Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

મોદીજી નેપાળમાં : રામ - સીતા ડિપ્લોમસી, ચીન નિશાન

જાનકી માતા કી જય અને હર - હર મોદીના સૂત્રોચ્ચાર : ભવ્ય સ્વાગત

કાઠમંડુ તા. ૧૧ : નેપાળમાં ચીનની વધતી દખલની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ-જાનકી ડિપ્લોમસીના સહારે બંને દેશોના સંબંધોને ફરીથી મજબૂત કરવાની કોશિષ કરી છે. જાનકીના પિયર જનકપુરથી પોતાની નેપાળ મુલાકાતની શરૂઆત કરી પીએમએ સદીઓ જૂની દ્વિપક્ષી સંબંધોને આગળ વધારવાનો સંદેશ આપ્યો છે. પીએમ મોદી અને નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ જનકપુર-અયોધ્યા સીધી બસ સર્વિસની પણ શરૂઆત કરી. જાનકી મંદિરમાં ખાસ પૂજા-અર્ચના બાદ પીએમ કીર્તનમાં પણ સામેલ થયા.

એરપોર્ટ પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાનકી મંદિર ખાતે રવાના થયા હતા. એરપોર્ટથી જાનકી મંદિરના રસ્તામાં લોકો ભારત અને નેપાળના રાષ્ટ્રધ્વજ સાથે વડાપ્રધાન મોદીના સ્વાગત માટે ઉભા હતા. લોકોએ મોદી-મોદી, હર હર મોદી અને જાનકી માતા કી જયના સૂત્રો પણ લગાવ્યા હતા. જાનકી મંદિર ખાતે વડાપ્રધાન મોદીના સ્વાગત માટે નેપાળના વડાપ્રધાન કે. પી. ઓલી શર્મા પણ પહોંચ્યા છે. અહીં તેમનું પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું છે.

જનકપુરમાં જનસભાને સંબોધિત કરતાં પીએમ મોદીએ સૌપ્રથમ 'જય સીયા રામ' કહી શરૂઆત કરી. પીએમનું અહીં ૨૧૨ કલોગ્રામ ફૂલોની માળા પહેરાવી સ્વાગત કરાયું હતું. પીએમ મોદીએ જનસભાને સંબોધિત કરતાં કહ્યું કે ૨૦૧૪માં પહેલી વખત નેપાળ આવ્યો ત્યારે ઉતાવળમાં હતો એટલે તે વખતે જનકપુર આવી શકયો નહીં, પરંતુ તે વખતે મેં વચન આપ્યું હતું કે હું ટૂંક સમયમાં આવીશ. છતાં મારે આવવામાં મોડું થઇ ગયું તે માટે ક્ષમા માંગું છું. આજે અહીં દર્શન કરી મારું જીવન સફળ થયું. તેમણે કહ્યું કે સૌભાગ્ય છે કે એકાદશીના દિવસે મૈયા સીતાએ મને અહીં બોલાવ્યો છે. પીએમ મોદીએ આસ્થાની વાત કરતાં કહ્યું મહાભારતમાં વિરાટનગર, રામાયણમાં જનકપુર, બુદ્ઘ કાળમાં લુમ્બિનીનો આ સંબંધ યુગો-યુગોથી ચાલતો આવી રહ્યો છે. નેપાળ અને ભારત આસ્થાની ભાષાથી બંધાયેલા છે. અમારી માતા, આસ્થા, પ્રકૃતિ, સંસ્કૃતિ બધું એક છે. તેમણે કહ્યું કે માતા જાનકી વગર અયોધ્યા પણ અધૂરી છે. મિત્રતાનું બંધન મને અહીં ખેંચી લાવે છે. નેપાળ વગર ભારતનો ઇતિહાસ-વિશ્વાસ અધૂરો છે.

આપને જણાવી દઇએ કે પીએમ તરીકે આ મોદીનો ત્રીજો નેપાળ પ્રવાસ છે. સરહદ પર નાકાબંધીના લીધે નેપાળના લોકોમાં ભારતની વિરૂદ્ઘ થોડીક નારાજગી ઉભી થઇ ગઇ હતી. જો કે ઓલીએ ૨૦૧૫માં સંવિધાન લખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી જેને ત્યારે ભારતનું સમર્થન મળ્યું નહોતું, પરંતુ ત્યારબાદ નેપાળની વિરૂદ્ઘ બિન-સત્તાવાર ગતિરોધની સ્થિતિ બની હતી.

ગુલાબી પાઘડી પહેરી મોદીએ અહીંના લોકોને સંબોધિત કરતાં કહ્યું કે એકાદશીના પાવન પર્વ પર માતા જાનકીના ચરણોમાં આવવાનું સૌભાગ્ય મળ્યું. ભારતના પહેલાં વડાપ્રધાનને આજે જનકપુરમાં રાજા જનકને, માતા જાનકીને પ્રણામ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. આ પણ ઐતિહાસિક પળ છે કે નેપાળના આદરણીય વડાપ્રધાન અને મારા ભાઇ સાહેબ કેપી શર્મા ઓલી સ્વયં કાઠમંડુથી અહીં આવ્યા.

પીએમએ કહ્યું કે તેમણે (ઓલી) માતા જાનકીના દર્શન માટે ઉત્ત્।ર વ્યવસ્થા કરી. પીએમ એ નેપાળ સરકારનો અંતૅંકરણપૂર્વક આભાર માન્યો. પીએમે કહ્યું કે નેપાળે જે સ્વાગત અને સમ્માન આપ્યું છે એ હજારો વર્ષોની આપણી પરંપરા અને સવા સો કરોડ ભારતીયોનું સમ્માન છે. તેમણે કહ્યું કે આજે આખી દુનિયામાં પર્યટન તેજ ગતિથી વિકસિત થઇ રહ્યું છે. રામાયણ સક્રિટ બંને દેશો માટે મોટી શરૂઆત છે.

પીએમે કહ્યુંકે સદીઓથી જનકપુરનો અયોધ્યા સાથે અતૂટ સંબંધ રહ્યો છે. આજે જનકપુર-અયોધ્યા સીધી બસનો પ્રારંભ થઇ રહ્યો છે. ભવિષ્યમાં આર્થિક વિકાસ અને સંબંધોને આગળ વધારવા માટે તેનાથી માર્ગ પ્રશસ્ત થશે.

બીજીબાજુ નેપાળી પીએમ ઓલીએ પોતાના સંબોધનમાં કહ્યું કે આ જાનકીની પવિત્ર ભૂમિ છે અને અહીં નેપાળની પ્રજાની તરફથી પીએમ મોદીનું હાર્દિક સ્વાગત છે. જનકપુર ખુશ છે કે અમે રામ-લક્ષ્મણને જોયા, ધનુષ ભંગ થતું જોયું, રામ-જાનકી વિવાહ જોયા. અયોધ્યાથી જાન આવી અને જાનકી વિદાય થયા. આ પરંપરાને અમે આજ સુધી યથાવત રાખી છે. નેપાળ પીએમ એ આગળ કહ્યું કે બંને દેશોની વચ્ચે મૈત્રી અને સાંસ્કૃતિક સંબંધ રહ્યો છે.

(4:17 pm IST)