Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

મિશન-૨૦૧૯... ગુજરાતમાં પુનરાવર્તન કે પરિવર્તન?

ભાજપ માટે તમામ ૨૬ બેઠકો જીતવાનું લક્ષ્યાંક કઠીનઃ કોંગ્રેસ વધુમાં વધુ બેઠકો જીતવા કોઇ કસર બાકી નહિ રાખે

નવી દિલ્હી તા. ૧૧ : ઉરી, રાફેલ, એર-સ્ટ્રાઇક સહિતના સંખ્યાબંધ ચર્ચાસ્પદ મુદ્દાઓ અને કર્ણાટક, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીના અકળાવનારા પરિણામો પછી ભારતીય જનતા પાર્ટીએ તમામ વિરોધાભાસોની વચ્ચે ૨૦૧૯ લોકસભાની સામાન્ય ચૂંટણીની તૈયારીઓ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

ગુજરાતમાં ભાજપ સંગઠનને મિશન ૨૦૧૯ની તૈયારીઓ માટે સક્રિય કરવા ચિંતન શિબિરના આયોજન બાદ કોંગ્રેસના કેટલાક વરિષ્ઠ નેતાઓને ભાજપમાં સમાવવાની જોરદાર કામગીરી આરંભી દીધી છે. જે પૈકી ઘણા નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપ તરફ રૂખ કરી રહ્યા છે. સામે પક્ષે કોંગ્રેસ ગુજરાતમાં તેના નેતાઓ બચાવવા દિલ્હી-અમદાવાદ વચ્ચે ભાગદોડ કરી રહ્યા છે.

૨૦૧૪માં લોકસભાની ૨૬ બેઠકો પર વિજય હાંસલ થયો હતો, તેને કેવી રીતે જાળવવો તેનો રોડ મેપ ભાજપ અધ્યક્ષ અમિત શાહ ગુજરાત ભાજપ સમક્ષ રજૂ કરી ચુકયા છે. જો કે આ શું હશે તે અંગે તર્કવિતર્ક પ્રવર્તે છે !

ગુજરાતમાં વર્તમાન સંજોગો અને રાજકીય, સામાજિક અને આર્થિક ક્ષેત્રે સમગ્રતયા પ્રવર્તતી સ્થિતિમાં ૨૬ બેઠકો જાળવી રાખવાનો હરકુલિયસ ટાસ્ક હાંસલ કરવો કઠિન જરૂર છે પરંતુ ભાજપની વ્યૂહરચના સામે કોંગ્રેસ હાલ તો પાણી ભરી રહી હોય તેવું લાગી રહ્યું છે. બાવળીયા બાદ આ જવાહર ચાવડા જેવા અગ્રણી આહીર નેતાને જૂનાગઢમાંથી ભાજપમાં લઇ આવવા એ ભાજપ માટે મોટી નૈતિક જીત સમાન છે.

૨૦૧૪ની સામાન્ય ચૂંટણી પહેલા દેશમાં પ્રવર્તતા માહોલમાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને દેશના વડાપ્રધાન બનાવવા માટે જે માહોલ સર્જાયો હતો, તેવી સ્થિતિની હાલ નથી, તેમ કહી રાજકીય વિશ્લેષકો માને છે કે, ૨૦૧૫થી ગુજરાતમાં રાજકીય અને સામાજિક ધ્રુવીકરણને કારણે હવે ભાજપ માટે નવેસરથી જનતામાં એક વિશ્વાસ અને ભરોસાનું વાતાવરણ ઊભું કરવુ મુશ્કેલ બની રહ્યું છે. વર્તમાન સંજોગોમાં ભાજપ સરકારે લોકરંજક કરતાં પ્રજાહિતના શ્રેણીબદ્ઘ પગલાં જનતામાં જ નહીં પોતાના કાર્યકરોમાં તરંગ પેદા કરવામાં સફળ થતાં નથી એ સંગઠન માટે સૌથી મોટો પડકાર બની ગયો છે. નીત નવા મુદ્દાઓ લોકોમાં ઉશ્કેરાટ અને ધ્રુણાની ભાવના પેદા કરી રહ્યા છે ત્યારે લોકસભાની ગુજરાતની ૨૬માંથી ૨૬ બેઠકો કેવી રીતે જાળવી રાખવી તેનું લેશન કેટલું કારગત નિવેડે છે એતો પરિણામ જ કહેશે.

હાલ તો ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણી તથા ૨૦૧૫ની સ્થાનિક ચૂંટણીમાં થયેલા ભાજપના ધોવાણને જોતાં ઓછામાં ઓછી સાતથી દસ બેઠકો પર જીત મેળવવી કઠિન બની રહે તેમ છે. ભાજપનો ગઢ ગણાતા સૌરાષ્ટ્રમાંથી મુખ્યમંત્રી હોવા છતાં સૌથી વધારે ધોવાણ થયું એનું કારણ ખેડૂતો, યુવાનો અને સામાજિક આંદોલન મોટાભાગે કારણભુત રહ્યું, જયારે ઉત્તર ગુજરાતમાં થયેલા ધોવાણમાં રાજકીય તોડફોડ છતાં ધાર્યો ફાયદો લેવામાં આંતરિક જૂથબંધી નડી ગઇ છે.

૨૦૧૫માં ભાજપ સામે પાટીદાર આંદોલનથી ઊભા થયેલા સામાજિક આંદોલનનો મોટો પડકાર હતો તેના પરિણામે સ્થાનિક ચૂંટણીઓમાં અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, જામનગર અને ભાવનગર મહાનગરપાલિકા તેમજ ૪૦ જેટલી નગરપાલિકામાં જ સત્તા મળી હતી. આ ઉપરાંત ૨૦૩ તાલુકામાંથી માંડ ૮૦ તાલુકા પંચાયતમાં સત્તા મળી હતી. અગાઉ ભાજપ પાસે ૧૩૦ પાલિકા, ૧૭૦ તાલુકા અને ૩૧માંથી ૨૭ જિલ્લા પંચાયતો હતી. ૨૦૧૫માં માત્ર છ જિલ્લા પંચાયતમાં સત્ત્।ા મળી હતી અને બે જિલ્લામાં તોડફોડ કરી સત્ત્।ા મેળવી હતી. આ પછી ૨૦૧૭માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપને છઠ્ઠી વખત સતત વિજય મળ્યો હતો. પરંતુ તેની વિધાનસભા પહેલા ૧૨૧ બેઠકો પર પકડ હતી, તે ઘટીને ૯૯માં સીમિત થઇ ગઇ હતી.

આ વાસ્તવિકતા છે અને આ દ્રષ્ટીએ ભાજપને ૨૦૧૫ અને ૨૦૧૭ના જ પડકારોનો લોકસભા ૨૦૧૯માં સામનો કરવો પડે એમ છે. જોકે, કચ્છ, પોરબંદર, ભાવનગર, વડોદરા, ખેડા, બારડોલી, ગાંધીનગર, અમદાવાદ પશ્ચિમ, દાહોદ, સુરત, નવસારી અને વલસાડ પ્રમાણમાં સલામત કહી શકાય એવી બેઠક છે. પરંતુ આ સિવાયની બેઠકો પર ભાજપને તેની રણનીતિ માઇક્રો મેનેજમેન્ટ ઉપરાંત પણ વધારે મજબૂત કરવી પડે તેમ છે. ૨૦૦૭માં ભાજપને ૧૪ અને ૨૦૦૯માં ૧૫ બેઠકો મળી હતી. હવે ૨૦૧૯માં આ સ્થિતિનું પુનરાવર્તન થાય છે કે ૨૦૧૪ની સ્થિતિ જાળવવા માટેની અમિતભાઇની રણનીતિ કારગત નિવડશે એ પરિણામો જ કહેશે.

(10:18 am IST)