Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

ઓડીએ વાહનો હવામાં ફંગોળી અનેકને કચડી નાખ્યા

જોધપુરમાં બેકાબુ ઓડી કારે મોટો અકસ્માત સર્જયો : આ અકસ્માતમાં એક વ્યકિતનું ઘટના સ્થળે જ મોત નિપજયું, જયારે ૯ જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા

જોધપુર,તા.૧૦: જિલ્લાના એમ્સ રોડ પર મંગળવારે પૂરપાટ ઝડપે આવતી ઓડી કારે મોટો અકસ્માત સર્જી નાખ્યો. રોડ કિનારે બનેલી ઝૂપડપટ્ટીમાં બેઠેલા લોકોને કચડી નાખ્યા. આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું. જ્યારે ૯ જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને એમ્સમાં દાખલ કરાયા છે. જ્યાં બે વ્યક્તિની હાલત  ગંભીર હોવાનું કહેવાય છે. હાલ પોલીસે ઓડી કાર સાથે જ ચાલકને પણ અટકાયતમાં લઈને પૂછપરછ શરૂ કરી છે.  પોલીસના કહેવા મુજબ પૂરપાટ ઝડપે આવતી ઓડી કાર બેકાબૂ થઈને રસ્તા કિનારે આવેલા ઝૂપડામાં ઘૂસી ગઈ. આ દરમિયાન કારે ઝૂપડામાં બેઠેલા લોકોની સાથે સાથે જ વાહન ચાલકોને પણ ઝપેટમાં લઈ લીધા. અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ દર્દનાક મોત નિપજ્યું. જ્યારે ૯ લોકો ઘાયલ થયા. ઘટનાનો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. જોધપુર પ્રવાસે પહોંચેલા સીએમ અશોક ગેહલોત પણ અકસ્માતની જાણકારી બાદ સીધા એમ્સ પહોંચ્યા. અહીં સીએમ ગેહલોતે ઘાયલો અને તેમના પરિજનોની મુલાકાત કરી. આ સાથે જ પોલીસ અધિકારીઓને મળીને અકસ્માતની જાણકારી લીધી. અશોક ગેહલોતે પ્રશાસનને મૃતકના પરિજનોને ૨ લાખ રૂપિયા અને ગંભીર રીતે ઘાયલ થયેલાને ૧-૧ લાખ તથા ઈજાગ્રસ્તોને ૫૦-૫૦ હજાર રૂપિયા સહાય ચૂકવવાના નિર્દેશ આપ્યા.

(3:18 pm IST)