Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

કાવેરી જળ વિવાદના કારણે ચેન્નઇમાં હવે અેકપણ આઇપીઅેલના મેચ નહીં રમાયઃ ચેન્નઇની જગ્‍યાઅે અન્ય શહેરોમાં આ મેચો રમાડાશે

નવી દિલ્‍હીઃ આઇપીઅેલ મેચનો પ્રારંભ થયા બાદ ચેન્નઇ ખાતે ૭ જેટલી મેચો રમાડવામાં આવનાર હતી, પરંતુ કાવેરી જળ વિવાદના કારણે વિરોધ વંટોળ ઉભો થતા હવે ચેન્નઇમાં અેકપણ મેચ રમાડવામાં નહીં આવે. આ મેચોના સ્‍થળો બદલી નખાશે.

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2018ની જેટલી પણ મેચ ચેન્નઈના એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાવાની હતી, તેને હવે અન્યત્ર શિફ્ટ કરી દેવાશે. જોકે, નવું સ્થળ નક્કી કરાયું નથી. ઉલ્લેખનીય છે કે, ચેન્નઈમાં કાવેરી નદીના પાણીની વહેંચણીનો વિરોધ થઈ રહ્યો છે, એ કારણે આ નિર્ણય લેવાયો છે. આ સીઝનમાં એમ. એ ચિદમ્બરમ સ્ટેડિયમમાં કુલ સાત મેચ રમાવાની હતી, જેમાંથી અત્યાર સુધીમાં માત્ર એક જ મેચ રમાઈ હતી.

મંગળવારે ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચ દરમિયાન પણ વિરોધ પ્રદર્શન થયું હતું. સ્ટેડિયમની બહાર સતત પ્રદર્શન થઈ રહ્યું હતું. તે સાથે જ કડક સુરક્ષા વ્યવસ્થા છતાં વિરોધ કરી રહેલા કેટલાક લોકો સ્ટેડિયમની અંદર સુધી પહોંચી ગયા હતા. તેમણે મેદાનમાં જૂતું પણ ફેંક્યું હતું. એ જૂતું ફિલ્ડિંગ કરી રહેલા CSKના ખેલાડી રવિન્દ્ર જાડેજા તરફ ગયું હતું. જેને તેણે કિક મારીને બહારની તરફ ફેંકી દીધું હતું. સ્ટેડિયમની બહાર મેચની ટિકિટ અને ચેન્નઈની ટી-શર્ટ સળગાવી વિરોધ કરવામાં આવ્યો હતો.

સુપ્રીમ કોર્ટએ કાવેરી નદીના પાણીની વહેંચણીમાં તમિળનાડુના ભાગનું પાણી ઘટાડી દીધું અને કર્ણાટકનો હિસ્સો વધારી દીધો હતો. તે ઉપરાંત કાવેરી વોટર રેગ્યુલેટરી બોર્ડની પણ હજુ સુધી રચના નથી કરાઈ. આ વાતોને લઈને તમિળનાડુમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. તેના પર તમિળનાડુના વિપક્ષમાં બેઠેલા રાજકીય પક્ષો મળીને વિરોધ કરી રહ્યા છે.

(7:16 pm IST)