Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

પેપર લીકની સાથે સાથે.....

પેપર લીકનું ષડયંત્ર અમદાવાદમાં ઘડાયું હતું.

 પેપર લીકનું ષડયંત્ર આશ્રમરોડની હોટલમાં ઘડાયુ

   પેપર લીક કૌભાંડમાં આજે સૌથી મોટો ચોંકાવનારો ખુલાસો કરતાં ગાંધીનગર જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ જણાવ્યુ હતું કે, લોકરક્ષક દળ પેપર લીક કૌભાંડ મામલે દિલ્હીની ગેંગના સભ્યો તા.૨૮મી ડિસેમ્બરે અમદાવાદની આશ્રમરોડ પરની વાઇસપ્રેસીડેન્ટ હોટલમાં આવ્યા હતા અને અહીં ગુજરાતના મુખ્ય આરોપીઓ નીલેશ દિલીપભાઇ ચૌહાણ, અશ્વિર રૂચિકર પરમાર, સુરેશ ડાહ્યાભાઇ પંડયા અને ઇન્દ્રવદન પરમાર સાથે મહ્ત્વની બેઠક યોજી હતી. ગુજરાતમાં લોકરક્ષક દળનું પેપર લીક કરી વિવિધ ઉમેદવારોને તેના જવાબો આપી તેવી રીત પૈસા કમાવવા તેનું આખું ષડયંત્ર ઘડવામાં આવ્યું હતું.

અશોક સાહુ બહુ મોટો રીઢો ગુનેગાર : અન્ય કૌભાંડમાં સામેલ

   પેપર લીક કૌભાંડમાં મધપ્રદેશના રતલામથી ઝડપાયેલા આરોપી અશોક સાહુ આ કેસમાં બહુ મોટો અને રીઢો ગુનેગાર હોવાનું સામે આવ્યું છે. ગુજરાત પોલીસે જયારે તેના રતલામ ખાતેના નિવાસસ્થાને તપાસ કરી તો ચોંકાવનારી માહિતી અને વિગતો હાથ લાગી. જેમાં તેના ઘરે ગુજરાત સહિત દેશભરમાં યોજાતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની પુસ્તિકા, સાહિત્ય અને વિગતો હાથ લાગી હતી. જેના આધારે એ વાત નક્કી થઇ ગઇ હતી કે, આરોપી અશોક સાહુ માત્ર ગુજરાતની લોકરક્ષક દળની પરીક્ષાના પેપર લીક કૌભાંડ જ નહી પરંતુ દેશના અન્ય રાજયોમાં લેવાયેલી વિવિધ પરીક્ષાઓના પેપર લીક કરવાના કૌભાંડમાં પણ સંડોવણી ધરાવતો હોઇ શકે છે. અશોક સાહુની પૂછપરછમાં દેશની અન્ય રાજયોના પેપર લીક કૌભાંડની માહિતીઓનો પણ પર્દાફાશ થાય તેવી પોલીસે સંભાવના વ્યકત કરી હતી.

અશોક સાહુ જામીન પર છૂટયો તો ય આ કૌભાંડ આચર્યું

   મધ્યપ્રદેશનો રતલામનો વતની આરોપી અશોક સાહુ પેપર લીક કૌભાંડનો રીઢો ગુનેગાર છે. તેની પ્રાથમિક તપાસમાં એવો ચોંકાવનારો ખુલાસો પણ સામે આવ્યો છે કે, અગાઉ મધ્યપ્રદેશમાં લેવાયેલી એફસીઆઇના પેપર લીક કૌભાંડમાં પણ તેની બહુ ગંભીર અને સક્રિય સંડોવણી સામે આવી હતી. મધ્યપ્રદેશના આ પેપર લીક કૌભાંડમાં ૪૮ ઉમેદવારો અને બે એજન્ટો સહિત કુલ ૫૦થી વધુ આરોપીઓની ધરપકડ કરાઇ હતી, તેમાં આ આરોપી અશોક સાહુ પણ ધરપકડ કરાયેલ હતો અને તે પાછળથી જામીન પર મુકત થયો હતો. જામીન પર છૂટયા બાદ પણ તેણે ગુજરાતના લોકરક્ષક દળ પેપર લીક કૌભાડમાં મુખ્ય આરોપી તરીકે ભૂમિકા ભજવી છે અને તેથી તે પેપર લીક કરવામાં રીઢો ગુનેગાર હોવાનું સ્પષ્ટ થયું છે. પોલીસ તેની પૂછપરછના આધારે દેશના અન્ય રાજયોના પેપર લીક કૌભાંડની મહત્વની વિગતો સામે લાવશે તે નક્કી છે.

પેપર લીક કૌભાંડમાં સંડોવાયેલા તમામ આરોપીઓની ધરપકડ કરાશે

   પેપર લીક કૌભાંડમાં આંતરરાજય ગેંગના પર્દાફાશ બાદ આજે ગાંધીનગર જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ સ્પષ્ટ કર્યું હતું કે, ગુજરાતના લોકરક્ષક દળ પેપર લીક કૌભાડમાં સંડોવાયેલા તમામ આરોપીઓ ઉપરાંત જેમના સુધી આ લીક પેપર અને તેવા જવાબો પહોંચ્યા છે તે તમામ ઉમેદવારો અને વ્યકિતઓને આ સમગ્ર કૌભાંડમાં ધરપકડ કરવામાં આવશે, કોઇને બક્ષાશે નહી. એટલું જ નહી, આ કૌભાંડની ગંભીરતાને ધ્યાનમાં લઇ અને ભવિષ્યમાં જેન્યુઇન ઉમેદવારો ભોગ ના બને હેતુથી આ તમામ ઉમેદવારો સહિતના આરોપીઓને જામીન ના મળે તે માટેના પણ પોલીસ અસરકારક પ્રયાસો કરશે અને તે માટે કોર્ટમાં નક્કર પુરાવા સહિતના દસ્તાવેજો રજૂ કરશે. પેપર લીક કૌભાંડમાં આરોપીઓનો આંક ૫૦થી વધુ પાર જાય તેવી શકયતા પણ પોલીસે વ્યકત કરી છે.

વિનીત માથુર અને મનીષસિંહે બધી વ્યવસ્થા કરી હતી

   પેપર લીક કૌભાંડમાં પકડાયેલા વિનીત માથુર અને અન્ય આરોપી મનીષસિંહે ગુજરાતના ઉમેદવારોને પેપર અને આન્સરશીટ બતાવવા માટે ગુડગાંવથી દિલ્હી લઇ જવાયા ત્યારે તેમના માટે હોટલ, જમવા, પેપર બતાવવા સહિતની બધી વ્યવસ્થા કરી હતી. આ બંને આરોપીઓએ ગુજરાતના ઉમેદવારોને વિવિધ જગ્યાઓ અને સ્થળોએ પાંચ-પાંચના ગ્રુપમાં લઇ જઇ આન્સરશીટ બતાવી હતી અને તે લીક ના થાય કે તેની કોપી ના કરાય તે માટે તેમની સાથે સતત બાઉન્સરો મૂકયા હતા તે વ્યવસ્થા પણ આ બંને આરોપીઓએ કરી હતી, તેથી પોલીસે આ કડીના આધારે દિલ્હીના કેટલાક સ્થળો અને લોકેશન આઇન્ડેન્ટીફાય કરી દીધા છે. પોલીસે દિલ્હી સહિતના સ્થળોએથી ટોલટેક્સ, હોટલ સહિતની જગ્યાઓએથી મેળવાયેલી સીસીટીવી ફુટેજ સહિતના પુરાવા એફએસએલમાં પરીક્ષણ અર્થે મોકલી આપ્યા છે.

નીલેશ, સુરેશ, અશ્વિન અને ઇન્દ્રવદન ચારેય મિત્રો છે

   પેપર લીક કૌભાંડમાં માસ્ટરમાઇન્ડ એવા નીલેશ દિલીપભાઇ ચૌહાણ, ઇન્દ્રવદન પરમાર, અશ્વિન રૂચિકર પરમાર અને સુરેશ ડાહ્યાભાઇ પંડયા એ ચારેય મિત્રો છે. આ ચારેય મિત્રો શોર્ટ કર્ટથી રાતોરાત લાખો રૂપિયા કમાવવાની લાલચમાં પેપર લીક કૌભાંડનું કાવતરૂ ઘડયું હતુ અને આ માટે દિલ્હીની પેપર લીક ગેંગના સભ્યો સાથે શહેરની આશ્રમ રોડ વિસ્તારમાં એવલી હોટલ વાઇસ પ્રેસીડેન્ટમાં મહત્વની મીટીંગ યોજી હતી. ગુજરાતના જે ઉમેદવારો અહીંથી ગુડગાંવ લઇ જવાયા તેઓની સાથે નીલેશ ચૌહાણ સહિતના ચારેય આરોપીઓ પણ ગયા હતા.

(8:10 pm IST)