Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

ફિલપકાર્ટ ખરીદી વોલમાર્ટ મોટી ધંધાકીય લડાઇ માટે તૈયાર

નવી દિલ્હી તા. ૧૧ : વોલમાર્ટ ઈન્કના સામ્રાજયનો સૂરજ કયારેય અસ્ત નથી થતો. પાંચ મહાદ્વીપોમાં ફેલાયેલા સ્ટોર્સને કારણે વોલમાર્ટ પર આ કહેવાત બરાબર ફીટ બેસે છે, પરંતુ ૧૦ દિવસની અંદર જ આ કંપનીના સીઈઓ ડગ મેકમિલને પોતાના બિઝનેસ સામ્રાજયનો નકશો નવેસરથી બનાવવાનું શરૂ કરી દીધું છે. બે સપ્તાહ કરતા પણ ઓછા સમયની અંદર વોલમાર્ટે એક તરફ બ્રિટનનો પોતાનો બિઝનેસ હરીફ કંપનીને સોંપી દીધો તો બીજી તરફ ભારતીય ઈ-કોમર્સ દિગ્ગજ ફિલપકાર્ટને ૧ લાખ કરોડથી વધુ કિંમતમાં પોતાની બનાવી લીધી.

એમેઝોનને પછાડવાના ક્રમમાં આ વોલમાર્ટની અત્યાર સુધીની સૌથી મોટી ડીલ છે. બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ, આ ડીલે એ બતાવ્યું છે કે, કઈ રીતે મેકમિલનનું ફોકસ ભારત અને ચીનના હાઈ પોટેન્શિયલ બજાર પર છે. વોલમાર્ટ ઓનલાઈન બજારમાં પોતાની ઘૂસ મજબૂત બનાવવા માટે નવા પાર્ટનર બનાવી રહી છે, તો ખોટ કરતા પોતાના બિઝનેસોમાંથી હાથ પાછા ખેંચી રહી છે. આ ક્રમમાં વોલમાર્ટને હજુ વધુ આગળ જવાનું છે. તેના લિસ્ટમાં હવે બ્રાઝિલ અને જાપાન જેવા દેશોના બજાર છે.

વોલમાર્ટની બૃહદ ઈન્ટરનેશનલ યુનિટ્સ કેશ સોર્સ, ટેલેન્ટ મેનેજમેન્ટ અને યુએસના તેના કોર ઓપરેશન્સ માટે મહત્વના છે. એક સમયે અમેરિકાની બહાર વોલમાર્ટની સેલ્સ ગ્રોથ ૧૦ ટકા વાર્ષિકથી પણ વધારે થઈ ચૂકી હતી. પરંતુ સુસ્ત અર્થવ્યવસ્થાઓમાં વોલમાર્ટના સ્ટોર્સ બંધ થવાથી અને જબરજસ્ત પ્રતિસ્પર્ધાએ આ વધારાને ધોઈ નાખ્યો. અમેરિકાના ઈ-કોમર્સ બિઝનેસની પછડાટ અને આ વર્ષે મજૂરી મોંઘી થવાથી વોલમાર્ટ અને મેકમિલનને કડક નિર્ણયો લેવા પડ્યા.

એવામાં વોલમાર્ટે બ્રિટેનનું પોતાનું યુનિટ Asda સ્ટોર્સને વેચવાના નિર્ણય સ્વાગત વોલ સ્ટ્રીટે કર્યું, પરંતુ ફિલપકાર્ટની ડીલ પર રોકાણકારોના ભ્રમરો ખેંચાઈ ગઈ. નુકસાનમાં ચાલતી ફિલપકાર્ટમાં રૂપિયા લગાવવા પર સવાલ ઊભા થયા કે તેનો સારો ઉપયોગ બીજે કયાંક કરી શકાય તેમ હતો. એસ એન્ડ પી ગ્લોબલ રેટિંગ્સે કહ્યું કે, એમેઝોન સાથેની સ્પર્ધામાં વોલમાર્ટ દ્વારા કરવામાં આવી રહેલો મોટો ખર્ચ તેની ક્રેડિટ રેટિંગ પર પણ અસર કરી શકે છે.

મેકમિલને વિશ્લેષકો સામે ફિલપકાર્ટ ડીલનો બચાવ કરતા તેને એક ખાસ તક જણાવી છે. એવું કહેતા મેકમિલનના મનમાં ૨૦૧૧નું એ ખોટું પગલું પણ હશે, જયારે ચીનમાં એક બિનલાભદાયી સેકન્ડ કલાસની ઓનલાઈન માર્કેટ ડીલ કરી હતી અને અલીબાબા (ચીનની એમેઝોન) સાથે સ્પર્ધા શરૂ થઈ હતી.

આર્જેન્ટીનાથી ઝામ્બિયા સુધી લગભગ બે ડઝન દેશોમાં વોલમાર્ટના ૬૩૩૦ સ્ટોર્સ છે. તેમાંથી મોટાભાગના ૧૯૯૯થી ૨૦૦૯ની વચ્ચે વોલમાર્ટના આક્રમક સામ્રાજય વિસ્તારના કાળમાં ઊભા કરાયા હતા. જોકે, હવે એ સમય પૂરો થઈ ગયો છે. આજે કંપનીનો આંતરાષ્ટ્રીય બિઝનેસ કુલ રેવન્યુના ચોથા ભાગથી પણ નીચે પહોંચી ગયો છે, જે પાંચ વર્ષ પહેલા લગભગ ૩૦ ટકા હતો. બ્રિટનમાં Asdaના બિઝનેસમાંથી હાથ પાછો ખેંચ્યા બાદ તે હજુ પણ નીચે જશે.

ફિલપકાર્ટ જેવી ડીલે એ બતાવ્યું કે, એમેઝોનને ટક્કટર આપવા માટે વોલમાર્ટ અમેરિકાની બહાર પણ પગલાં ભરતું રહેશે. બે વર્ષની મંદી અને રાજકીય અશાંતિમાંથી તરત બહાર આવેલા બ્રાઝિલમાં વોલમાર્ટે પોતાના સ્ટોર બંધ કર્યા છે. વોલમાર્ટ અહીં પોાતનું યુનિટ વેચવાની તૈયારીમાં છે. એકસપર્ટસનું કહેવું છે કે, વોલમાર્ટ બ્રાઝિલમાંથી રૂપિયા કાઢી એમેઝોનની સાથે પોતાની લડાઈમાં ઉપયોગ કરશે. એશિયાના બીજા દેશો ભારત અને ચીનની જેમ જાપાનમાં પણ ડિજિટલ બિઝનસમાં જ શકયતાઓ છે. તેને જોતા વોલમાર્ટે પોતાની ઓનલાઈન ગ્રોસરી સર્વિસને મજબૂત કરવા માટે Rakuten Inc જેવા લોકલ પ્લેયર સાથે હાથ મિલાવ્યા છે.

(4:15 pm IST)