Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

બાઇકની પાછળ બેઠેલી પત્ની પડી ગઇ અને પતિને ખબર જ ન પડી, પોલીસે પાંચ કિલોમીટર પીછો કરીને પતિને પત્ની પહોંચાડી

કાનપુર તા.૧૧: ઉત્તર પ્રદેશના ઓરૈયા જિલ્લાની ઘટના છે. એક પતિ મહાશય દીકરાને આગળ અને પત્નીને પાછળ બેસાડીને બાઇક પર જઇ રહ્યા હતા. ભાઇસાહેબ ફુલ સ્પીડમાં બાઇક ચલાવી રહ્યા હતા અને એ જ વખતે સ્પીડ-બ્રેકર આવ્યું . એ વખતે પણ ભાઇએ બાઇક ધીમી ન પાડી. બ્રેકરનો ઝટકો એટલો જોરદાર લાગ્યો કે પાછળ બેઠેલી પત્ની ઊછળીને દૂર જઇ પડી. જો કે એની ભનક પણ પતિને ન આવી. ભાઇસાહેબ પોતાની ધૂનમાં એ જ સ્પીડે બાઇક ચલાવી રહ્યા હતા. બીજી તરફ રોડ પર પડેલી પત્ની મૂંઝાઇ. યોગાનુંયોગ ઉત્તર પ્રદેશની ડાયલ ૧૦૦ પોલીસની ગાડી આવતી દેખાઇ. તરત જ પત્નીએ પોલીસને ઘટના સંભળાવીને મદદ માગી. પોલીસવાળાએ બહેનને ગાડીમાં બેસાડીને બાઇકર પતિનો પીછો કર્યો. છેક પાંચ કિલોમીટર પછી પોલીસે પેલા બાઇકરને રોકયો. એ પછી તેને ખબર પડી કે પત્ની પાછળ પડી ગઇ હતી. આ ઘટના ઉત્તર પ્રદેશના સિનિયર આઇપીએસ નવનીત સિકેરાએ પોતાના ફેસબુક પેજ પર તસ્વીર સાથે શેર કરી છે. જો કે પોસ્ટમાં એ નથી લખ્યું કે આ ઘટના કયારની છે. નવનીત સિકેરાએ પોસ્ટમાં મજાક સાથે લખ્યું હતું કે ' સાત જન્મનો સંબંધ એક બ્રેકર કેવી રીતે તોડી શકે? બ્રેકરે પ્રયત્ન કર્યો તો ડાયલ ૧૦૦ વચ્ચે કુદી પડી. થયું એવું હતું કે ઓરૈયામાં એક મહિલા પતિ સાથે બાઇક પર જઇ રહી હતી. બ્રેકર પાસે પત્ની ઊછળીને પડી ગઇ. પતિદેવને આભાસ પણ ન થયો. પોલીસની વેને બાઇકનો પાંચ કિલોમીટર પીછો કરીને પેલા ભાઇને તેમની પત્ની સુપરત કરી હતી. પતિજી, આશા છે કે આજે તમને ખાવાનું મળશે. જો મળે તો ઉત્તર પ્રદેશ પોલીસનો એકવાર આભાર માનજો.'

(11:36 am IST)