Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

'કોઇ નેતા દ્વારા દલિતના ઘરે ભોજન કરવાથી સ્થિતિ બદલવાની નથીઃ દલિત પરિવારની દીકરી સાથે લગ્ન કરો': મોરારીબાપુ

જાતિઓને ઉપર લાવવી હોય તો તેમની દીકરી સાથે લગ્ન કરોઃ રોટલી - દીકરીનો સંબંધ કરો

જમશેદપુર તા. ૧૧ : જાણીતા કથાકાર પૂ. મોરારિબાપુ ઝારખંડના જમશેદપુરમાં રામચરિત માનસ સત્સંગમાં કથારસ પીરસી રહ્યા છે. બિષ્ટુપુર ગોપાલ મેદાનમાં બનેલા ચિત્રકુટ ધામમાં સત્સંગ દરમિયાન મોરારિ બાપુએ કહ્યું કે, કોઈ નેતા દ્વારા દલિતના ઘરે એક સમયનું ભોજન કરવાથી સ્થિતિ બદલવાની નથી. જાતિઓને ઉપર લાવવી હોય તો તેમની દીકરી સાથે લગ્ન કરો. રોટલી-દીકરીનો સંબંધ કરો, ત્યારે જ કલ્યાણ થશે.

ઙ્ગ સત્સંગ દરમિયાન પૂ. મોરારિબાપુએ કહ્યું કે, હાલમાં રાજકીય પાર્ટીઓમાં દલિતોના ઘરે જમવાની નવી પરંપરા શરૂ થઈ ગઈ છે. ફેશન ચાલી રહી છે. હું આ પરંપરાનો વિરોધી છું.

અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભાજપના બધા સાંસદો, વિધાયકો અને મંત્રીઓને આદેશ આપ્યો હતો કે તે પોત-પોતાના વિસ્તારમાં દલિતોના ઘરે જાય અને તેમના ઘરે ભોજન કરે. પ્રધાનમંત્રીના આ આદેશ બાદ યુપીના સીએમ યોગી આદિત્યનાથથી લઈને અત્યાર સુધી ઘણા નેતાઓએ દલિતોના ઘરે રાત વિતાવી છે. જોકે ભાજપના નેતાઓ દલિતોના ઘરે જવાથી ઘણીવાર વિવાદ પણ થયો છે. ઘણીવાર દલિતોના ઘરમાં બહારથી ખોરાક મંગાવાયો તો કયાંક નવા વાસણમાં નેતાઓ ભોજન કરતા જોવા મળ્યા હતા. તો સંઘના વડા ભાગવતજીએ પણ ભાજપને આ નાટક બંધ કરવા આદેશ આપ્યો હતો.

ઘણા લોકોએ અત્યાર સુધીમાં દલિતોના ઘરે ભોજન કરવા પર પોતાની પ્રતિક્રિયા આપી છે. જાણીતી લેખિકા તસલીમા નસરીને ટ્વીટ કરી તેના પર કહ્યું કે, સવર્ણો દ્વારા દલિતોના ઘરે ભોજન કરવું પૂરતું નથી. તેમણે દલિતો સાથે લગ્ન કરવા જોઈએ અને દલિતોને પૂજારી પણ બનાવવા જોઈએ. ઉત્તરી પશ્ચિમી દિલ્હીથી ભારતીય જનતા પાર્ટીના જ એક દલિત સાંસદ રાજે આ મુદ્દા પર કહ્યું હતું કે સમુદાયની આકાંક્ષાઓને પુરી કરવા માટે આ પ્રકારની વસ્તુઓ પર્યાપ્ત નથી.

 ઉત્તર પ્રદેશના બહરાઈચ સીટથી ભાજપના સાંસદ સાવિત્રી બાઈ ફુલેએ તેને નાટક અને બહુજન સમાજનું અપમાન ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, દેખાડો કરવા દલિતોના દરવાજા પર ભોજન કરીને ફોટો પડાવાઈ રહ્યા છે અને તેમને વોટ્સએપ, ફેસબુક પર વાઈરલ કરી વાહ-વાહી મેળવાઈ રહી છે.

(12:53 pm IST)