Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

મમતા બેનરજીમાં વડાપ્રધાન બનવા માટેના બધા ગુણ છે : યશવંત સિન્હા

મમતા બેનરજીમાં વિપક્ષી એકતાનું નેતૃત્વ કરવાની પૂરેપૂરી ક્ષમતા છે

કોલકાતા તા. ૧૦ : ભારતીય જનતા પાર્ટીના પૂર્વ નેતા યશવંત સિન્હાએ કહ્યું કે તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીમાં વડાપ્રધાન બનવાના બધા ગુણ છે. ટીએમસીની સોશિયલ મીડિયા સેલ તરફથી આયોજિત બાંગ્લા મંથન વાર્તા સત્રમાં યશવંત સિન્હાએ ભાજપની કેન્દ્ર સરકારની આકરી ટીકા કરી અને કહ્યું કે સરકાર તમામ મોરચે નિષ્ફળ ગઈ છે. તેમણે કહ્યું કે મમતા બેનરજીમાં વિપક્ષી એકતાનું નેતૃત્વ કરવાની પૂરેપૂરી ક્ષમતા છે. ભાજપના પૂર્વ નેતા યશવંત સિન્હાએ આરોપ  લગાવ્યો કે નરેન્દ્ર મોદી સરકારે કેન્દ્રીય મંત્રીમંડળ સહિત દેશની વિભિન્ન સંસ્થાનોને નષ્ટ કરી નાખી છે. સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસ દ્વારા આયોજિત એક ટોક શો આઈડિયા ઓફ બંગાળમાં સિન્હાએ આરોપ લગાવ્યો કે પ્રમુખ બિલોને પસાર કરવા દરમિયાન વડાપ્રધાન રાજયસભાને 'નબળી' કરવાના પ્રયત્નો કરી રહ્યાં છે. પૂર્વ કેન્દ્રીય મંત્રીએ આરોપ લગાવ્યો કે મોદી સરકારે દેશની વિભિન્ન સંસ્થાનોને નષ્ટ કરી નાખી છે. તેનો સૌથી મોટો માર કેન્દ્રીય મંત્રીમંડળ પર પડ્યો છે. અટલ બિહારી વાજપેયી સરકારમાં નાણા અને વિદેશ મંત્રાલયોના કામકાજ સંભાળનારા સિન્હાએ કહ્યું કે 'હું આમ એટલા માટે કહી રહ્યો છું કારણ કે મંત્રીમંડળને જણાવ્યાં વગર મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે.'

સિન્હાએ કહ્યું કે બીજો સૌથી મોટો માર સંસદ પર પડ્યો છે. કારણ કે મોદી સરકારે અનેક મહત્વપૂર્ણ બિલોને પાસ કરવા દરમિયાન રાજયસભાને નબળી કરવાનો પ્રયત્ન કર્યો છે. ભાજપના સાંસદો પાસે ઉપલા ગૃહમાં બહુમત નથી. સિન્હાએ કહ્યું કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનરજીમાં એક સારા વડાપ્રધાન બનવા માટેના 'તમામ ગુણ' હાજર છે. તેમણે આશા વ્યકત કરી કે પશ્ચિમ બંગાળ અને ટીએમસી ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીમાં મોદીને હરાવવામાં એક મહત્વની ભૂમિકા ભજવશે. (૨૧.૧૨)

(11:50 am IST)