Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

જસ્ટિસ જોસેફ માટે સુપ્રિમ કોર્ટ કોલેજીયમની બપોરે બેઠક

કેન્દ્ર સરકારે પુનઃ વિચારણા માટે પરત મોકલેલઃ જસ્ટીસ ચેલમેશ્વરે આ બાબત તાકીદે હાથ પર લેવા કોલેજીયમ બોલાવવા પત્ર લખી માંગણી કરેલ

નવી દિલ્હી, તા. ૧૧ :. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ દીપક મિશ્રાએ આજે બપોરે કોલજિયમની બેઠક બોલાવી છે. જેમાં બઢતી માટે જસ્ટિસ કે.એમ. જોસેફના નામ ઉપર ફેરવિચારણા સાથે સાથે હાઈકોર્ટના અન્ય જજોના નામ ઉપર પણ ચર્ચા થશે.

કેન્દ્રની ભાજપ સરકારે થોડા દિવસો પહેલા જ જસ્ટીસ જોસેફની સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે બઢતી આપવા સુપ્રીમ કોર્ટના 'કોલેજિયમે' કરેલ ભલામણ ફેરવિચારણા માટે સુપ્રીમ કોર્ટને પરત મોકલી આપી હતી.

જો કે સત્તાવાર આ અંગે કંઈ કહેવાયુ નથી પણ સૂત્રોને ટાંકીને લાઈવ ઈન્ડિયા નોંધે છે કે, કોલિજીયમમાં સામેલ પાંચ ન્યાયાધીશોની સહમતી થશે તો આ બેઠક કોઈપણ સમયે થઈ શકે છે.

સુપ્રિમ કોર્ટના સિનીયર મોસ્ટ ન્યાયાધીશ જસ્ટીસ જે.એલ. ચેલમેશ્વરે જસ્ટીસ જોસેફનું નામ કેન્દ્ર પાસે કોઈપણ વિલંબ કર્યા વિના મોકલવા ચીફ જસ્ટીસ મિશ્રાને પત્ર લખી કોલેજીયમની બેઠક બોલાવવા બુધવારે પત્ર લખી અનુરોધ કર્યો હતો.

કેન્દ્ર સરકારે આ પહેલા ઉત્તરાખંડના ચીફ જસ્ટીસ જોસેફનું નામ ફેરવિચારણા માટે સુપ્રીમને પરત મોકલવા સાથે કહેલ કે આ ઠરાવ સુપ્રીમ કોર્ટના નિયમોને અનુરૂપ નથી અને સુપ્રીમમાં કેરળના ન્યાયાધીશનું પુરતુ પ્રતિનિધિત્વ છે, જ્યાંથી જોસેફ આવે છે. તેમની સિનીયોરીટી માટે પણ સરકારે પ્રશ્ન સર્જેલ.(૨-૫)

(11:49 am IST)