Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

૩૬ રાફેલ માટે ૫૯૦૦૦ કરોડની સમજૂતિ થઇ હતી

સપ્ટેમ્બર ૨૦૧૬માં મહાકાય સમજૂતિ થઇ હતી : રાફેલ મુદ્દે યુપીએ સરકારના ગાળામાં વાતચીત શરૂ થઇ હતી પરંતુ સમજૂતિ થઈ શકી ન હતી : વડાપ્રધાન મોદીએ ડિલ કરી

નવીદિલ્હી, તા. ૧૦ : રાફેલના લીક દસ્તાવેજોને સુપ્રીમ કોર્ટે માન્ય રાખ્યા છે. સાથે સાથે ફરી સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે આજે ફેંસલો કર્યો હતો. રાફેલ મામલે રિવ્યુ પિટિશન પર નવા દસ્તાવેજોના આધાર પર સુનાવણીનો ફેંસલો કરવામાં આવતા સરકારને ફટકો પડ્યો છે. ભારત અને ફ્રાંસે ૩૬ રાફેલ વિમાનોની ખરીદી માટે ૨૩મી સપ્ટેમ્બર ૨૦૧૬ના દિવસે ૭.૮૭ અબજ યુરો અથવા તો ૫૯૦૦૦ કરોડ રૂપિયાની સોદાબાજી ઉપર હસ્તાક્ષર કર્યા હતા. આ બંને દેશો વચ્ચેની સરકારો વચ્ચે સમજૂતિ થઇ હતી. ભારતીય એરફોર્સના અપગ્રેડેશન પ્લાન હેઠળ આ સમજૂતિ કરવામાં આવી હતી. આ વિમાનો ફ્રાંસની દસો કંપની દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યા છે.  વિમાન  ભારતને સપ્ટેમ્બર ૨૦૧૯થી મળવાની શરૂઆત થશે. આ સોદાબાજીની રૂપરેખા સૌથી પહેલા એપ્રિલ ૨૦૧૫માં મોદીની ફ્રાંસની યાત્રા સાથે થઇ હતી. ૧૦મી એપ્રિલ ૨૦૧૫ના દિવસે વડાપ્રધાન મોદી અને તત્કાલિકન ફ્રાન્સીસી પ્રમુખ ઓલાંદ દ્વારા સંયુક્ત નિવેદન જારી કરીને કહેવામાં આવ્યું હતું કે, બંને સરકારોએ ૩૬ રાફેલ યુદ્ધ વિમાનો માટે સહમત થઇ છે. ત્યારબાદ આને લઇને તમામ બાબતો આગળ વધી હતી. જો કે, ભારતમાં આને લઇને હોબાળો શરૂ થઇ ગયો હતો. કોર્ટમાં મામલો પહોંચ્યો હતો. સુનાવણી દરમિયાન ધારદાર દલીલો ચાલી હતી. કિંમતોને લઇને પ્રશ્નો ઉઠ્યા હતા. શ્રેણીબદ્ધ અરજીઓ દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ મામલામાં તપાસ કરવા એડવોકેટ એમએન શર્મા અને વિનીદ ઢાંડા દ્વારા અરજી કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજયસિંહ દ્વારા પણ આવી જ અરજી કરવામાં આવી હતી. એક સંયુક્ત અરજી પૂર્વ કેન્દ્રિયમંત્રી યશવંતસિંહા અને અરુણ શૌરી દ્વારા પણ દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ વરિષ્ઠ એડવોકેટ પ્રશાંત ભૂષણ દ્વારા પણ અરજી દાખલ કરવામાં આવી હતી. ભારતે ૨૦૦૭માં ૧૨૬ વિમાનો ખરીદવાની પ્રક્રિયા શરૂ કરી હતી. યુપીએ સરકારના ગાળા દરમિયાન રાફેલને લઇને સમજૂતિ થઇ શકી ન હતી. તે વખતે સોદાબાજીને લઇને બંને પક્ષો વચ્ચે વાતચીત ચાલી હતી. તત્કાલિન સંરક્ષણમંત્રી એકે એન્ટોનીએ ભારતીય હવાઈ દળના પ્રસ્તાવને લીલીઝંડી આપી હતી.

લાંબી પ્રક્રિયા બાદ આ મામલો આગળ વધ્યો હતો. છેલ્લી મંત્રણા ૨૦૧૪ની શરૂઆત સુધી ચાલી હતી પરંતુ સમજૂતિ થઇ શકી ન હતી. પ્રતિ રાફેલ વિમાનની કિંમતની જાહેરાત સત્તાવારરીતે કરવામાં આવી ન હતી પરંતુ અગાઉની યુપીએ સરકારે સંકેત આપ્યો હતો કે, આ સોદાબાજી ૧૦.૨ અબજ ડોલરની રહેશે. કોંગ્રેસે દરેક વિમાનના દરને સામેલ કરીને આની કિંમત ૫૨૬ કરોડ રૂપિયાની આસપાસ હોવાની વાત કરી હતી.

રાફેલ પર વિવાદ શું....

વિમાનોની કિંમતો મુખ્ય વિવાદ

નવીદિલ્હી, તા. ૧૦ : રાફેલ ડિલ ઉપર વિવાદ શું છે તેને લઇને હંમેશા ચર્ચા રહી છે પરંતુ રાફેલ ડિલમાં વિમાનોની કિંમત ખુબ વધારે દર્શાવવામાં આવતા આનો વિવાદ થયો હતો. ખુબ વધારી દેવામાં આવેલી કિંમતો, સરકારી કંપની એચએએલને દૂર રાખવાની બાબત, અનિલ અંબાણીની કંપનીને દસો દ્વારા ઓફસેટ પાર્ટનર બનાવવા અને કથિતરીતે સુરક્ષા મામલાઓની મંત્રીમંડળની સમિતિની મંજુરી લીધા વગર વડાપ્રધાન મોદી દ્વારા સોદાબાજીના એલાનની જાહેરાતને લઇને વિવાદ થયો હતો. રાફેલ ડિલને લઇને કોંગ્રેસે ભારે વિવાદ મચાવ્યો હતો. મોદી સરકાર ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો મુક્યા હતા. કોંગ્રેસ પાર્ટી તરફથી રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીને ચોર જેવા શબ્દનો ઉપયોગ કર્યા હતા. કોંગ્રેસ પાર્ટીએ ભારે અનિયમિતતાનો આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે, અગાઉની સરકારે ૫૨૬ કરોડની કિંમત નક્કી કરી હતી જેની સામે વર્તમાન સરકાર ૧૬૭૦ કરોડ રૂપિયામાં આની ખરીદી કરી રહી છે. એચએએલને આમા કેમ સામેલ કરવામાં આવી ન હતી તે પણ મોટો પ્રશ્ન રહ્યો હતો.

(12:00 am IST)