Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

નરેન્દ્ર મોદીએ નવ દિવસમાં કુલ ૨૧ રેલી સંબોધી હતી

કર્ણાટકમાં ઓછી રેલી કરનાર હતા : રિપોર્ટ : કર્ણાટકમાં પરિસ્થિતી વધુ જટિલ હોવાથી વધુ રેલી કરી

બેંગલોર,તા. ૧૧ : કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને જીત અપાવી દેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝંઝાવતી પ્રચાર કર્યો હતો. મોદીએ માત્ર નવ દિવસના ટુંકા ગાળામા જ ૨૧ રેલીઓ સંબોધી હતી. મોદી પહેલા કર્ણાટકમાં ૧૫ રેલી જ કરનાર હતા પરંતુ છેલ્લી ઘડીએ તેમની રેલીઓની સંખ્યાને વધારી દેવામાં આવી હતી. નિષ્ણાંતોના કહેવા મુજબ ભાજપની સ્થિતી નબળી દેખાતા તેમની રેલીની સંખ્યા વધારી દેવામાં આવી હતી. કર્ણાટકમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સ્પર્ધા વધારે તીવ્ર દેખાઇ રહી હતી. જેથી રેલીઓની સંખ્યા વધારી દેવામાં આવી હતી. મોદી કોઇ પણ રાજ્યમાં હમેંશા જોરદાર પ્રચાર કરતા રહે છે. આ પહેલા ગુજરાતમાં પણ મોદીએ તમામ તાકાત લગાવી દીધી હતી. મોદીએગુજરાતમાં ૩૪ રેલીઓ કરીને ભાજપની સ્થિતીને વધારે મજબુત કરી હતી. ગુજરાતમાં ભાજપની સ્થિતી ખુબ નબળી દેખાઇ રહી હતી. જુદા જુદા સમુદાયના શક્તિશાળી નેતા તેની વિરુદ્ધમાં હતા. ગુજરાત ઉપરાંત ઉત્તરપ્રદેશમાં પમ મોદીએ ૨૪ રેલીઓ કરી હતી. જ્યા ભાજપને પ્રચંડ બહુમતિ મળી હતી. હવે કર્ણાટકને લઇને ભારે ચર્ચા છે. પ્રચારના છેલ્લા દિવસે તમામ ટોપ નેતાઓ પ્રચારના વ્યસ્ત રહ્યા હતા. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીનો સમાવેશ થાય છે. આ ઉપરાત ભાજપ પ્રમુખ અમિત શાહ પણ પ્રચારમાં વ્યસ્ત રહ્યા હતા. અમિત શાહે દાવો કર્યો હતો કે ભાજપ એકલા હાથે ૧૩૦ સીટ જીતી જશે અને તેને કોઇના સમર્થનની જરૂર પડશે નહી.   ૨૨૪ સીટોવાળી કર્ણાટક વિધાનસભા માટે હવે ૧૨મી મેના દિવસે મતદાન થશે. કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર બનાવી શકશે કે પછી ભાજપ સરકાર બનાવશે તે અંગે ૧૫મી મેના દિવસે ફેંસલો થશે.  ૨૨૪ સીટમાંથી સરકાર બનાવવા ૧૧૩ સીટોની જરૂર છે. કોંગ્રેસ પાસે હાલમાં ૧૨૨ સીટો છે. ભાજપ પાસે ૪૩ અને જેડીએસ પાસે ૩૭ સીટો છે. કર્ણાટક વિધાનસભાની અવધિ મે ૨૦૧૮માં પૂર્ણ થઇ રહી છે. કર્ણાટકમાં ૪ કરોડ ૯૬ લાખ વોટરો છે. ૯૭ ટકા લોકોને ફોટો ઓળખપત્ર જારી કરવામાં આવ્યા છે.

(12:55 pm IST)