Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

વેનઝુએલામાં હાહાકાર : સમગ્ર દેશમાં વીજ પુરવઠો ખોરવાતા કીડનીની બીમારી થી પીડીત ૧૫ લોકોના મોત

વેનેઝુએલા તા, ૧૦ : વીજળી પૂરવઠો ઠપ થઈ જવાના કારણે દેશના મોટાભાગના વિસ્તારો અંધકારમાં ડૂબી ગયા હતાં. સંકટગ્રસ્ત વેનેઝુએલામાં ગુરુવારે મોડી રાતથી વીજળી ગુલ થઈ ગઈ હતી. તેનાથી માદુરો અને વિપક્ષના નેતા જુઆન ગુઈદો વચ્ચે સત્તાના સંઘર્ષને લઈને તણાવ વધી ગયો છે. આખા દેશમાં એક સાથે વીજળી ગુલ થતા ચારે બાજુ હાહાકાર મચી ગયો હતો. રોજબરોજના કામો પૂરા કરવામાં પણ લોકોએ ખુબ મુશ્કેલીઓ ભોગવવી પડી.

વેનેઝુએલામાં વીજ પુરવઠો ખોરવાતા કીડનીની બીમારીથી પીડિત 15 લોકોના ડાયાલિસિસ ન થવાના કારણે મોત નિપજ્યાં. સ્વાસ્થ્ય અધિકારો માટે કામ કરતા બીન સરકારી સંગઠન કોડેવિડાના ડાઈરેક્ટેર ફ્રાન્સિસ્કો વાલેન્સિયાએ કહ્યું કે ગઈ કાલે અને આજ વચ્ચે ડાયાલિસિસ ન થવાના કારણે 15 લોકોના મોત થયાં.

વાલેન્સિયાએ કહ્યું કે જે લોકોની કિડની ખરાબ થઈ ગઈ છે તેઓ મુશ્કેલીમાં મુકાયા છે. અમે લગભગ 95 ટકા ડાલાલિસિસ શાખાઓની વાત કરી રહ્યાં છીએ જે વીજ સંકટના કારણે બંધ થઈ ગઈ. આજે તેમની સંખ્યા 100 ટકા સુધી પહોંચવાની આશંકા છે.

આ બધા વચ્ચે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોએ શનિવારે દાવો કર્યો કે એક નવા સાઈબરનેટિક્સ હુમલાના કારણે વીજ પુરવઠો બહાલ કરવામાં મુશ્કેલીઓ આવી. માદુરોએ કારાક્સમાં સમર્થકોને જણાવ્યું કે લગભગ 70 ટકા વીજળી આપૂર્તિ કરી દેવાઈ હતી, ત્યારે યોગ્ય રીતે કામ કરી રહેલા એક જનરેટર પર વધુ એક સાઈબરનેટિક્સ હુમલો થયો અને જે સફળતા મળી હતી તેના પર પાણી ફરી ગયું.

ઉલ્લેખનીય છે કે ગુઈદો સતત માદુરોને સત્તામાંથી દૂર કરવાની કોશિશોમાં લાગ્યા છે અને પોતાને વચગાળાના રાષ્ટ્રપતિ જાહેર કરી ચૂક્યા છે. ગુઈદોને અમેરિકા સહિત 50 દેશોનું સમર્થન મળેલું છે.

(12:00 am IST)