Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

આજે રાત્રે છેલ્લા ખેલ ખેલાશે : કાલે લોકચૂકાદો પેટીમાં પૂરાશે

૨૨૪ વિધાનસભાની બેઠક માટે ૨૬૫૪ ઉમેદવારો મેદાનમાં: ૪.૯૬ કરોડ મતદાતા તૈયાર : સટ્ટાબજારનું રૂખ ત્રિશંકુ વિધાનસભાઃ નરેન્દ્રભાઇ - અમીતભાઇ - રાહુલ - સિધ્ધારમૈયાએ બેફામ આક્ષેપોની ઝડી વરસાવી : ઓનલાઇન સોશ્યલ મિડીયા ઉપર હવે છેલ્લા ખેલ

બેંગાલૂરૂ તા. ૧૧ : ગઇસાંજે કર્ણાટકની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત પડી ગયા હતા. ભાજપ અને કોંગ્રેસ બન્નેએ મતદારોને આકર્ષવા માટેના મોટા મોટા વચનો આપ્યા હતા સાથે સામસામે આરોપો પણ લગાવ્યા હતા. હવે બન્ને પક્ષનો સોશિયલ મીડિયા આઇટી સેલ પહેલા કરતા વધુ આક્રમક રીતે ઓનલાઇન પ્રચારમાં લાગી છે.

ફેસબુક, ટ્વિટર પોસ્ટ તેમજ વોટ્સએપ પરના મેસેજ પહેલા કરતા બેગણા વધારી દેવાયા છે. ભાજપ વતી પ્રચારની કમાન નરેન્દ્રભાઇ મોદીએ સંભાળી હતી, તેઓએ પહેલી મેથી કર્ણાટકમાં પ્રચારની શરૂઆત કરી હતી. દરરોજ ત્રણ રેલીઓને મોદીએ સંબોધી હતી. અમિતભાઇએ પણ રોજ ત્રણ રેલીઓને સંબોધી હતી. દરમિયાન આરએસએસ, ભાજપના કાર્યકર્તાઓની હત્યા થઇ રહી હોવાના આરોપો મોદી અને શાહે દરેક રેલીમાં લગાવ્યા હતા. ૫૦ નેતાઓની ફોજ ખડકી હતી.

ભાજપના જે ૨૨૩ ઉમેદવારો છે તેમાંથી ૮૩ ઉમેદવારો વિરુદ્ઘ અપરાધના કેસો દાખલ છે. કોંગ્રેસના ૨૨૦ ઉમેદવારોમાંથી ૫૯ ઉમેદવારોએ જણાવ્યું હતું કે તેમની વિરુદ્ઘ અપરાધના કેસો છે. હવે આ ઉમેદવારો પોતાના નસીબ અજમાવશે, કર્ણાટકની જનતા પોતાના પસંદગીના ઉમેદવારને કાલે મત આપશે જયારે ૧૫મીએ ચૂંટણીના પરીણામો જાહેર કરવામાં આવશે.

આઇટી વિભાગે જણાવ્યું હતું કે, ચુંટણી રાજ્ય કર્ણાટકમાંથી ૩૭.૩૩ કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા. જે આ પહેલાની ગત વિધાનસભાની ચૂંટણી સમયે ઝડપાયા તેના કરતા છ ગણા વધુ છે. મોટા ભાગે રોકડ રકમ ઉપરાંત જવેલરી અને સોનામાં પણ જપ્ત કરવામાં આવ્યા છે. ૨૭મી માર્ચે કર્ણાટકમાં આચારસંહિતા લાગુ કરવામાં આવી હતી, ત્યારથી લઇને અત્યાર સુધી રોકડ રકમમામં રૂપિયા ૩૧.૫૦ કરોડ જપ્ત કર્યા હતા. જ્યારે ૫.૮૩ કરોડ રૂપિયાની જવેલરી અને સોનું જપ્ત કરવામાં આવ્યું હતું. જ્યારે ૨૦૧૩ની વિધાનસભાની ચૂંટણી સમયે આઇટી વિભાગે ૪.૯૭ કરોડ રૂપિયા જપ્ત કર્યા હતા. અને આ વખતે આ રકમ છ ગણી વધીને ૩૧.૫૦ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઇ છે. એટલે કે આ વખતની ચૂંટણીમાં મતદારોને લલચાવવા માટે પૈસાની રેલમછેલ વધુ કરવામાં આવી છે.(૨૧.૧૪)

 

(12:00 pm IST)