Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

અચ્છે દિન...પેટ્રોલ રૂ. ૨.૬૯ અને ડીઝલ રૂ. ૨.૩૩ સસ્તુ થયું

આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવમાં થયેલા કડાકાનો ફાયદો હવે ભારતીયોને મળવાનું શરૃઃ દિલ્હીમાં પેટ્રોલનો ભાવ રૂ. ૭૦.૨૯ અને ડીઝલનો ભાવ રૂ. ૬૩.૦૧ થયોઃ ડીઝલ સસ્તુ થતા શું ટ્રાન્સપોર્ટેશન સસ્તુ થશે ? એસ.ટી., પ્રાઈવેટ બસો, ટેકસી, ટ્રક, સ્કૂલ બસ, સ્કૂલ વેન વગેરે ભાડા ઘટાડશે ? ઉઠતા સવાલો

નવી દિલ્હી, તા. ૧૧ :. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમા આવેલા ઘટાડાનો ફાયદો હવે આમ ભારતીયોને મળવો શરૂ થયો છે. આજે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. આજે પેટ્રોલના ભાવમાં રૂ. ૨.૬૯ પ્રતિ લીટર ઘટાડો નોંધાયો છે અને ભાવ રૂ. ૭૦.૨૦ થયો છે તો ડીઝલનો ભાવ પણ રૂ. ૨.૩૩ ઘટી રૂ. ૬૩.૦૧ ઉપર પહોંચી ગયો છે. સાઉદી અરેબીયા અને રૂસ વચ્ચે ઓઈલ પ્રાઈઝ વોર છેડાવાને કારણે આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવમાં સોમવારે ૩૧ ટકાનો કડાકો બોલી ગયો હતો. આનાથી ભારતને ફાયદો થયો છે કારણ કે આપણો દેશ ઈંધણ માટે આયાત પર નિર્ભર રહે છે.

દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ૭૦.૨૯ તથા ડીઝલનો ભાવ ૬૩.૦૧ થયો છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ ૭૫.૯૯, કોલકત્તામાં ૭૨.૯૮, ચેન્નઈમાં ૭૩.૦૨ થયો છે. જ્યારે ડીઝલનો ભાવ મુંબઈમાં ૬૫.૯૭, કોલકતામાં ૬૫.૩૪ અને ચેન્નઈમાં ૬૬.૪૮ થયો છે. ગઈકાલે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ૧.૧૫ અને ડીઝલનો ભાવ ૧.૦૨ ઘટયો હતો.

અત્રે નોંધનીય છે કે ૧૬ જૂન ૨૦૧૯થી પેટ્રોલ અને ડીઝલના ભાવ આંતરરાષ્ટ્રીય બજારના હિસાબથી રોજ બદલાય છે. દેશભરના પેટ્રોલ પંપોનો રોજ સવારે ૬ વાગ્યે નવા ભાવની માહિતી આપવામાં આવે છે. નિષ્ણાતોના કહેવા મુજબ આવતા દિવસોમાં પણ ક્રૂડના ભાવ રોકેટ ગતિએ વધે તેવુ જણાતુ નથી. ભાવ ઘટતા ભારતને સૌથી વધુ ફાયદો થાય છે કારણ કે ભારત સૌથી વધુ ક્રૂડની આયાત કરે છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે સોમવારે ક્રૂડનો ભાવ ૩૧ ડોલર પ્રતિ બેરલ થયો હતો. ગોલ્ડમેન સેસના જણાવ્યા પ્રમાણે ભાવ ૨૦ ડોલર થાય તેવી શકયતા છે.

ડીઝલના ભાવમાં જ્યારે વધારો થતો હોય છે ત્યારે ટ્રાન્સપોર્ટેશન મોંઘુ કરી દેવામાં આવતુ હોય છે હવે જ્યારે ડીઝલના ભાવમાં જોરદાર ઘટાડો થયો છે ત્યારે લોકોમાં સવાલ ઉઠી રહ્યા છે કે શું એસ.ટી.ના ભાડા ઘટશે, ખાનગી બસોવાળા ભાડા ઘટાડશે, ટ્રક ભાડુ ઘટશે, સ્કૂલ બસ અને સ્કૂલ વેનવાળા માસિક ભાડુ ઘટાડશે ? લોકોનું કહેવુ છે કે ભાવ વધે ત્યારે ભાડા વધે તે વ્યાજબી છે પરંતુ જ્યારે ઈંધણના ભાવ ઘટે તો ભાડા પણ ઘટવા જોઈએ.

(3:13 pm IST)