Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

વેચવાલી વચ્ચે સેંસેક્સમાં ૨૪૮ પોઇન્ટ સુધી ઘટાડો

સેંસેક્સ અંતે ૪૦૨૪૦ની નીચી સપાટી ઉપર રહ્યો : ઇન્ટ્રાડે દરમિયાન સેંસેક્સમાં ૩૮૦ પોઇન્ટ સુધીનો ઘટાડો થયો હતો : ટીસીએસ, રિલાયન્સ સહિતના શેરોમાં ઘટાડો

મુંબઈ, તા. ૧૦ : શેરબજારમાં આજે વેચવાલીનું તીવ્ર મોજુ રહ્યું હતું જેથી સેંસેક્સ ૨૪૮ પોઇન્ટ ઘટીને અંતે બંધ રહ્યો હતો તેની સપાટી ૪૦૨૪૦ રહી હતી. યશ બેંકના શેરમાં ૧૦ ટકાથી વધુનો ઘટાડો રહ્યો હતો જ્યારે બજાજ ફાઈનાન્સમાં એક ટકાથી વધુનો ઉછાળો રહ્યો હતો. ઇન્ટ્રા ડેના કોરાબાર દરમિયાન એક વખતે સેંસેક્સમાં ૩૮૦ પોઇન્ટનો ઘટાડો થયો હતો. બીજી બાજુ એનએસઈમાં નિફ્ટી ૮૧ પોઇન્ટ ઘટીને ૧૧૮૫૭ની સપાટીએ રહ્યો હતો. સેક્ટરલ મોરચા પર જોવામાં આવે તો તમામ ઇન્ડેક્સમાં મંદી રહી હતી. નિફ્ટી ઇન્ટરનેશનલ ટેકનોલોજી, પબ્લિક સેક્ટર બેંક, મેટલ અને એફએમસીજી ઇન્ડેક્સમાં એક ટકાથી વધુનો ઘટાડો રહ્યો હતો. ઇન્ફોર્મેશન ટેકનોલોજી (આઈટી)ના શેરમાં મંદી રહી હતી. યશ બેંકના શેરમાં છ વર્ષની નીચી સપાટી જોવા મળી હતી. વૈશ્વિક શેરબજારમાં આજે સતત બીજા દિવસે ઘટાડો રહ્યો હતો. હાલમાં જ રિઝર્વ બેંક દ્વારા તેની નાણાંકીય નીતિ સમીક્ષાના પરિણામ જાહેર કર્યા હતા જેમાં વ્યાજદરમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો ન હતો.

                અર્થશાસ્ત્રીઓની ગણતરીને ઉંધી વાળી દઇને વ્યાજદર યથાવત રખાયો હતો. આજે કારોબાર દરમિયાન બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૧.૧ ટકાનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૪૫૨૦ રહી હતી જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સમાં એક ટકાનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૩૧૪૫ રહી હતી. હાલમાં કોર સેક્ટર આઉટપુટના આંકડામાં ઘટાડો થઇ ચુક્યો છે. ઓક્ટોબર મહિનામાં આઠ કોર સેક્ટરના આઉટપુટમાં ઘટાડો થતાં નિરાશા રહી હતી. કોલસાના ઉત્પાદનમાં ઓક્ટોબર મહિનામાં ૧૭.૬ ટકાનો ઘટાડો રહ્યો હતો. ક્રૂડ ઓઇલની કિંમતમાં ૫.૧ ટકાનો અને નેચરલ ગેસમાં ૫.૭ ટકા સુધીનો નોંધપાત્ર ઘટાડો થઇ ચુક્યો છે. આવી જ રીતે સિમેન્ટના ઉત્પાદનમાં ૭.૭ ટકા, સ્ટીલમાં ૧.૬ ટકા અને ઇલેક્ટ્રીસિટીમાં ૧૨.૪ ટકા સુધીનો ઘટાડો ઓક્ટોબર મહિના દરમિયાન થઇ ચુક્યો છે.

                રિફાઈનરી પ્રોડક્ટના ઉત્પાદનમાં ગ્રોથ ઓક્ટોબર મહિનામાં ૦.૪ ટકા સુધી ઘટી ગયો છે. ગયા વર્ષે આજ ગાળામાં રિફાઈનરી પ્રોડક્ટમાં આઉટપુટ ગ્રોથનો આંકડો ૧.૩ ટકા રહ્યો હતો. આઠ કોર સેક્ટરમાં ઓક્ટોબર ૨૦૧૮માં ૪.૮ ટકા સુધીનો વધારો નોંધાયો છે. શેરબજારમાં હાલ જુદા જુદા પરિબળોની અસર રહેનાર છે તેમાં રિટેલ ફુગાવાના આંકડાનો સમાવેશ થાય છે. ૧૨મી ડિસેમ્બરના દિવસે નવેમ્બર મહિના માટેના સીપીઆઈ આંકડા જારી કરવામાં આવનાર છે. ઓક્ટોબર ૨૦૧૯માં વાર્ષિક આધાર પર રિટેલ ફુગાવાનો આંકડો ૪.૬૨ ટકા સુધી પહોંચી ગયો હતો. જે અગાઉના મહિનાના ૪.૯૯ ટકાના આંકડાથી વધારે હતો. ફુગાવાનો વધારો આરબીઆઈના નિર્ણય પાછળ મુખ્ય કારણ તરીકે છે. પરિણામ પાંચમી ડિસેમ્બરના દિવસે જારી કરવામાં આવ્યા હતા. જેમાં વ્યાજદરો યથાવત રહ્યા હતા.

શેરબજારમાં સ્થિતિ.....

મુંબઈ, તા. ૧૦ : શેરબજારમાં આજે વેચવાલીનું તીવ્ર મોજુ રહ્યું હતું જેથી સેંસેક્સ ૨૪૮ પોઇન્ટ ઘટીને અંતે બંધ રહ્યો હતો તેની સપાટી ૪૦૨૪૦ રહી હતી. યશ બેંકના શેરમાં ૧૦ ટકાથી વધુનો ઘટાડો રહ્યો હતો જ્યારે બજાજ ફાઈનાન્સમાં એક ટકાથી વધુનો ઉછાળો રહ્યો હતો. શેરબજારમાં આજે સ્થિતિ નીચે મુજબ રહી હતી.

સેંસેક્સમાં સપાટી...................................... ૪૦૨૪૦

સેંસેક્સમાં ઘટાડો................................ ૨૪૮ પોઇન્ટ

નિફ્ટીમાં ઘટાડો................................... ૮૧ પોઇન્ટ

નિફ્ટીમાં સપાટી....................................... ૧૧૮૫૭

યશ બેંકના શેરમાં ઘટાડો.......................... ૧૦ ટકા

નિફ્ટી આઈટીમાં ઘટાડો............................... ૧ ટકા

મિડકેપ ઇન્ડેક્સમાં ઘટાડો......................... ૧.૧ ટકા

મિડકેપમાં સપાટી..................................... ૧૪૫૨૦

સ્મોલકેપમાં સપાટી.................................. ૧૩૧૪૫

સ્મોલકેપ ઇન્ડેક્સમાં ઘટાડો.......................... ૧ ટકા

(8:03 pm IST)