Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

શ્રીદેવીના મોતની તપાસ બીજી વખત નહી થાય : સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં નિધનનું કારણ સ્પષ્ટ દર્શાવેલુ છે : કોર્ટ

નવી દિલ્હી તા. ૧૧ : અભિનેત્રી શ્રીદેવીના મોતની સ્વતંત્ર તપાસ કરવાની માંગ કરનારી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે હવે શ્રીદેવીની મોતની ફરીથી તપાસ થશે નહીં કારણ કે એના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં નિધનનું કારણ સ્પષ્ટ લખેલું છે.

આ અરજી 'ગેમ ઓફ અયોધ્યા' ફેઇમ ફિલ્મમેકર સુનીલ સિંહે દાખલ કરી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે જે પરિસ્થિતિઓમાં શ્રીદેવીનું નિધન થયું છે, એની તપાસ થવી જોઇએ. આ પહેલા દિલ્હી હાઇકોર્ટ પણ આ અરજીની ફગાવી ચૂકી છે.

ફિલ્મમેકર સુનીલ સિંહએ દાવો કર્યો હતો કે, એ સમયે તેઓ દુબઇમાં હતા જયારે શ્રીદેવીનું મોત થયું હતું. ત્યાંના હોટલ કર્મચારીઓ અને સ્ટાફના લોકોએ જે એમને જણાવ્યું એ મીડિયાને આપવામાં આવેલા પરિવારના નિવેદનો અને બીજા લોકોને જણાવવામાં આવેલા ઘટનાક્રમોથી ખૂબ જ અલગ છે.ઙ્ગ

શ્રીદેવી પોતાના પતિ બોની કપૂર અને નાની પુત્રી ખુશી કપૂરની સાથે એક પારિવારિક લગ્ન સમારોહમાં હાજરી આપવા દુબઇ ગઇ હતી. જયાં તેનું મૃત્યુ દુર્ઘટનાવશ ડૂબવાથી થયું હતું.

(4:13 pm IST)