Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

લાલૂને રાહત : છ સપ્તાહ માટે અંતે જામીન મંજુર કરી દેવાયા

લાલૂ પર શ્રેણીબદ્ધ નવી શરતો લાગૂ કરાઈ : આજે લાલૂના પુત્ર તેજપ્રતાપના લગ્ન થશે : જામીન વેળા લાલૂ પ્રસાદ યાદવ પત્રકારો, નેતાઓને મળી શકશે નહીં

પટણા, તા. ૧૧ : બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી લાલૂ પ્રસાદ યાદવને રાંચી હાઈકોર્ટ દ્વારા છ સપ્તાહ માટે જામીન આપી દેવામાં આવ્યા છે. આની સાથે જ ઘાસચારા કૌભાંડ કેસોમાં અપરાધી જાહેર થયેલા લાલૂ પ્રસાદ યાદવને આંશિક રાહત થઇ છે. બિહારના પીઢ રાજકારણીને કામચલાઉ જામીન મેડિકલ આધાર પર મંજુર કરવામાં આવ્યા છે. ઘાસચારા કૌભાંડ કેસમાં સજા ભોગવી રહેલા રાષ્ટ્રીય જનતા દળના વડા લાલૂ યાદવને ગુરુવારના દિવસે ત્રણ દિવસ માટે પેરોલ મળી ગયા હતા.  તેમના પુત્ર તેજપ્રતાપ યાદવના લગ્નમાં હાજરી આપવા તેમને જામીન આપવામાં આવ્યા હતા. બિહારના પૂર્વ પ્રધાન દરોગાપ્રસાદ રાયની પૌત્રી એશ્વર્યા રાય સાથે તેજપ્રતાપ યાદવના લગ્નને લઇને લાલૂને પેરોલ મંજુર કરવામાં આવ્યા હતા. જેલ ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ હર્ષ મંગલાએ માહિતી આપતા કહ્યું છે કે, આરજેડીના નેતાને પેરોલ આપવામાં આવ્યા છે. જો કે, લાલૂ પર કેટલાક નિયંત્રણો લાગૂ કરવામાં આવ્યા છે. પેરોલ પર જેલની બહાર રહેવાના ગાળા દરમિયાન લાલૂને આ તમામ શરતો પાળવી પડશે. લાલૂ યાદવ આ ગાળા દરમિયાન મિડિયા સાથે વાત કરી શકશે નહીં. તેમની હિલચાલ ઉપર નજર રાખવામાં આવશે. વિડિયો ઉપર રેકોર્ડિંગ કરવામાં આવશે.

બિહાર અને ઝારખંડ પોલીસ દ્વારા સંયુક્તરીતે પુરી પાડવામાં આવેલી સુરક્ષા હેઠળ લાલૂ રહેશે. ડીએસપી રેંકના ચાર અધિકારીઓને લાલૂની સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી છે. સુત્રોએ કહ્યું હતું કે, પૂર્વ મુખ્યમંત્રીના વિસ્તારમાં જવા માટે કોઇ રાજકારણી, કોઇ પાર્ટી વર્કરો અને પત્રકારોને મંજુરી આપવામાં આવશે નહીં.પટણામાં આવતીકાલે એશ્વર્યા રાય સાથે લાલૂના પુત્ર તેજપ્રતાપના લગ્ન છે.

(7:54 pm IST)