્ટાફમાં કોરોના સંક્રમણના વધી રહેલા કેસોના કારણે હવે સપ્લાય અને ડીલીવરીને અસર થવાથી જીવન જરૂરી ચીજોની અછત ઉભી થવાની આશંકા મજબૂત બનતી જાય છે. કોરોના સંક્રમણમાં થઇ રહેલો વધારો જરૂરી વસ્તુઓના ઉત્પાદન, વિતરણ, ડીલીવરી અને સપ્લાય ચેઇન પર દબાણ ઉભું કરી રહ્યો છે.

પેકેજડ કન્ઝયુમર ગુડ્સના ઉત્પાદક ડાબર ઇન્ડિયાના ચીફ એકઝીકયુટીવ મોહિત મલ્હોત્રા કહે છે કે અમે અમારી કેટલીક પ્રોડકટોમાં સ્ટોક ખલાસ થવાની મુશ્કેલીઓ અનુભવી રહ્યા છીએ. આનું એક કારણ એ પણ છે કે ઇમ્યુનિટી બીલ્ડીંગ જ્યુસ જેવી વસ્તુઓની માંગ વધી ગઇ છે, જો કે અમે આ મુશ્કેલી નિવારવા માટેના પ્રયત્નો કરી રહ્યા છીએ.

એમેઝોન પ્રાઇમ પર અમુક પીન કોડ નાખીએ તો પેપ્સીકો, મેકકેઇન, વેઇકફીલ્ડ અને અન્ય કંપનીઓના સોફટડ્રીંકસ, ફ્રોઝન ફૂડસ અને રેડી ટુ ઇટ જેવી વસ્તુઓ અત્યારે જોવા નથી મળતી.

એમેઝોનના પ્રવકતાએ કહ્યું કે અમે સુરક્ષાના નિયમો જાળવીને ગ્રાહકોની સેવા કરવા સખત મહેનત કરી રહ્યા છીએ. અમે સરકારને દરેક આઇટમની હોમ ડીલીવરી કરવાની પરવાનગી આપવાની વિનંતી કરવાનું ચાલુ રાખીશું.

(10:54 am IST)