Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

કર્ણાટકનું કુરૂક્ષેત્ર : જે પક્ષ જીતે એને રાજસ્થાન-મધ્યપ્રદેશ જીતવા માટે બળ મળશે

કાલનો જનાદેશ રાષ્ટ્રીય રાજનીતિ માટે દિશા સૂચક : પરિવર્તન થાય તો મોદીની મજબૂતાઇ વધશે, પુનરાવર્તન થાય તો રાહુલની વાહ વાહ

રાજકોટ, તા. ૧૧ : સમગ્ર દેશનું ધ્યાન ખેંચનારી કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે આવતીકાલે મતદાન અને મંગળવારે પરિણામ છે. આ ચૂંટણીનું પરિણામ દેશની રાજનીતિ માટે દિશાસૂચક બનશે. લોકસભાની ચૂંટણી ર૦૧૯ના પ્રારંભે આવી રહી છે તે પૂર્વે ર૦૧૮માં રાજસ્થાન, મધ્યપ્રદેશઅને છત્તીસગઢમાં ધારાસભાની ચૂંટણી આવી રહી છે. કર્ણાટકમાં ભાજપ-કોંગ્રેસ પૈકી જે પક્ષ સત્તા મેળવવામાં સફળ થશે તેને ત્રણેય રાજયોની ચૂંટણી જીતવા માટે નવુ બળ મળશે.

કર્ણાટકમાં હાલ કોંગ્રેસની સરકાર છે. જો ફરીથી કોંગ્રેસ સંપૂર્ણ બહુમતીથી અથવા કોઇના સમર્થનથી સત્તા પર આવે તો કોંગ્રેસને મોટુ રાજય જાળવી શકાયાનું આશ્વાસન મળશે. ગુજરાતમાં કોંગ્રેસની મજબૂતાઇ વધ્યા પછી કર્ણાટકમાં સફળતા મળે તો રાહુલ ગાંધીની રાષ્ટ્રીય પ્રમુખ તરીકે સ્વીકૃતિ વધશે. સત્તા વિરોધી લહેર અસર કરી શકી નથી તેવું કોંગ્રેસની જીતથી સાબિત થશે.

જો કર્ણાટકમાં પુનરાવર્તન થાય અને ભાજપ સત્તા પર આવે તો વડાપ્રધાન મોદીના હાથ વધુ મજબૂત બનશે. મોદી-શાહની જોડીના લલાટે વધુ એક વિજય તિલક લખાઇ શકશે. મોદીના આંતરિક અને બાહ્ય રાજકીય વિરોધીઓને વધુ એક ધક્કો લાગશે.

કર્ણાટકની ચૂંટણીમાં સ્થાનિક પ્રશ્નોની સાથે રાષ્ટ્રીય નેતાઓ મોદી-રાહુલની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે. કર્ણાટકમાં કોંગ્રેસની જીત મોદીની કેન્દ્ર સરકાર સામેનો જનાદેશ ગણાશે. ભાજપ જીતે તો કેન્દ્રના ૪ વર્ષના મોદી રાજને જનસમર્થન હોવાની દલીલ થશે. કર્ણાટકની ચૂંટણીએ વ્યાપક ઉત્તેજના જગાવી છે.(૮.૯)

(12:07 pm IST)