Gujarati News

Gujarati News

News of Tuesday, 11th February 2020

ચીડવતા સહાધ્યાયીઓથી કંટાળીને ૯ વર્ષની કિશોરીએ બનાવી એન્ટિ બુલિંગ એપ

નવી દિલ્હી તા. ૧૧ : શિલોન્ગમાં સ્કૂલમાં ભણતી ૯ વર્ષની એક બાળકીએ સહાધ્યાયીઓ દ્વારા વારંવાર ચિડાવાથી કંટાળીને એક એવી એન્ટિ બુલિંગ મોબાઇલ-એપ તૈયાર કરી છે જે પીડિતાને આવી ઘટનાઓ વિશે સંબંધિત અધિકારીઓને છૂપી રીતે ફરિયાદ કરવાની સુવિધા આપે છે.

ચોથા ધોરણમાં ભણતી મજોવને નર્સરી સ્કૂલથી જ અન્ય બાળકો ચીડવતાં રહેતાં હતાં, જેની અસર તેના સ્વાસ્થ્ય પર પણ પડવા લાગી હતી. આ પ્રકારની માનસિકતાથી તેને એટલીબધી નફરત હતી કે તે અન્ય બાળકો આનો શિકાર ન બને એ માટે શું કરવું એ વિચારતી રહેતી હતી.

ટૂંક સમયમાં આ એપ ગૂગલ પ્લેસ્ટોર પર ઉપલબ્ધ થશે, જે પીડિતોને પોતાની ફરિયાદ અને પરેશાન કરનાર વ્યકિત વિશેની માહિતી પોતાની ઓળખ છતી કર્યા વિના જ શિક્ષકો, પરિવારજનો કે મિત્રો સુધી પહોંચાડવામાં મદદરૂપ બનશે.

આ બાળકીના પ્રયાસ બાદ મેઘાલયના શિક્ષણ વિભાગના પ્રધાન લક્ષ્મણ રિંબુઈએ કિશોરી અને તેનાં માતાપિતાની પણ પ્રશંસા કરતાં કહ્યું હતું કે મોટી થઈને આ છોકરી એક જવાબદાર નાગરિક બનશે. મજોવની મમ્મીએ જણાવ્યા મુજબ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તેણે એપ ડેવલપમેન્ટ કોર્સમાં એડ્મિશન લીધું હતું અને થોડા મહિનામાં તે એપ બનાવતાં શીખી ગઈ હતી.

(12:58 pm IST)