Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

શાસ્ત્રો એ મા છેઃ પૂ. મોરારીબાપુ

ઝારખંડના જમશેદપુરમાં આયોજીત 'માનસ સતસંગ' શ્રી રામકથાનો સાતમો દિવસ

રાજકોટ, તા. ૧૧ :. 'શાસ્ત્રો એ મા છે' તેમ ઝારખંડના જમશેદપુર ખાતે આયોજીત 'માનસ સતસંગ' શ્રી રામકથાના સાતમા દિવસે કહ્યુ હતું.

પૂ. મોરારીબાપુએ કહ્યુ કે, માતા જેવી રીતે બાળકોને સંસ્કારોનું સિંચન કરે છે તેવી રીતે આપણા ધાર્મિક ગ્રંથો જ્ઞાનરૂપી દિવા પ્રગટાવે છે.

પૂ. મોરારીબાપુએ ગઈકાલે શ્રી રામકથાના છઠ્ઠા દિવસે કહ્યું કે, મહાભારતનું યુદ્ધ 'હરિ'થી નહીં પણ 'હર'થી જીતાયુ છે ! કેમ કે કૃષ્ણ અર્જુનના રથ ઉપરની ધજામાં હનુમાનજી બેઠા છે. તુલસીજીએ એ ધજામાં બિરાજીત હનુમાનજીનંુ વર્ણન કર્યુ છે. એમાય દ્રોણ અને ભિષ્મ જેવા ધૂરંધરો પણ અચંબિત થઈ ઉઠે છે એવું જોમ જુસ્સામય વર્ણન છે. સંત જ્યાં રહેતો હોય ત્યાં જ એ પ્રગટ થયા છે અને તપસ્યા વગર સંત મળતા નથી. 'પૂન્યપુંજ' બિનુ મીલહિ ન સંતા સંતનો સંગ પણ સતસંગ છે. માનસમાં સતસંગ શબ્દ ૨૩ વખત પ્રયોજાયો છે. હિન્દીમાં કહીએ તો સતસંગ શબ્દ 'તેઈસ બાર' પ્રયોજિત હુઆ હૈય, પણ મારે માટે તો 'તેઈસ' એટલે 'તે-ઈસ' એટલે કે એ જ ઈશ છે. બાપ... ભકિત સ્વતંત્ર છે પણ સતસંગ વગર નથી મળતી. 'કવિતાવલી'માં એટલે જ તુલસી કહે છે... સતસંગના અન્ય પણ ત્રણ પરિબળો છે. સમાગમથી પણ સતસંગ શકય છે, દર્શનથી પણ એ શકય છે અને સ્પર્શથી પણ સતસંગ શકય છે એનુ પ્રમાણ છે હનુમાનજી લંકિનીને મુક્કો મારે છે તો એ સ્પર્શરૂપી સતસંગ છે.

બાપુએ સરસ સુત્રાત્મક કહ્યું કે, ગંગા જળ છે, સતસંગ પળ છે. ગંગા હરિદ્વાર જાય છે અને સંત થકી આપણા હૃદયના દ્વાર ખુલી જાય છે, એટલે સતસંગ ગંગા સમાન છે, એ સંત સમાન પણ છે. મને કહેવા દો સાહેબ, શ્રવણ, ગાયન, કથન, અનુમોદન વગેરે પણ સતસંગ છે. ભગવાનના નામનો જપ પણ સતસંગ છે, બાકી બધુ ગપ છે. લીલા, ચરિત્ર, નામ, રૂપ ધામએ પણ સતસંગ છે...

(4:02 pm IST)