Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

કર્ણાટકમાં ચૂંટણી પડઘમ શાંતઃ કાલે જનાદેશ

ગુજરાતની ચૂંટણી પછી અને લોકસભાની ચૂંટણી પૂર્વે ભાજપ - કોંગ્રેસ બંનેની આકરી કવાયત

બેંગલૂરૂ તા. ૧૧ : કર્ણાટક વિધાનસભાની ૨૨૪ બેઠકમાંથી ૨૨૩ બેઠક માટે ૧૨મી મેએ યોજાનારા મતદાનનો પ્રચાર ગુરુવારે પૂરો થયો હતો અને ૧૫મી મેએ તેનું પરિણામ જાહેર થશે. ગુજરાતની ચૂંટણી પછી ભારતીય જનતા પક્ષ (ભાજપ) અને તેના કટ્ટર હરીફ કોંગ્રેસે કર્ણાટકના મતદારોને રીઝવવા ભારે પ્રયાસ કર્યા હતા. આ બન્ને પક્ષને ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મળવાની શકયતા હાલમાં ઓછી જણાય છે અને જનતા દળ (એસ)ના નેતા અને ભૂતપૂર્વ વડા પ્રધાન એચ. ડી. દેવ ગોવડાનો ટેકો સરકાર રચવામાં મહત્ત્વનો ભાગ ભજવી શકે છે. જયનગરમાંથી ઊભા રહેલા ભાજપના ઉમેદવાર બી. એન. વિજયકુમારના હાર્ટએટેકને લીધે નિધનને પગલે ત્યાં મતદાન મુલતવી રખાયું છે.

રાજયમાં ૩૬ બેઠક અનુસૂચિત જાતિ અને ૧૫ અનુસૂચિત જનજાતિ માટે અનામત રખાયેલી છે. રાજયમાંની ૨૮ સંસદીય બેઠકને આવરી લેતી વિધાનસભાની ૨૨૪ બેઠક પર અંદાજે ૪.૯ કરોડ મતદાર છે અને તેઓ માટે ૫૬,૬૯૬ મતદાન મથક ઊભા કરાયા છે.વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી સહિત અનેક મહાનુભાવે ચૂંટણીપ્રચાર કર્યો હતો. કર્ણાટકના ચૂંટણીપ્રચારમાં ભ્રષ્ટાચારથી લઇને કોમવાદ સુધીના મુદ્દા ઉઠાવાયા હતા. મુખ્ય પ્રધાન સિદ્ઘરમૈયાની રૂપિયા ૭૫ લાખની ઘડિયાળ અને યુપીએનાં નેતા સોનિયા ગાંધીના વિદેશી મૂળના મુદ્દા પણ ચૂંટણીપ્રચારમાં આગળ કરાયા હતા.ભાજપના મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર બૂકાનાકેરે સિદ્ઘલિંગપ્પા યેદિયુરપ્પા છે.

મોદી ઉપરાંત ભાજપના વડા અમિત શાહે પણ પક્ષના પ્રચારમાં સક્રિય ભાગ લીધો હતો અને આ રાજયને પોતાના પક્ષ માટે દક્ષિણનું પ્રવેશદ્વાર ગણાવ્યું હતું. તેમણે ઓછામાં ઓછી ત્રણ જાહેરસભાને સંબોધી હતી અને 'નમો એપ' દ્વારા પક્ષના કાર્યકરોની સાથે વાત કરી હતી તેમ જ માર્ગદર્શન કર્યું હતું. વડા પ્રધાન મોદી અને ભાજપના પ્રમુખ અમિત શાહે રાજયમાં પક્ષના અનેક કાર્યકરની થયેલી હત્યાનો મુદ્દો પણ ચૂંટણીપ્રચારમાં ચગાવ્યો હતો.

કોંગ્રેસે કટ્ટરપંથી ઇસ્લામિક રાજકીય પક્ષ સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયાના બે ઉમેદવારને પોતાનો ટેકો જાહેર કર્યો છે. મોદીએ તો કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીને પોતાની માતૃભાષા, હિંદી કે અંગ્રેજીમાં કાગળમાંથી વાંચ્યા વિના રાજયમાંની પોતાની સરકારની સિદ્ઘિ અંગે ૧૫ મિનિટ બોલવાનો પડકાર ફેંકયો હતો. વડા પ્રધાને સિદ્ઘરમૈયાની સરકારને ભ્રષ્ટાચારવાળી 'સીધા રૂપિયા સરકાર' અને 'દસ ટકા કમિશનવાળી સરકાર' ગણાવી હતી.રાહુલ ગાંધીએ ભાજપ પર વળતો પ્રહાર કરતા સવાલ કર્યો હતો કે શું મોદી કહેશે કે ભ્રષ્ટાચાર બદલ જેલમાં જનારા યેદિયુરપ્પાને શું કામ મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર તરીકે પસંદ કરાયા છે? કર્ણાટકની જનતાના રૂપિયા ૩૫,૦૦૦ કરોડ લૂંટનારા રેડ્ડીબંધુઓ અને તેઓના સાથીઓને ભારતીય જનતા પક્ષે શું કામ ૮ ટિકિટ આપી છે?(૨૧.૧૧)

(11:52 am IST)