Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

કાવેરી જળ વિવાદની ઝાળ આઇપીઅેલની મેચને ભરખી જશે ? ચેન્નઇમાં ચેન્નઇ સુપર કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સની મેચ ઉપર જોખમ

ચેન્નઈ: કાવેરી જળ વિવાદને લઇને આંદોલન ચાલી રહ્યું છે ત્યારે ચેન્નઇમાં યોજાનાર આઇપીઅેલ મેચ સામે જોખમ ઉભુ થયું છે અને ચેન્નઇ સુપર કિંગ્સ તથા કોલકાતા નાઇટ રાઇડર્સની મેચ ચેન્નઇમાં ન રમાય તેવી પણ શક્યતા સેવાઇ રહી છે.

મેચ શરૂ થવાને ગણતરીની કલાકો જ બાકી છે પરંતુ ભારે અવઢવની સ્થિતિ ઉભી થઈ છે. આ સ્થિતિ તમિળ સમર્થક કાર્યકર્તાઓને લઈને ઉભી થઈ છે. ટીવીકેના કાર્યકર્તાઓ કાવેરી જળ વિવાદના વિરોધમાં ચેન્નઈમાં રમાનારી આજની આઈપીએલ મેચને લઈને વિરોધ નોંધાવ્યો છે. પ્રદર્શનને ધ્યાનમાં રાખી હોટલમાં રોકાયેલી ટીમની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

ટી વેલુમુરુગનની આગેવાનીમાં ટીવીકેના કાર્યકર્તાઓએ ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમનો ઘેરાવ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ પોલીસે તેમને તત્કાળ હટાવી દીધા હતા. તે દરમિયાન ટીવીકેના કાર્યકર્તાઓએ અહીં આઈપીએલ મેચ વિરૂદ્ધ નારેબાજી કરી હતી. વિરોધ પ્રદર્શન કરનારા કાર્યકર્તાઓએ હાથમાં ફુગ્ગા પર લખાણ લખીને વિરોધ પ્રદર્શન કર્યાં હતાં. ટીવીકેના કાર્યકર્તાઓએ લખ્યું હતું કે, – ‘અમે આઈપીએલ નથી ઈચ્છતા, અમે કાવેરી મેનેજમેંટ બોર્ડ ઈચ્છીએ છીઅે.

વિરોધ પ્રદર્શનને લઈને એમએ ચિદમ્બરમ સ્ટેડિયમની સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. સ્ટેડિયમ જાણે અભેદ કિલ્લામાં ફેરવાઈ ગયું છે. સ્ટેડિયમની બહાર કમાન્ડોઝ અને આરએએફ સહિત 400 સુરક્ષાકર્મીઓને તૈનાત કરવામા આવ્યા છે. તેવી જ રીતે તમિળનાડુ પોલીસ પણ અહીં મોટી સંખ્યામાં ખડેપગે છે.

વેલુમુરુગને ગઈ કાલે સોમવારે જ ધમકી આપી હતી કે, તે આઈપીએલ મેચના વિરોધમાં સ્ટેડિયમ બહાર ધરણા કરશે. ઉલ્લેખનીય છે કે, જુદી જુદી પાર્ટીઓ અને સંગઠનોએ કાવેરી જળ વિવાદ ઉભો છે ત્યારે આઈપીએલ મેચ ન કરાવવાની માંગણી કરી છે.

આમ વિરોધ પ્રદર્શનોને સીએસકે અને કેકેઆરની મેચ પર સંકટના વાદળ છવાયા છે. સીએસકે અને કેકેઆર વચ્ચે આજે ચેન્નઈમાં સાંજે 8 વાગ્યે મેચ રમાશે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખતા આઈપીએલના ચેરમેન રાજીવ શુક્લાએ કેન્દ્રિય ગૃહ સચિવ રાજીવ ગાબા સાથે મુલાકાત કરી. તેમને ચેન્નઈમાં રમાનારી મેચ માટે વધારાની સુરક્ષાની માંગણી કરી, જેના પર કેન્દ્રિય ગૃહ સચિવે તેમને જરૂરી સુરક્ષાબળ પુરુ પાડવાની ખાતરી આપી છે.

કેન્દ્રિય ગૃહ સચિવ સાથેની મુલાકાત બાદ રાજીવ શુક્લાએ કહ્યું હતું કે, ‘તમિળનાડુ સરકાર અને ચેન્નઈ પોલીસે આશ્વાસન આપ્યું છે કે, સુરક્ષા પુરી પાડવામાં આવશે. મેં ગૃહ સચિવ સાથે પણ વાતચીત કરી છે. રાજ્યના ડીજીપીએ પણ નિર્દેશ આપ્યા છે કે, ખેલાડીઓ અને દર્શકોને સુરક્ષા પુરી પાડવામાં આવે. કોઈ જ દુર્ભાગ્યપુર્ણ ઘટના ના બને.

કાવેરી નદીના બેઝિનમાં કર્ણાટકનો 32 હજાર વર્ગ કિલોમીટર અને તમિળનાડુનો 44 હજાર વર્ઘ કિલોમીટરનો વિસ્તાર આવે છે. બંને રાજ્યોનું કહેવું છે કે, તેને સિંચાઈ માટે પાણીની જરૂર છે. તેને લઈને દાયકાઓથી વિવાદ ચાલી રહ્યો છે. વિવાદ ઉકેલવા માટે જૂન 1999માં કેન્દ્ર સરકારે કાવેરી ટ્રિબ્યૂનલ બનાવી હતી. લાંબી સુનાવણી બાદ 2007માં નિર્ણય આવ્યો કે દર વર્ષે કાવેરી નદીનું 419 અબજ ક્યૂબિક ફૂટ પાણી તમિળનાડુને આપવામાં આવે, જ્યારે 270 અબજ ક્યૂબિક ફૂટ પાણી કર્ણાટકને આપવામાં આવે. કાવેરી બેઝિનમાં 740 અબજ ક્યૂબિક ફૂટ પાણી હોવાનું ધારીને ટ્રિબ્યૂનલે પોતાનો નિર્ણય આપ્યો હતો. આ ઉપરાંત કેરળને 30 અબજ ક્યૂબિક ફૂટ અને પુદુચેરીને 7 અબજ ક્યૂબિક ફૂટ પામી આપવાનો નિર્ણય આપ્યો હતો. ટ્રિબ્યૂનલના નિર્ણથી કર્ણાટક, તમિળનાડુ અને કેરળ ખુશ ન હતા અને નિર્ણયના વિરોધમાં ત્રણેય રાજ્યો એક-એક કરીને સુપ્રીમ કોર્ટ પહોંચ્યા. તો, આ મામલે કેન્દ્ર સરકાર સમક્ષ કાવેરી મેનેજમેન્ટ બોર્ડ બનાવવી માગ કરવામાં આવી છે.

(7:43 pm IST)