Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

રાજ્યમાં આઇસક્રિમ ઉદ્યોગને ૨૮૦૦ કરોડનું જંગી નુકસાન

આઇસક્રિમ એસોસિએશન દ્વારા પેકેજની માંગ : આઈસક્રિમ ઉદ્યોગને વિજ શુલ્કમાં માફી આપવા માંગણી કરાઈ : જીએસટીના દરમાં ઘટાડો કરવા પણ માંગણી

અમદાવાદ, તા. ૧૦ : કોરોના વાઇરસને નિયંત્રણમાં રાખવા લોકડાઉન અમલી છે ત્યારે ડેરી પ્રોડક્ટ એવા દૂધના વેચાણને છૂટ છે પણ દેશભરમાં આઇસક્રીમ ઉદ્યોગને વેચાણની મંજૂરી ન મળતાં આ ઉદ્યોગને એપ્રિલ મહિનામાં ૧૨૦૦ કરોડ અને મે મહિનામાં ૧૬૦૦ કરોડનું નુકસાન થયું છે. કુલ ૨૮૦૦ કરોડનું નુકસાન થઇ શકે છે અને તેના કારણે આ ઉદ્યોગમાં મોટા પાયે બેરોજગારી સર્જાશે એમ આઇસક્રીમ ઉદ્યોગે જણાવ્યું હતું. ઉદ્યોગની માગણી છે કે ડેરી ઉદ્યોગમાં આઇસક્રીમ ઉદ્યોગનું મોટું યોગદાન છે તેથી આઇસક્રીમના વેચાણને પણ મંજૂરી આપવી જોઈએ. જો આ ઉદ્યોગને બચાવવા ત્વરિત પગલાં નહીં લેવાય તો ૫૦૦૦ કરોડ જેટલા ફંડ-નાણાં એનપીએ થાય તેવી સ્થિતિ પેદા થઈ છે.  હાલમાં ઉનાળો ચાલી રહ્યો છે અને ૧૭મે સુધી લોકડાઉનના અમલને કારણે આઇસક્રીમ ઉત્પાદકોને મોટો ફટકો પડ્યો છે. દેશામાં ૧૨૦૦૦ કરોડનો બિઝનેસ ધરાવતા આ ઉદ્યોગનો ૪૦થી ૫૦ ટકા બિઝનેસ માર્ચથી જુલાઈ દરમિયાન થાય છે.

            જેમાં ગુજરાતનો હિસ્સો ૧૦ ટકા છે, ઇન્ડિયન આઇસક્રીમ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન (આઈઆઈસીએમએ)ના પ્રમુખ અને વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝના મેનેજિંગ ડિરેક્ટર રાજેશ ગાંધીએ જણાવ્યું હતું કે, આઇસક્રીમ ઇન્ડસ્ટ્રીને એપ્રિલ મહિનાના બિઝનેસમાં ૧,૨૦૦ કરોડનું નુકસાન થયું છે અને તે પછી લોકડાઉન લંબાયું છે તેથી મે મહિનામાં વધુ ૧,૬૦૦ કરોડનું નુકસાન ભોગવવું પડી શકે છે. આઈઆઈસીએમએએ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન, આરબીઆઇ, કેન્દ્રીય શ્રમ વિભાગ સમક્ષ માંગણી કરી છે કે, આઇસક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટના ઉત્પાદકોનો ખર્ચ અંકુશમાં લાવવા માટે તાત્કાલીક ધોરણે નાણાકીય રાહત આપતું પેકેજ જાહેર કરવું જોઈએ. નાની કંપનીઓ બંધ થઈ છે કે નાદારી નોંધાવે તેવી સ્થિતિ આવી ગઈ છે. આ ઉદ્યોગ ૨૦ લાખ વ્યક્તિઓને રોજગારી આપે છે. હાલમાં આ ઉદ્યોગ બંધ હોવાથી તેટલા પરિવારોને અસર પહોંચી છે. એસોસિયેશને એમ પણ જણાવ્યું હતું કે, જો આ ઉદ્યોગને બચાવવા ત્વરિત પગલાં નહીં લેવાય તો ૫૦૦૦ કરોડનું ફંડ એનપીએ થાય તેવી સ્થિતિ પેદા થઈ છે. આઇસક્રીમ પરનો જીએસટી રેટ ઘટાડવો જોઈએ. ઓછા વ્યાજની ૧૦૦ ટકા લોન સરકારે આપવી જોઈએ અને આ લોનને છ મહિના પછી ૭૦ ટકા રકમને ગ્રાન્ટમાં ફેરવવી જોઈએ. કર્મચારીઓના પગાર સંદર્ભે ઉદ્યોગ વિભાગના લઘુતમ નિયમોના સ્થાને મનરેગા મુજબ પગાર ચૂકવાય તે હિતાવહ છે. ગુજરાત આઇસક્રીમ મેન્યુફેક્ચરિંગ એસોસિયેશનના ચેરમેન અને સૌરાષ્ટ્રની બ્રાન્ડ શીતલ આઇસક્રીમના ભૂપતભાઈ ભુવાએ જણાવ્યું હતું કે, અમે મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજૂઆત કરી છે કે અમે આઇસક્રીમ મેન્યુફેક્ચર ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા છીએ, પણ હાલમાં આઇસક્રીમ ઉદ્યોગને અલગ ગણવામાં આવતા લોકડાઉન દરમિયાન વેચાણ બંધ હોવાથી ઉત્પાદન પણ બંધ છે જેની બિઝનેસ પર માઠી અસર થાય તેમ છે.

              બેંકના હપ્તા અને વ્યાજ, પગાર અને જગ્યાનાં ભાડાં તથા વાહનખર્ચ ઊંચો છે. વળી, વેચાણ થાય કે ન થાય હાજર માલને સાચવવા માઇનસ ૧૮થી માઇનસ ૨૨ના તાપમાનમાં કોલ્ડસ્ટોરેજ રૂમ ચાલુ રાખવા પડે છે જેથી પાવર બિલ વધારે આવે છે. આ ખર્ચને પહોંચી વળવો મુશ્કેલ હોવાથી આઇસક્રીમના ઉત્પાદકોને આગામી ૧૨ મહિના માટે વી બિલમાં માફી આપવી જરૂરી છે. આ સેગમેન્ટમાં કુલ વેપારનો ૬૦થી ૮૦ ટકા વેપાર ઉનાળાના ચાર મહિનામાં થતો હોય છે. આ ઉદ્યોગ સાથે હજારો લોકોની રોજગારી સંકળાયેલી છે. ઉદ્યોગને ટકાવી રાખવા વિદ્યુત શુલ્કમાં માફી આપવી જોઈએ. તેમણે જણાવ્યું હતું કે, અમે રાજ્યના કમિશનર ઓફ ફૂડ સેફટી એટલે કે ફૂડ એન્ડ ડ્રગ એડ્મિનિસ્ટ્રેશનને રજૂઆત કરી છે કે, આઇસક્રીમ જેવા ફુડથી કોરોના ફેલાય છે તેવી માન્યતા ખોટી હોવાથી સાચી માહિતી પહોંચાડવી જોઈએ. ફૂડ સેફટી ડિપાર્ટમેન્ટે એવી સ્પષ્ટતા કરવી જોઈએ કે આઇસક્રીમ અને ચિલ્ડ ફૂડ પ્રોડક્ટ્સ ખાવાથી કોઈ નુકસાન નથી થતું.

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એફએસએસએઆઈ)એ સ્પષ્ટ કર્યું છે કે ફ્રોઝન ફૂડ અને કોલ્ડ-ચિલ્ડ ફૂડ કોરોના વાઇરસનો ફેલાવો કરતું નથી. ફૂડ સેફ્ટી રેગ્યુલેટરી બોડીએ આ બાબતે સ્પષ્ટતા કરી હતી કે, ફૂડ દ્વારા કોરોના વાઇરસનું ટ્રાન્સમિશન થતું હોવાના કોઈ નિર્ણાયક પુરાવા નથી. ઓથોરિટીના ધ્યાનમાં આવ્યા છે કે ઘણાં સ્થળોએ કોવિડ-૧૯ ફેલાવાની સંભાવનાને જોતાં ફ્રોઝન ફૂડ, કોલ્ડ-ચિલ્ડ ફૂડ વગેરેનું પરિવહન, સંગ્રહ અથવા વેચાણ કરવા પર મનાઈ છે.

 

(12:00 am IST)