Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

૧૫ જેટલા મુદ્દે ભાજપ-વિપક્ષ વચ્ચે ખેલાશે પ્રચારયુદ્ધ

ચૂંટણીની તારીખો જાહેર થતા જ રાજકીય પક્ષો સાબદાઃ તૈયાર થઇ રહી છે રણનીતિ : આતંકવાદ-નોકરી મોંઘવારી-ખેડૂતો-રાફેલ સહિત ૧પ જેટલા મુદ્દે બીજેપી -વિપક્ષ વચ્ચે થશે વાર-પલટવાર

નવી દિલ્હી, તા.૧૧: લોકસભા ચૂંટણી માટે તારીખો જાહેર થઈ ગઈ છે. ગયા વખતની સરખામણીએ આ વખતે ૭ ફેઝમાં ચૂંટણી કાર્યક્રમ યોજવામાં આવશે. આવામાં રાજકીય દળો પણ પોતાની બધી જ શકિત ચૂંટણીમાં લગાવી રહ્યા છે. આમ તો બધા જ દળો પોતાની સવલત અનુસાર વોટર્સને ધ્યાનમાં રાખીને ચૂંટણીના મુદ્દાઓ ઉછાળશે પરંતુ અમુક મુદ્દા એવા છે જેનો સંબંધ દેશના દરેક નાગરિક સાથે છે અને તે ચૂંટણીના પરિણામોને મહદંશે અસર કરશે. જાણો આ વખતે કયા મુદ્દા પર સરકાર રચાશે.

૧૯૯૦ના સમયથી જ ચૂંટણી વખતે રાષ્ટ્રીય સુરક્ષા અને આતંકવાદ મોટા મુદ્દા બની જાય છે પરંતુ આ વખતે પુલવામા હુમલા પહેલા આ મુદ્દો કેન્દ્રમાં નહતો. પુલવામામાં ૪૦ જવાનો શહીદ થયા બાદ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં એર સ્ટ્રાઈક કરતા આ મુદ્દો એવા મુકામ પર પહોંચી ગયો છે જે ચૂંટણીની દિશા પણ બદલી શકે છે. આ મુદ્દો ભાજપની તરફેણમાં કામ કરી શકે છએ. ભાજપ એ દર્શાવવાની કોશિશ કરશે કે નરેન્દ્ર મોદી એક માત્ર એવા નેતા છે જે કડક નિર્ણય લઈને પાકિસ્તાન અને આતંકવાદનો સામનો કરી શકે છે.

સામાન્ય રીતે મોંઘવારી એક એવો મુદ્દો છે જેની અસર દરેક નાગરિક પર પડે છે. આ ચૂંટણીમાં આ મુદ્દો જોર પકડતો હોય તેવુ લાગી નથ રહ્યું. મોદી સરકાર કયાંક ને કયાંક મોંઘવારી પર લગામ રાખવામાં સફળ રહી છે. વિપક્ષ ઈચ્છીને પણ આ મુદ્દે ભાજપને ઘેરી નથી શકતો. અમુક નિષ્ણાંતોનું માનવું છે કે મોંઘવારી પર લગામ લગાવવાનું એક મોટું કારણ એ છે કે ખેડૂત પાસેથી સસ્તાભાવે સામાન ખરીદવામાં આવ્યો છે. આવામાં મોંદ્યવારી ભલે કંટ્રોલમાં આવી પણ ગ્રામીણ વિસ્તારોમાં મોદી સરકારને મોટી કિંમત ચૂકવવી પડી શકે છે.

વિરોધ પક્ષ પાસે સૌથી અગત્યનો મુદ્દો રોજગારનો છે. કોંગ્રેસ સહિત તમામ વિરોધ પક્ષ સરકારને આ મુદ્દે અનેક વાર ઘેરી ચૂકી છે. મોદી સરકારને ૨૦૧૪માં નોકરીનો વાયદો કરવાથી મોટી સફળતા મળી હતી. પરંતુ કયાંક પાર્ટીને આ વચન પૂરુ કરવામાં સફળતા નથી મળી. સરકાર પર ડેટાની હેરફેર મુદ્દે ગંભીરતા ન દાખવવાના પણ આરોપ લાગ્યા છે. સરકારે EPFO નંબર વધવાના અને મુદ્રા લોનની સંખ્યા વધવાનો હવાલો આપી રોજગાર વધ્યો હોવાનો દાવો કર્યો છે પરંતુ વિપક્ષ સરકારની આ વાત સાથે સહમત થી.

ખેડૂત અથવા તો ગ્રામીણ વોટર્સે ૨૦૧૪માં મોદી સરકારને જીત અપાવવામાં મોટો રોલ ભજવ્યો હતો આ વખતે કૃષિ ક્ષેત્રે રોકાણમાં સારા રિટર્ન નથી મળ્યા. ગામની પ્રજામાં સરકાર પ્રત્યે નારાજગી છે. નોટબંધી જેવા પગલાને કારણે આ મુદ્દો વધુ અગત્યનો બની ગયો છે. રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશની ચૂંટણીમાં કોંગ્રેસે આ મુદ્દાનો પૂરેપૂરો ફાયદો ઊઠાવવાની કોશિશ કરી હતી અને તેને સફળતા પણ મળી હતી. આ પછી ભાજપે અનેક રીતે ખેડૂતોને મદદ કરીને તેમને ખુશ કરવાની કોશિશ કરી છે.

આ ચૂંટણીમાં જેટલું ધ્રુવીકરણ જોવા મળ્યું છે તેટલું અગાઉ કયારેય નહતું જોવા મળ્યું. ધ્રુવીકરણે ૨૦૧૪માં ભાજપને મોટી મદદ કરી હતી અને કોંગ્રેસને હાંસિયામાં ધકેલી દીધી હતી. કોંગ્રેસ લઘુમતીને સમર્થન કરે છે તેવી ઈમેજને કારણે પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો હતો. સામાન્ય રીતે આનો ફાયદો હિન્દુ રાષ્ટ્રવાદી પાર્ટી ભાજપને મળે છે.

ભારતમાં અત્યાર સુધી જાતીય સમીકરણના આધારે કોઈપણ પાર્ટીની મજબૂતીનો અંદાજો લગાવવો ખૂબ જ સરળ છે. આ વખતે ચૂંટણીમાં આ સમીકરણો બદલાય તેવુ લાગી રહ્યું છે. વિપક્ષ મોદી સરકારને હરાવવા માટે જાતીય સમીકરણને આધાર બનાવી રહ્યો છે. વિપક્ષનું માનવું છે કે ઉત્તર પ્રદેશમાં યાદવ, જાદવ અને મુસલમાન સાથે આવશે તો ભાજપને હરાવવો આસાન છે. બિહારમાં કોંગ્રેસ સહિત અનેક વિરોધ પક્ષોએ લાલુ સાથે ગઠબંધન કરીને ઓબીસી અને મુસલમાન વોટોને એકજૂટ કરવાના પ્રયત્ન કર્યા છે. ભાજપને ૨૦૧૪માં મોટી જીત એટલે મળી હતી કારણ કે મોદીને અમુક એવી જાતિઓનું સમર્થન પણ મળ્યું હતું જે સામાન્ય રીતે વિપક્ષને વોટ આપતા હોય છે. મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપને મળેલી હાર પાછળ એવું કારણ આગળ ધરાયું છે કે ઉચ્ચ વર્ગ ભાજપથી અળગો થઈ રહ્યો છે. આવામાં ભાજપે ગરીબ સવર્ણોને ૧૦ ટકા રિઝર્વેશન આપીને તેમને પોતાના પક્ષે કરવાની કોશિશ કરી છે.

૨૦૧૪ની ચૂંટણીમાં આ મુદ્દાને કારણે કોંગ્રેસને સૌથી વધુ નુકસાન થયુ હતુ. ત્યાર પછી કોંગ્રેસને અત્યાર સુધીની સૌથી ખરાબ હારનો સામનો કરવો પડ્યો હતો. વડાપ્રધાન મોદીએ પોતાના કાર્યકાળમાં એવી સંપૂર્ણ કોશિશ કરી છે કે તેમની સરકારને આવા આક્ષેપોનો સામનો ન કરવો પડે. વડાપ્રધાન મોદીએ એવું પણ કહ્યું છે કે તેમની પાર્ટી પર ભ્રષ્ટાચારનો કોઈ આરોપ નથી લાગ્યો. લોકોએ નોટબંધીના કડવા ઘૂંટને પણ એટલે પી લીધો કારણ કે તેમને લાગતુ હતુ કે મોદી સરકાર ભ્રષ્ટાચારનો અંત આણવા માટે આ પગલુ ભરી રહી છે. જો કે આ અંગે અત્યારે કશું પણ ન કહી શકાય કારણ કે રાહુલ ગાંધી પોતાની દરેક સભામાં રાફેલ ગોટાળાનો મુદ્દો ઉઠાવી રહ્યા છે. હવે તેની જનતા પર શું અસર પડશે તે જોવું રહ્યું.

મોદી સરકારે પોતાના કાર્યકાળમાં ઘણી કલ્યાણકારી અને વિકાસ યોજનાઓ લોન્ચ કરી છે. તેમાં ઉજ્જવલા, સ્વચ્છ ભારત, પીએમ કિસાન, આયુષ્માન ભારત જેવી યોજનાઓનો સમાવેશ થાય છે. નોટબંધી જેવા પગલાએ 'સૂટ બૂટ કી સરકાર'નું લેબલ હટાવી દીધું છે. વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને જીત મળી છે ત્યાર પછી તેમણે એ રાજયના લોકોને ખુશ કરવા દેવુ માફ કરવાની જાહેરાત કરી છે. રાહુલે સરકારમાં આવ્યા બાદ બેઝિક આવકનો પણ વાયદો કર્યો છે. આ મુદ્દો કોંગ્રેસને ફાયદો કરાવી શકે છે.

ભાજપને વિશ્વાસ છે કે અમિત શાહના નેતૃત્વમાં પાર્ટી વડાપ્રધાન મોદીની ગુડવિલને વોટોમાં કન્વર્ટ કરી શકશે. બાલાકોટ એરસ્ટ્રાઈક પછી ભાજપનો ઉત્સાહ વધી ગયો છે. કોંગ્રેસ એવું માનીને ચાલી રહી છે કે મોદીનો કરિશ્મા ૨૦૧૪ જેવો નથી રહ્યો કારણ કે પાર્ટીએ ચૂંટણીમાં આપેલા વચનો પૂરા નથી કર્યા. કોંગ્રેસનું કેમ્પેઈન મોદી સરકારે પૂરા ન કરેલા વચનો પર જ હશે જેથી બ્રાન્ડ નમોનો જાદુ ઓસરી રહ્યો છે તેવુ દેખાડી શકાય. કોંગ્રેસ માટે આ જરૂરી છે કારણ કે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને વોટ આપનારા લોકોએ એવું પણ કહ્યું હતું કે લોકસભામાં તો તે મોદીને જ વોટ આપશે.

૨૦૧૪ની ચૂંટણીમાં ભાજપે ગેરકાયદેસર ગૌહત્યા પર બેન લગાવવાની વાત કરી હતી. આ મુદ્દો પાર્ટીની તરફેણમાં કામ કરી ગયો હતો પરંતુ તેને લાગુ પાડ્યા બાદ લોકોમાં નારાજગી હતી. આ નારાજગી ખેતીથી પોતાનું ગુજરાન ચલાવતા ખેડૂતોમાં વિશેષ જોવા મળી હતી. આ પગલાથી મુસ્લિમ સમાજના લોકો પણ નારાજ થઈ ગયા હતા. નુકસાન ભરપાઈ કરવા સરકારે ગૌસંરક્ષણ કેન્દ્ર બનાવવાની વાત કરી છે પરંતુ તેનો સરકારને ચૂંટણીમાં કેટલો ફાયદો થશે તે કહી ન શકાય. સ્પષ્ટ છે કે ખેડૂતોને ગૌરક્ષા સામે કોઈ વાંધો નથી પરંતુ તે પોતાના ભાગનું ફંડ ત્યાં નથી જવા દેવા માંગતા.

૨૦૧૪ની જેમ ભાજપ આ ચૂંટણી પણ નરેન્દ્ર મોદીના ચહેરા પર જ લડશે. વિપક્ષ ગઠબંધન એ દર્શાવવા માંગશે કે લોકતંત્રમાં કામને વહેંચીને કરવું જોઈએ. ભાજપ એ મુદ્દો ઉઠાવશે કે વિપક્ષ પાસે વડાપ્રધાન પદ માટે કોઈ ચહેરો જ નથી. કોંગ્રેસ તેનો બચાવ કરતા કહી શકે છે તે ગઠબંધન ભારતના વિવિધ સમાજ માટે યોગ્ય છે.

આ ચૂંટણીમાં પણ યુવાન મતદાતા મહત્વની ભૂમિકા ભજવશે. જે પાર્ટી નવી શરૂઆત કરીને યુવાનો માટે આકર્ષક વાયદા લઈ આવશે તેમના પ્રત્યે યુવાનો આકર્ષાશે. માનવામાં આવે છે કે સોશિયલ મીડિયાના માધ્યમથી દેશના મુદ્દાઓ પર બારીક નજર રાખતા યુવાનો સમજદારીથી નેતા ચૂંટશે. પહેલીવાર વોટ કરનારા યુવાનને અત્યારે રોજગારની ચિંતા નહિ હોય તો તે બીજા મુદ્દાઓથી પ્રભાવિત થઈને વોટ આપશે. આવામાં તે એ સંગઠન તરફ વળશે જેની સાથે તે પહેલેથી જોડાયેલા છે.

દેશની અડધી વસ્તી એટલે કે મહિલાઓ આ ચૂંટણીમાં મહત્વની ભૂમિકા ભજવશે. કેન્દ્ર સરકારે શૌચાલયના બાંધકામ, LPG ગેસની સુવિધા, બાળાત્કારના મામલામાં કડક કાર્યવાહી જેવા પગલા ભરીને સ્ત્રીઓને ખુશ કરવાની કોશિશ કરી છે. સરકારને મહિલાઓનો વોટ મળશે તેવો ભરોસો છે.મોટા નેતા MGR, NTR, જયલલિતાથી માંડીને શિવરાજ સિંહ ચૌહાણ અને નિતિશ કુમારને અત્યાર સુધી મહિલાઓનો જબરદસ્ત સપોર્ટ મળ્યો છે.

રોહિત વેમુલાની આત્મહત્યાથી માંડીને ઉનામાં ગૌરક્ષકો દ્વારા દલિતોની પીટાઈ સુધી અનેક વાર મોદી સરકાર પર નિશાન સધાયા છે. SC-ST એકટ પર થયેલા વિવાદ પછી દલિતોનો ગુસ્સો વધી ગયો છે. હવે છત્તીસગઢમાં ભાજપની હાર અને ઝારખંડમાં આદિવાસીઓને વનભૂમિમાંથી બેદખલ કરવાના નિર્ણય બાદ સરકાર માટે આ વોટર્સને ખુશ કરવા આસાન નહિ હોય.

(3:24 pm IST)