Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

પેશાવરમાં હોટલમાં બૉમ્બ બ્લાસ્ટ:એક જ પરિવારના પાંચના મોત :ચોથા માળે વિસ્ફોટથી ઇમારત આગમાં લપેટાઈ

મૃતકો તમામ ખઈબર પખ્તુન્વાના હોન્ગુ જિલ્લાના :મૃતકોમાં બે બાળકોનો સમાવેશ:ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરાયા

પાકિસ્તાનના પેશાવરની એક હોટલમાં બૉમ્બ બ્લાસ્ટ થતા એક જ પરિવારના પાંચના મોત થયા છે જયારે અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મૃતકોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે.
   મળતી વિગત મુજબ પેશાવરના બિલાલ ટાઉનની નજીક આવેલ એક હોટલની અંદર આ બ્લાસ્ટ થયો હતો.

   પોલીસના જણાવ્યા મુજબ વિસ્ફોટક ડિવાઈસ કે ગેસ લીક થવાના કારણે આ બ્લાસ્ટ થયો હોઈ શકે છે ચીફ કેપિટલ સિટી પોલીસ (સીસીપીઓ) કાજી જમીલ ઉર રહેમાને જણાવ્યું હતું કે આ બ્લાસ્ટ હોટલ ઈમારતના ચોથા માળે થયો હતો. બ્લાસ્ટ બાદ સમગ્ર ઈમારત આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી.

  આ બ્લાસ્ટમાં મૃત્યુ પામનારા તમામ લોકો ખઈબર પખ્તુન્વાના હોન્ગુ જિલ્લાના છે. તેમણે જણાવ્યું હતું કે સુરક્ષા દળો આ બ્લાસ્ટનાં કારણો જાણવા અંગે પુરાવાની તપાસ કરી રહ્યા છે. સીસીપીઓએ જણાવ્યું હતું કે બોમ્બ પ્રતિરોધક સ્કવોડ ત્યાં પહોંચી ગઈ છે અને આ બ્લાસ્ટ અંગે તપાસ કરી રહી છે.

   તેમણે જણાવ્યું હતું કે આ બ્લાસ્ટમાં ઘાયલ લોકોને નજીકની લેડી રેડિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જણાવાય છે. પેશાવરમાં આજે વહેલી સવારે એક હોટલમાં બ્લાસ્ટ થતાં સમગ્ર વિસ્તાર ધ્રુજી ઉઠ્યો હતો. બ્લાસ્ટના કારણે ભારે અફરાતફરી મચી ગઈ હતી અને લોકો પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે દૂર સુધી તેના અવાજ સંભળાયા હતા.

(11:57 am IST)