Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

જેટની કટોકટી વધુ ગંભીર બની ગઇ : માત્ર ૧૪ વિમાન ઓપરેટ

વિદેશમાં ફ્લાઇંગ માટેની લાયકાત ગુમાવે તેવી શક્યતા : કોઇપણ એરલાઈનને વિદેશમાં સર્વિસને ચાલુ રાખવા માટે ઓછામાં ઓછા ૨૦ વિમાનો હોવા જોઈએ : લોન માટે ૨૬ ટકા હિસ્સો ગોયેલે ગિરવે મુક્યો

નવીદિલ્હી, તા. ૧૧ : જેટ એરવેઝની કટોકટી દિન પ્રતિદિન વધુને વધુ ગંભીર બની રહી છે. જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલે સંકટમાં ફસાયેલી એરલાઇનમાં પોતાની ૨૬ ટકાની હિસ્સેદારી પંજાબ નેશનલ બેંકની પાસે ગિરવે મુકી દીધી છે. આ હિસ્સેદારી લોન માટે સુરક્ષાની ગેરંટી તરીકે રાખવાની ખાતરી આપવામાં આવી છે. લોન સમાધાન યોજના હેઠળ નરેશ ગોયલ અને તેમના પત્નિ અનિતા ગોયલ ગયા સપ્તાહમાં કંપનીના નિર્દેશક મંડળમાંથી હટી ચુક્યા છે. જેટ એરવેઝે ગુરૂવારના દિવસે શેરબજારને આપેલી સુચનામાં કહ્યુ છે કે ગોયલ પંજાબ નેશનલ બેંકની પાસે ૨.૯૫ કરોડ શેર એટલે કે ૨૬.૦૧ ટકા હિસ્સેદારી ગિરવે મુકી દીધી છે. જેટ એરવેઝ દ્વારા લેવામાં આવેલા નવી અને વર્તમાન લોન માટે સુરક્ષા તરીકે આ હિસ્સેદારી ચાર એપ્રિલના દિવસે ગિરવે મુકી હતી. આ જ દિવસે ગોયલના ૫.૭૯ કરોડથી વધારેના શેરને જારી કરવામાં આવ્યા છે. આ શેર એરલાઈન્સ દ્વારા લોન માટે સુરક્ષા તરીકે નહીં વેચવાની શ્રેણીમાં મુકવામાં આવશે. જેટ એરવેઝની હાલત ખુબ જ ગંભીર બની છે. વહેલીતકે પગલા નહીં લેવાય તો જેટ એરવેઝની હાલત પણ કિંગફિશર જેવી થઇ શકે છે. જેટ એરવેઝે આજે ગુરુવારના દિવસે માત્ર ૧૪ વિમાનો ઓપરેટ કર્યા હતા જે નિર્ધારિત સ્થાનિક કેરિયરની અંદર સૌથી નાનો કાફલો ધરાવે છે. ઉડ્ડયન મંત્રાલય દ્વારા અગાઉ કહેવામાં આવ્યું હતું કે, જેટ એરવેઝની વિદેશમાં ઉંડાણની લાયકાતને ચકાસવામાં આવશે. જો ૨૦થી પણ નીચે વિમનોનો કાફલો થશે તો મુશ્કેલી સર્જાશે. બીજી બાજુ આ મુદ્દા ઉપર મંત્રાલય અને ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન તરફથી ટિકાટિપ્પણીનો સામનો કરી શકે છે. જેટ એરવેઝ દ્વારા આજે ૧૪ વિમાનો ઓપરેટ કરવામાં આવ્યા હતા. આ વિમાન પૈકી સાત વાઈડ બોડી વિમાન છે જે પૈકીના છ ૭૭૭ અને એક એરબસ એ-૩૩૦નો સમાવેશ થાય છે. ૪ બોઇંગ ૭૩૭ અને ત્રણ ટુબ્રો વિમાનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વિદેશમાં વિમાન ઉડાવવા માટે ઓછામાં ઓછા ૨૦ વિમાનોનો કાફલો કોઇપણ એરલાઈન્સ પાસે હોવો જોઇએ. આજે જેટે માત્ર ૧૪ વિમાનો ઓપરેટ રાખ્યા હતા. સરકારી માલિકીની એસબીઆઈ દ્વારા એરલાઈનમાં નવા પ્રાણ ફૂંકવાના પ્રયાસો ચાલી રહ્યા છે. આવી સ્થિતિમાં વિદેશમાં ફ્લાઇંગ કરવાથી જેટ એરવેઝને રોકવામાં આવશે કે કેમ તેને લઇને સસ્પેન્સની સ્થિતિ છે. નરેશ ગોયેલ દ્વારા એરલાઈન માટે બિડ કરવામાં આવી શકે છે. યાત્રીઓને એરલાઈન સાથે સીધીરીતે અથવા તો બુકિંગ એજન્ટોનો સંપર્ક કરવા માટે સલાહ આપવામાં આવી છે. સિંગાપોર ચાંગી એરપોર્ટે ટ્વિટ કરીને કહ્યું છે કે, વધુ નોટિસ જારી કરવામાં ન આવે ત્યાં સુધી સિંગાપોરથી અને ભારતમાંથી તેની સેવા જેટે બંધ કરી દીધી છે.

(7:33 pm IST)