Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ દ્વારા પાકિસતાનમાં રમવાનો નિર્ણય : ઇંગલેન્‍ડની ટીમ આવતા વર્ષે પાકિસ્‍તાનમાં સાત ટી-ર૦ ની શ્રેણી રમશે

લાહોર,  ન્યૂઝિલેન્ડના પગલે ઈંગ્લેન્ડે પણ ચાલુ વર્ષે તેની ટીમનો પાકિસ્તાન પ્રવાસ રદ કરી દીધો હતો. જે માટે તેણે સલામતીનું કારણ આગળ ધર્યું હતુ. આ પછી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ભારોભાર નારાજગી દર્શાવતા ઈંગ્લેન્ડના નિર્ણયને 'પશ્ચિમી દેશોના જૂથવાદ' તરીકે ઓળખાવ્યો હતો. જોકે ઈંગ્લેન્ડના ક્રિકેટ બોર્ડના ઉચ્ચ અધિકારીઓએ તાજેેતરના પાકિસ્તાન પ્રવાસમાં આવતા વર્ષની શ્રેણીને મંજૂરી આપી છે.

ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડના સીઈઓ ટોમ હેરિસન અને તેમના ડેપ્યુટી માર્ટિન ડાર્લોવ પાકિસ્તાન પ્રવાસે પહોંચ્યા હતા. જ્યાં તેઓ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન રમીઝ રાજાને મળ્યા હતા. આ મિટિંગમાં જ તેઓએ આવતા વર્ષે ટીમના પાકિસ્તાન પ્રવાસ અંગે ચર્ચા વિચારણા કરી હતી. આ જ મિટિંગમાં આવતા વર્ષે બંને દેશો વચ્ચે સાત ટી-૨૦ની શ્રેણી પાકિસ્તાનની ધરતી પર યોજવાનો નિર્ણય લેવાયો હતો. જે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં યોજાય તેવી શક્યતા છે.

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ આવતા વર્ષે માર્ચ મહિનામાં પાકિસ્તાનનો પ્રવાસ ખેડવાની છે. જે ઈ.સ. ૧૯૯૮ બાદનો પહેલો ઓસ્ટ્રેલિયાનો પાકિસ્તાન પ્રવાસ બનશે. હવે રમીઝ રાજાએ ઈંગ્લેન્ડને પણ સાત ટી-૨૦ માટે મનાવી લીધું છે. જોકે આ બધાનો આધાર પાકિસ્તાનની સ્થિતિ પર રહેલો છે.

(11:18 pm IST)