Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

વડાપ્રધાન બનવાથી કોઈ બુધ્ધીમાન નથી બનતુઃ શુત્રધ્નનો ટોણો

શુત્રધ્ન સિન્હાને કર્ણાટક પ્રચારથી દૂર રખાતા મોદી- શાહને ટેગ કરી ટ્વીટ ઉપર પોતાની નારાજગી વ્યકત કરી

નવી દિલ્હીઃ કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર થંભી ગયો છે પરંતુ આ અભિયાનમાંથી ભાજપના સ્ટાર નેતા શત્રુઘ્ન સિન્હાને દૂર રાખવામાં આવ્યા હતા. પ્રચાર પૂર્ણ થતાં જ શત્રુઘ્ન સિન્હાએ ટ્વિટર પર વડાપ્રધાન મોદી પર કડક ટીપ્પણી કરી છે. તેઓએ ટ્વીટમાં મોદીને ટેગ કરી કહ્યું કે વડાપ્રધાન બનવાથી કોઈ બુદ્ઘિમાન નથી બની જતું. આટલું જ નહીં તેઓએ પ્રચાર દરમિયાન વડાપ્રધાન મોદીની ભાષા પર પણ સવાલો ઉઠાવ્યાં છે.

ભાજપના અસંતુષ્ટ નેતા શત્રુઘ્ન સિન્હાએ ટ્વીટ કરી કહ્યું કે, ''કર્ણાટકમાં આજે ચૂંટણી પ્રચાર થંભી ગયો છે, પરંતુ બિહાર-યુપીની જેમ મને અહીં પણ પ્રચાર માટે બોલાવવામાં આવ્યો ન હતો, કારણ આપણને દરેકને ખ્યાલ જ છે. પરંતુ એક જૂનાં મિત્રની જેમ હું એટલું કહેવા માંગીશ કે તમારે વડાપ્રધાન પદની ગરિમા રાખવી જોઈએ.''  શત્રુઘ્નએ કહ્યું કે, ''આપણે કોંગ્રેસ પર PPP જેવાં કોમેન્ટ કેમ કરી રહ્યાં છીએ, જયારે કે પરિણામ તો ૧૫ મેનાં રોજ આવવાનું છે. વડાપ્રધાન બનવાથી કોઈ બુદ્ઘિમાન નથી બની જતું. કર્ણાટકમાં જનતાને નક્કી કરવા દો.''

શત્રુઘ્ન સિન્હાએ આ તમામ ટ્વીટમાં વડાપ્રધાન મોદીની સાથે સાથે ભાજપ અધ્યક્ષ અમિત શાહને પણ ટેગ કર્યા છે. શત્રુઘ્ન સિન્હા છેલ્લાં ઘણાં સમયથી પાર્ટી અને સરકાર વિરૂદ્ઘ નિવેદનો કરે છે. હાલમાં જ સીનિયર નેતા યશવંત સિન્હાએ ભાજપ છોડ્યું, જે બાદ બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલ મોદીએ શત્રુઘ્ન સિન્હાને પણ પાર્ટી છોડવાની સલાહ આપી હતી.

જો કે શત્રુઘ્નએ તેમને પર પલટવાર કર્યો હતો. સુશીલ મોદી પર હુમલો કરતાં શોટગન સિન્હાએ સુશીલકુમાર મોદીને એક નાના નેતા ગણાવ્યાં, બિહારમાં તેમને કોઈ ઓળખતું નથી તેમ પણ જણાવ્યું હતું. શત્રુઘ્નએ કહ્યું હતું કે સુશીલ મોદી પોતાના જ પ્રદેશમાં જ લોકપ્રિય નથી. પાર્ટી તેમના કારણે જ ૨૦૧૫દ્ગક વિધાનસભા ચૂંટણી હાર્યુ હતું. તેઓ છેલ્લાં કેટલાંક સમયથી વિપક્ષી પાર્ટીઓના નેતા સાથે મુલાકાત કરી રહ્યાં છે. જેમાં એમ.કે. સ્ટાલિન, લાલુપ્રસાદ યાદવ, સ્વાતિ માલીવાલ, મમતા બેનરજી જેવાં નેતાઓ સામેલ છે.

(3:55 pm IST)