Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

સેંસેક્સમાં ૬૨ પોઈન્ટ સુધી રિકવરી : યસ બેંકમાં સુધારો

યસ બેંકના શેરમાં ૩૫.૫ ટકાનો ઉછાળો રહ્યો : ઈન્ડેક્સ હેવીવેઈટમાં જોરદાર લેવાલી જામી : રિલાયન્સ શેરમાં ૬ ટકા સુધારો : ઈક્વિટી માર્કેટમાં દબાણની સ્થિતિ

મુંબઇ,તા.  ૧૧ : ઈક્વિટી માર્કેટમાં આજે દબાણની સ્થિતિ રહી હતી. જોકે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, આઈસીઆઈસીઆઈ બેંક અને એચડીએફસી જેવા હેવીવેઈટ ઈન્ડેક્સમાં લેવાલી જામી હતી. જેના લીધે શેરબજારમાં અંતે સુધાર થયો હતો. કારોબારના અંતે સેન્સેક્સ ૬૨ પોઈન્ટ ઉછળીને ૩૫૬૯૭ની સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી સાત પોઈન્ટ ઉછળીને ૧૦૪૫૮ની સપાટીએ રહ્યો હતો. હીરો મોટોના શેરમાં સૌથી વધુ ચાર ટકાનો ઉછાળો રહ્યો હતો. ટાટા સ્ટીલમાં સૌથી વધુ સાત ટકાનો ઘટાડો રહ્યો હતો. ૩૦ શેર પૈકી ૧૩ શેરમાં તેજી અને બાકીના ૧૭ શેરમાં મંદી રહી હતી. વ્યક્તિગત શેરોની વાત કરવામાં આવે તો યસ બેંકના શેરમાં ૩૫.૫ ટકાનો ઉછાળો આજે રહ્યો હતો. દિવસ દરમિયાન તેમાં એક વખતે ૩૯ ટકાનો ઉછાળો રહ્યો હતો. રિલાયન્સના શેરમાં છ ટકાનો ઉછાળો રહ્યો હતો. માર્કેટ બ્રીથ આજે વેચવાલીમાં રહી હતી. ૨૬૪૩ શેરમાં કારોબાર થયો હતો જે પૈકી ૧૪૨૭ શેરમાં મંદી અને ૧૦૫૦ શેરમાં તેજી રહી હતી.

           ૧૫૫ શેરમાં યથાસ્થિતિ રહી હતી. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઈન્ડેક્સમાં ૦.૯ ટકાનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૩૪૩૩ રહી હતી. સ્મોલકેપ ઈન્ડેક્સમાં ૦.૩૬ ટકાનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૨૭૨૫ રહી હતી. સેકટરલ ઈન્ડેક્સમીં પીએયુ બેંક, રિયાલિટી, ઓટોના શેરમાં મંદી રહી હતી. નિફ્ટી મીડિયામાં ૧.૭ ટકાનો સુધારો રહ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે ધુળેટીના એક દિવસ પહેલા સોમવારના દિવસે શેરબજારમાં બ્લેક મંડેની સ્થિતિ રહી હતી. શેરબજારમાં કોરોના વાયરસની દહેશત, યસ બેંકની કટોકટી અને ક્રૂડની કિંમતમાં રેકોર્ડ ઘટાડાના પરિણામ સ્વરુપે શેરબજારમાં ભૂકંપની સ્થિતિ સર્જાઈ હતી.

            કોરોના વાયરસના ફેલાવવાને લઇને વધી રહેલી દહેશત તથા ક્રૂડ ઓઇલની કિંમતમાં રેકોર્ડ ઘટાડાના પરિણામ સ્વરુપે શેરબજાર સોમવારે પત્તાના મહેલની જેમ ધરાશાયી થયું હતું. સેંસેક્સ એક વખતે ૧.૪૫ વાગે ૨૪૬૭ પોઇન્ટ સુધી ઘટી ગયો હતો અને એ વખતે સેંસેક્સની સપાટી ૩૫૧૦૯ થઇ ગઇ હતી. કારોબારના અંતે સેંસેક્સ ૧૯૪૨ પોઇન્ટ ઘટીને ૩૫૬૩૫ની નીચી સપાટીએ રહ્યો હતો. સેંસેક્સ ગયા શુક્રવારના દિવસે પણ ૮૯૪ પોઇન્ટ ઘટીને ૩૭૫૭૭ની નીચી સપાટીએ રહ્યો હતો. શેરબજારમાં સોમવારના દિવસે પણ કારોબાર શરૂ થતાની સાથે જ અંધાધુંધી ફેલાઇ ગઇ હતી.   શેરબજાર પત્તાના મહેલની જેમ ધરાશાયી થતા ચિંતાનુ મોજુ રહ્યુ હતુ. કારોબારીઓએ તીવ્ર મંદી  વચ્ચે મિનિટનોના ગાળામાં લાખો કરોડ રૂપિયા ગુમાવી દીધા હતા. જોરદાર અને ઐતિહાસિક ઘટાડા વચ્ચે સોમવારે ઇક્વિટી મૂડીરોકાણકારોની સંપત્તિમાં ૬.૫૦ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.

(7:39 pm IST)