Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

નોટબંધી પછી મોટી રકમની કેશ જમા કરાવવાનો મામલો

આવકવેરાની હનુમાન મંદિરને નોટીસ

નવી દિલ્હી, તા.૧૦: કાળું નાણુ અને ભ્રષ્ટાચાર ડામવા નરેન્દ્રભાઇ મોદી સરકારે ૨૦૧૬માં નોટબંધી કરતા સમાજના તમામ વર્ગોના લોકોના જીવનમાં વમળ સર્જાયા હતા, અને એ હજુ શાંત થયા નથી. નોટબંધીના દ્યા-પડવાનો ભોગ પામર જીવ જ નહીં, દેવી દેવતાઓ પણ બન્યા છે.

૨૦૧૬-૧૭ દરમિયાન ઈંદોરના શ્રી રણજીત હનુમાન મંદિર સાથે સંકળાયેલા બેંક ખાતામાં નોટબંધી પછી મોટી રકમની ડિપોઝીટ જમા કરાવાયાનું ધ્યાનમાં આવતા આવકવેરા વિભાગે મંદિર પ્રશાસનને નોટીસ આપી હતી, અને રૂ.૨.૩૩ કરોડની ટેકસ ઉઘરાણી કરી હતી.

નોટબંધી પછી મંદિરને રૂ.૫૦૦ અને ૧૦૦૦ના નોટમાં મોટી રકમનું દાન મળ્યું હતું અને પ્રશાસને કેશ તથા બેંક ખાતામાં જમા કરાવી હતી.આવકવેરા વિભાગની તપાસમાં ખુલ્યુ છે કે ૨૦૧૬-૧૭માં મંદિરના ખાતામાં ૨ કરોડની કેશ જમા કરાવાઈ હતી.વળી, આ મંદિર આવકવેરા મુકિતમેળવવા માટે આઈટીની જોગવાઈઓ હેઠળ રજીસ્ટર્ડ નહોતું. આથી આવકવેરા વિભાગે ટેકસ અને પેનલ્ટી સહિત મંદિર પાસે રૂ.૨.૩૩ કરોડ રિકવર કરવા નોટીસ આપી છે.

મંદિરના વહીવટદાર અને સબડીવીઝનલ મેજીસ્ટ્રેટ રવીકુમાર સિંહે જણાવ્યું હતું કે હિસાબકિતાબ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સંભાળે છે અને આઈટી વિભાગના પત્રોના જવાબ આપે છે. જિલ્લા કલેકટર મંદિર ટ્રસ્ટના ચેરમેન છે, અને જિલ્લા વહીવટીતંત્રે એસડીએમને મંદિરના વહીવટદાર નીમ્યા છે.

ડોનેશનનો ઉપયોગ લોકકલ્યાણ માટે થાય છે. એસડીએમની દલીલ મુજબ મંદિરને આ,યી એકટ હેઠળ રજીસ્ટર કરાવવાની જરૂર નથી અને કર ભરવાની કોઈ જવાબદારી થતી નથી.

મંદિરના મુખ્ય પુજારી દીપેશ વ્યાસે જણાવ્યું હતું કે તેને ટેકસ નોટીસની ખબર નથી. મંદિર સરકાર હસ્તક છે અને દાનમાં મળતા નાણાનો ઉપયોગ જાહેર હેતુઓ માટે કરવામાં આવે છે. તેમના જણાવ્યા મુજબ મંદિર દરરોજ ૫૦૦ ભકતોને જમાડે છે, આંગણવાડીને ભોજન મોકલે છે, મુલાકાતીઓને આરઓ વોટર આપે છે, અને દાન પેટીમાંથી મળતી રકમમાંથી મંદિરના સમારકામ અને ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવે છે.

(3:59 pm IST)