Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

તામિલનાડુમાં ભારે વરસાદથી 12 લોકોના મોતઃ રેડ એલર્ટની ચેતવણી વચ્‍ચે જનજીવન અસ્‍તવ્‍યસ્‍ત

ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ દ્વારા 7 ટીમો બચાવ-રાહત માટે તૈનાત

ચેન્નાઇ: તમિલનાડુમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે. ભારે વરસાદથી જોડાયેલી ઘટનાઓમાં અત્યાર સુધી 12 લોકોના મોત થઇ ચુક્યા છે. કેટલાક દિવસથી થઇ રહેલા વરસાદ વચ્ચે અઠવાડિયાના અંતમાં તમિલનાડુના કેટલાક ભાગમાં ભારે વરસાદની સંભાવનાને જોતા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.

હવામાન વિભાગ અનુસાર 11 અને 12 નવેમ્બરે રાજ્યના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

ખતરાને જોતા NDRFની 11 ટીમને અલગ અલગ વિસ્તારમાં તૈનાત કરવામાં આવી છે. સાથે જ તમિલનાડુ રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા 7 ટીમ તૈનાત કરવામાં આવી છે. આ વાતની જાણકારી તમિલનાડુ રેવન્યૂ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ મંત્રી કેકેએસએસઆર રામચંદ્રને આપી છે.

200 મિમીથી વધુ વરસાદ પડી શકે છે

વિભાગ અનુસાર તમિલનાડુ, કરાઇક્કલમાં 12 નવેમ્બર સુધી ભારે વરસાદ પડી શકે છે. બંગાળની ખાડીની ઉપર બનનારા નિમ્ન દબાણના વિસ્તાર 12 નવેમ્બર સુધી એક ઉંડા દબાણમાં બદલાઇ જશે અને ઉત્તરી તમિલનાડુ કિનારા પર પહોચી જશે. જેને કારણે દરિયા કિનારા જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. આ ખતરાને જોતા રાજ્યના કેટલાક જિલ્લામાં 11 અને 12 નવેમ્બર માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. સંભાવના છે કે કેટલાક વિસ્તારમાં 200 મિમી કરતા પણ વધુ વરસાદ પડી શકે છે.

લોકોને અપીલ- કારણ વગર બહાર ના નીકળો

સરકારે તમિલનાડુના લોકોને આગામી કેટલાક દિવસમાં ભારત હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદના અનુમાનને ધ્યાનમાં રાખીને સાવચેત રહેવા કહ્યુ છે. પ્રભાવિત ક્ષેત્રમાં લોકોને ગેર-જરૂરી આવન જાવનથી બચવુ જોઇએ.

(6:01 pm IST)