Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

રાહુલ નહિ, માયાવતી વડાપ્રધાનપદના ઉમેદવાર

સપા - બસપાની રણનીતિ : કોંગ્રેસને કેન્દ્રમાં ગૃહમંત્રીપદની ઓફર થશે : અખિલેશને યુપીના ભાવિ મુખ્યમંત્રી તરીકે પ્રોજેકટ કરાશેઃ યાદવ પરિવારના શિવપાલ, રામગોપાલને કેન્દ્રમાં પ્રધાન બનાવાશેઃ નાના પક્ષોને જોડવા કવાયતઃ કોંગ્રેસ સ્તબ્ધઃ વિપક્ષના ફાટા પડે તેવી સંભાવના

લખનૌ તા. ૧૧ : કોંગ્રેસ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે રાહુલ ગાંધીને પ્રોજેકટ કરાઇ રહ્યા છે ત્યારે કોંગ્રેસના સાથીદાર સમાજવાદી પક્ષે માયાવતી સાથે અલગ રણનીતિ ઘડયાનું સૂત્રો કહે છે.

સપા - બસપાની રણનીતિ મુજબ માયાવતી વડાપ્રધાન પદના ઉમેદવાર ઘોષિત થશે. કોંગ્રેસ માટે આ સ્થિતિ અસહ્ય બનશે અને સપાથી કોંગ્રેસ અલગ પડે તેવી સંભાવના સર્જાશે.

૨૦૧૪માં પૂર્ણ બહુમતથી કેન્દ્રમાં સરકાર બનાવનાર બીજેપી માટે ઉત્તર પ્રદેશ રાજય આશીર્વાદ સમાન રહ્યું હતું. જોકે, ૨૦૧૯માં ઉત્તર પ્રદેશમાં પોતાની બેઠકો જાળવી રાખવી કદાચ બીજેપી માટે મુશ્કેલ રહેશે. આના પાછળનું મુખ્ય કારણ સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી વચ્ચેનું ઐતિહાસિક ગઠબંધન છે.

ગોરખપુર અને ફૂલપૂરમાં બંને પાર્ટીઓના ગઠબંધને પહેલા જ પોતાની તાકાત બતાવી દીધી છે. હવે કૈરાનામાં રોલોદ સામેલ થતા બીજેપી માટે જીત મુશ્કેલ થઈ ગઈ છે. પેટા ચૂંટણીમાં એક બે બેઠક અને લોકસભાની ચૂંટણીમાં મહાગઠબંધનની સફળતાનું રહસ્ય તેની ફોર્મ્યુલામાં છૂપાયેલું છે.

હાલમાં ૨૦૧૯ના લોકસભાની ચૂંટણી માટે ગઠબંધનની ફોર્મ્યુલા પર વાતચીત ચાલી રહી છે. વિતેલા દિવસોમાં બસપાના સુપ્રીમો માયાવતીએ સંકેત પણ આપ્યા હતા આ અંગેનો પ્લાન તૈયાર છે, ફકત જાહેરાત બાકી છે. આખરે શું છે આ ફોર્મ્યુલા? સપા, બસપા, રાલોદ, કોંગ્રેસ એક બીજાના હિતોને નુકસાન પહોંચાડ્યા વગર કેવી રીતે સત્તા મેળવી શકે છે? શું બેઠકો પર સહમતી સાથે સાથે સરકારમાં ભાગીદારી પર પણ વાતચીત થઈ છે? ન્યૂઝ૧૮ના અહેવાલ પ્રમાણે ફકત બેઠકોની વહેંચણી પર જ નહીં પરંતુ મંત્રી પદને લઈને પણ મહાગઠબંધનમાં સહમતિ થઈ રહી છે.

આ જાણકારી સાથે સાથે સપા-બસપાનો ૨૦૧૯ના ચૂંટણીનો આખો ગેમ પ્લાન સામે આવ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગઠબંધન આગામી દિવસોમાં પોતાના પીએમ પદના ઉમેદવાર તરીકે માયાવતીના નામની જાહેરાત કરી શકે છે. બહુમત મળવાના કેસમાં માયાવતીને વડપ્રધાન બનાવવામાં આવશે.માયાવતી પીએમ બન્યા બાદ ગઠબંધન અંતર્ગત ઉત્તર પ્રદેશની જવાબદારી અખિલેશ યાદવને સોંપવામાં આવશે. ગઠબંધનમાં સામેલ થનાર રાલોદને સરકારમાં એક મંત્રીપદ આપવામાં આવશે. બીજી તરફ એ વાત પર પણ સહમતિ બની છે કે ગૃહમંત્રીનું પદ કોંગ્રેસના ફાળે જશે.સપાની ભાગીદારીની વાત કરવામાં આવે તો મૈનપુરીના સાંસદ ધર્મેન્દ્ર યાદવ અને પ્રો. રામગોપાલ યાદવનો સમાવેશ મંત્રીમંડલમાં કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અખિલેશ યાદવ હાલમાં ગઠબંધનમાં અન્ય પાર્ટીઓને જોડવા માટે કામે લાગ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે થોડા દિવસ પહેલા અખિલેશ અને શિવપાલ યાદવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે પણ મુલાકાત કરી હતી.

(4:18 pm IST)