Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

કયાં કોની સરકાર બનશે ? : કાલે ફેંસલો

અપક્ષ અને નાની પાર્ટીઓ કિંગમેકર બની શકે છે : ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીના નેતા નાના પક્ષને પ્રભાવિત કરવામાં વ્યસ્ત : ત્રિશંકુ વિધાનસભાના તારણ આવ્યા છે

નવી દિલ્હી,તા. ૧૦: પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આવતીકાલે પરિણામ જાહેર કરવામાં આવનાર છે. પરિણામોને લઇને ભારે ઉત્સુકતા  અને ઉત્તેજના રાજકીય પક્ષોમાં પ્રવર્તી રહી છે. એગ્ઝિટ પોલના તારણ સ્પષ્ટ ન રહેતા હવે ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટી અપક્ષો અને નાની પાર્ટીઓને પ્રભાવિત કરવામાં લાગી ગઇ છે. તમામ પાંચેય રાજ્યોમાં ચૂંટણી માટેના એગ્ઝિટ પોલના તારણ નજીકની સ્પર્ધા અને ત્રિશંકુ વિધાનસભાની વાત કરી રહ્યા છે. જેથી બંને પાર્ટીઓની ઉંઘ હરામ થઇ ગઇ છે. બહુમતિ માટેના આંકડા સુધી ન પહોંચવાની સ્થિતીમાં બંને પાર્ટીની નીતિ શુ રહેશે તેની બેઠક થઇ રહી છે. કર્ણાટકમાં સરકાર બનાવવા માટે જે રીતે નાટ્યાત્મક ઘટનાક્રમનો દોર ચાલ્યો હતો  તેવી જ સ્થિતી પાછી થઇ શકે છે. બંને પાર્ટી આ વખતે સાવધાની રાખવા માટે ઇચ્છુક છે. ચૂંટણી બાદ ભાજપને બહુમતિ મળી શકી ન હતી અને તેની સાત સીટો ઓછી પડી હતી. સાત સીટો નહીં થવાના કારણે કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસની સરકાર બની હતી. અલબત્ત કર્ણાટકમાં સરકાર બનાવવા માટે કોંગ્રેસને ઓછી સીટો જીતનાર જેડીએસને મુખ્યપ્રધાન પદ આપવાની ફરજ પડી હતી. એગ્ઝિટ પોલના તારણ જે રીતે આવી રહ્યા છે તે જોતા સરકાર બનાવવા માટે ભારે મહેનત ભાજપ અને કોંગ્રેસને કરવાની ફરજ પડી શકે છે. મધ્યપ્રદેશમાં બહુમતિ સુધીના આંકડા સુધી કોઇ પાર્ટી નહીં પહોંચે તો અપક્ષ, બીએસપી અને ગોંડવાના ગોમાંતક પાર્ટીની ભૂમિકા ઉપયોગી સાબિત થઇ શકે છે. આવી જ રીતે છત્તિસગઢમાં અજિત જોગીની પાર્ટી અને અપક્ષ ઉમેદવારોની ભૂમિકા ચાવીરૂપ બની જશે. તેલંગણામાં પણ ત્રિશકુ વિધાનસભા રચાય છે તો રમત રોમાંચક બની જશે. ઓવેસીની પાર્ટી અને ભાજપ મોટી ભૂમિકા અદા કરી શકે છે. ભાજપે રાજ્યના હિતમાં વાત કરી હતી. મિઝોરમમાં પણ કોઇને બહુમતિ મળે તેવા સંકેત ઓછા દેખાઇ રહ્યા  છે. પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સાતમી ડિસેમ્બરના દિવસે એક્ઝિટ પોલના તારણો જારી કરવામાં આવ્યા હતા.પોલ મુજબ  રાજસ્થાનમાં કોંગ્રેસની જીત સ્પષ્ટપણે દેખાઈ રહી છે જ્યારે તેલંગાણામાં ટીઆરએસની જીત દેખાઈ રહી છે. બીજી બાજુ મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખુબ નજીકની સ્પર્ધા દેખાઈ રહી છે. જો એક્ઝિટ પોલના તારણ કેટલા સાચા સાબિત થાય છે તે અંગે આવતીકાલે ૧૧મી ડિસેમ્બરના દિવસે ફેસલો થશે.પોલમાં કહેવામાં આવ્યુ છે કે રાજસ્થાનમાં છેલ્લા ૨૫ વર્ષથી ચાલી રહેલી પરંપરા અકબંધ રહી શકે છે. પાંચ વર્ષના ગાળા બાદ કોંગ્રેસ પાર્ટી એન્ટ્રી કરી રહી છે. મિઝોરમમાં કોંગ્રેસ પાર્ટી સત્તાથી બહાર થાય તેવા સંકેત દેખાઈ રહ્યા છે. એક્ઝિટ પોલના તારણો ચાવીરુપ રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે નજીકની સ્પર્ધા દર્શાવી રહ્યા છે. મધ્યપ્રદેશની વાત કરવામાં આવે તો આઠ એક્ઝિટ પોલના તારણ કોંગ્રેસને ૧૧૩ સીટ અને ભાજપને ૧૦૭ સીટ તેમજ અન્યોને ૧૦ સીટ આપી રહ્યા છે. મધ્યપ્રદેશમાં ૨૩૦ વિધાનસભા સીટો છે અને બહુમતિ માટેની સંખ્યા ૧૧૬ રહેલી છે. ૨૦૧૩માં ભાજપે ૧૬૫ સીટો જીતી હતી અને કોંગ્રેસે ૫૮ સીટો જીતી હતો. ચાર સીટો બસપા અને ત્રણ સીટો અન્યોને મળી હતી. આવી જ રીતે છત્તીસગઢમાં પણ ભાજપ અને કોંગ્રેસની નજીકની સ્પર્ધા દેખાઈ રહી છે. આઠ એક્ઝિટ પોલમાં ત્રિશંકુ વિધાનસભાની આગાહી કરવામાં આવી છે જેમાં ભાજપને ૪૦, કોંગ્રેસને ૪૪ અને અન્યોને ૬ સીટો મળી રહી છે. છત્તીસગઢમાં વિધાનસભાની ૯૦ સીટો છે. બહુમતિનો આંકડો ૪૬ છે. ભાજપ ૨૦૧૩માં ૪૯ સીટ જીતી ગયું હતું જ્યારે કોંગ્રેસને ૩૯ સીટો મળી હતી. રાજસ્થાનમાં કોંગ્રેસની જીત નિશ્ચિત દેખાઈ રહી છે. છ એક્ઝિટ પોલના તારણ પાર્ટી માટે સ્પષ્ટ જીત દર્શાવે છે. તેલંગાણામાં ચંદ્રશેખર રાવની સ્થિતિ મજબૂત દેખાઈ રહી છે જ્યારે કોંગ્રેસ પાર્ટી મિઝોરમમાં એકમાત્ર ગઢ પણ ગુમાવવા જઇ રહી છે. ઉત્તરપૂર્વમાં આની સાથે જ તેના તમામ ગઢ હાથમાંથી નિકળી ગયા છે. એક્ઝિટ પોલ મુજબ એમએનએફને ૧૬થી ૨૦ સીટો મળી રહી છે જ્યારે કોંગ્રેસને ૧૪-૧૮ સીટ મળી રહી છે.(૯.૪)

(3:58 pm IST)