Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

જાન્યુઆરીથી ૫૦ દિવસીય 'અર્ધકુંભ' મેળાનો પ્રારંભ

પ્રથમ ધાર્મિક કાર્યક્રમ ૧૪ જાન્યુઆરી મકરસંક્રાતિએ : ૪ માર્ચ મહાશિવરાત્રીએ પૂર્ણ : અલ્હાબાદમાં કરોડો શ્રધ્ધાળુઓ - પર્યટકો ઉમટી પડશેઃ સ્નાનની તિથીઓ નક્કી કરવામાં સાધુ - સંતોના અખાડા પરિષદની બાદબાકી કરાતા કુંભમેળાના બહિષ્કાર સુધીની ચીમકીઃ વિદેશોમાં રોડ શોઃ ૨૫૦૦ કરોડ ફાળવ્યા

અલ્હાબાદ તા. ૧૧ : ઉત્તર પ્રદેશના આ પવિત્ર શહેરમાં જાન્યુઆરી ૨૦૧૯થી ૫૦ દિવસનો અર્ધકુંભ મેળો શરૂ થશે તેનો વિગતે કાર્યક્રમ જાહેર થયો છે. યોગી સરકાર દ્વારા વાર્ષિક માઘ, અર્ધકુંભ અને કુંભ મેળાની વ્યવસ્થા માટે 'પ્રયાગરાજ મેળા અને અમલીકરણ કમિટિ'ની રચના કરી છે જે મુજબ ૧૪ જાન્યુઆરી-૨૦૧૯એ પ્રથમ ધાર્મિક ઉત્સવ શરૂ થશે. આ સાથે જ મકરસંક્રાતિના પ્રથમ સત્તાવાર પવિત્ર સ્નાન સાથે જ અર્ધકુંભ શરૂ થશે અને ૪ માર્ચે મહાશિવરાત્રીના શાહી સ્નાન સાથે પૂર્ણ થશે.

અલ્હાબાદના કલેકટરશ્રી આશિષ ગોયલની અધ્યક્ષતામાં બેઠક મળેલ તેમાં તારીખ તિથી નક્કી કરાયેલ.

૧૪ જાન્યુઆરી મકર સંક્રાતિ ઉપરાંત ૨૧ જાન્યુઆરીએ પોષી પૂનમ, ૪ ફેબ્રુઆરીએ મૌની અમાસ, ૧૦ ફેબ્રુઆરીએ વસંતપંચમી અને ૧૯ ફેબ્રુઆરીના માઘી પૂનમના મોટા સ્નાન સામેલ છે. ૪ માર્ચે શીવરાત્રીનું શાહી સ્નાન થશે.

કાર્યક્રમની તારીખો જાહેર કરવાની બેઠકમાં સાધુ-સંતોની મુખ્ય સંસ્થા અખિલ ભારતીય અખાડા પરિષદ (એબીએપી)ને બોલાવવામાં નહિ આવતા રોષ દર્શાવી પરિષદના અધ્યક્ષ સ્વામી નરેન્દ્રગિરીએ કહ્યું છે કે, અખાડા પરિષદની મંજૂરી વિના પવિત્ર સ્નાનની તારીખોને અંતિમરૂપ આપવાનું પગલું દુર્ભાગ્યપૂર્ણ છે અને આ પ્રશ્ન યોગી આદિત્યનાથ સમક્ષ લઇ જવાશે. કુંભ મેળાના આયોજકો જો એમને નજરઅંદાજ કરશે તો અખાડા પરિષદના સાધુ - સંતો ૨૦૧૯ના કુંભ મેળાનો બહિષ્કાર કરશે.

કુંભ મેળા માટે રાજ્ય અને કેન્દ્ર સરકારે ૨૫૦૦ કરોડ ફાળવ્યા છે. કેન્દ્રના પ્રવાસન તંત્ર દ્વારા વિદેશોમાં આ સૌથી મોટા હિન્દુ ધાર્મિક મેળા - ઉત્સવ અંગે લોકોમાં જાગૃતતા સર્જવા ખાસ કરીને યુરોપીય દેશોમાં રોડ શો પણ યોજી રહેલ છે.(૨૧.૫)

(9:54 am IST)