Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

બોમ્બે, બરોડા અને સેન્ટ્રલ ઈન્ડીયા રેલ્વે કંપની ૭૦ વર્ષ પહેલા બની પશ્ચિમ રેલ્વે

૧૮૫૫માં બીબી એન્ડ સીઆઈ કંપનીની શરૂઆત બાદ અંકલેશ્વરથી ઉત્રાણ સુધી ૨૯ માઈલ બ્રોડગેજ ટ્રેક બીછાવાયો હતોઃ ૧૮૬૪માં ઉત્રાણ(સુરત)થી ગ્રાન્ટ રોડ (બોમ્બે) સુધીની પશ્ચિમી રેલના પ્રારંભ સાથે મુંબઈના વિકાસનો ઈતિહાસ લખાવો શરૂ થયો

રાજકોટ, તા. ૧૦ :. ૧૮૫૫માં બોમ્બે, બરોડા એન્ડ સેન્ટ્રલ ઈન્ડીયા રેલ્વે કંપની (બીબી એન્ડ સીઆઈ)ની સ્થાપના બાદ સૌ પ્રથમ ગુજરાતના પશ્ચિમ કિનારે અંકલેશ્વરથી ઉત્રાણ વચ્ચે ૨૯ માઈલનો બ્રોડગેજ રેલ્વે ટ્રેક બીછાવવામાં આવ્યો હતો. ૨૧ નવેમ્બર ૧૮૫૫ના રોજ કંપનીએ ઈસ્ટ ઈન્ડીયા કંપની સાથે સુરતથી બરોડા અને અમદાવાદ સુધી એક રેલ્વે લાઈન બનાવવા માટે સમજુતી કરી હતી. આ સાથે પશ્ચિમના બંદરો ઉપરથી ગુજરાતમાં પાકતા કપાસને પહોંચાડવા માટે ઉત્રાણથી તત્કાલીન બોમ્બે સુધી એક રેલ્વે લાઈન બીછાવવાના કરાર કરવામાં આવ્યા હતા. આજે આ બોમ્બે, બરોડા સેન્ટ્રલ ઈન્ડીયા રેલ્વે કંપની ૭૦ વર્ષની વૃદ્ધ પશ્ચિમ રેલ્વે કંપની બની ગઈ છે.

૭ દાયકા પહેલા રેલ્વેની ઓળખ બોમ્બે, બરોડા સેન્ટ્રલ ઈન્ડીયા રેલ્વે કંપની તરીકે હતી. રજવાડાઓએ પોતે રેલ્વેના પાટા બીછાવી ટ્રેનના સંચાલનનો પ્રારંભ કર્યો હતો પરંતુ દેશ આઝાદ થયા બાદ વર્તમાન પશ્ચિમ ઝોન એટલે કે અમદાવાદ, વડોદરા, ભાવનગર, રાજકોટ, રતલામ અને મુંબઈને પશ્ચિમ રેલ્વેમાં સામેલ કરવામાં આવ્યુ હતું.

૫ નવેમ્બરના પશ્ચિમ રેલ્વેની સ્થાપના થઈ હતી. આ વર્ષે પશ્ચિમ રેલ્વેએ ૭૦ વર્ષ પુરા કરી ૭૧માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ ૭૦ વર્ષમાં પશ્ચિમ રેલ્વેએ ઘણી સફળતા મેળવી છે તેમ પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર આલોક કંસલે જણાવ્યુ હતુ. કંસલે પશ્ચિમ રેલ્વેએ મેળવેલી સફળતાનો ઉલ્લેખ કરતા તમામ કર્મચારીઓને પોતાના કામ પ્રત્યે સમર્પણ ભાવના વિકસીત કરવાની સલાહ આપી હતી.

પશ્ચિમ રેલ્વેના જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે પશ્ચિમ રેલ્વેના ૭૦ વર્ષ પૂર્ણ થવા પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં જણાવ્યુ હતુ કે, ૧૮૫૫માં બોમ્બે, બરોડા અને સેન્ટ્રલ ઈન્ડીયા કંપનીની સ્થાપના પછી એક વર્ષ બાદ ઉત્રાણથી બોમ્બેના ગ્રાન્ટ રોડ રેલ્વે ટ્રેક બીછાવવાનું કામ શરૂ થયુ હતુ. સત્તાવાર રીતે ૨૮ નવેમ્બર ૧૮૬૪ના આ રેલ્વે લાઈન શરૂ કરવામાં આવી હતી.

મુંબઈ શહેરનો વિકાસ પશ્ચિમ રેલ્વે સાથે શરૂ થયો હતો. પશ્ચિમ રેલ્વે અને મુંબઈ એકબીજાના પર્યાય બની ગયા હતા. પશ્ચિમ રેલ્વે ૫ નવેમ્બરે પોતાની પૂર્વ બોમ્બે, બરોડા સેન્ટ્રલ ઈન્ડીયા રેલ્વે કંપની સાથોસાથ અન્ય સ્ટેટ રેલ્વે જેમ કે સૌરાષ્ટ્ર, રાજપૂતાના અને જયપુર રેલ્વેના વિલીનીકરણ સાથે અસ્તિત્વમાં આવી હતી.

૧૯૭૨માં પશ્ચિમ રેલ્વેએ ભારતીય રેલ્વે નેટવર્કની સૌથી મહત્વપૂર્ણ અને વ્યસ્ત લાઈનો પૈકીની મુંબઈ-નવી દિલ્હી રાજધાની એકસપ્રેસ ટ્રેનની શરૂઆત કરી હતી. દુનિયાની પહેલી ખાસ મહિલા વિશેષ ટ્રેન, પહેલી ૧૫ કાર ઉપનગરીય ટ્રેન અને ભારતમાં પહેલી એસી ટ્રેનની શરૂઆત સાથે વિભિન્ન વિભાગો જેવા કે પરીચાલન, સંરક્ષા અને આધુનિક તંત્રના ઉપયોગ સાથે અનેક સફળતાઓ અને રેકોર્ડ બનાવ્યા છે. વર્તમાનમાં પશ્ચિમ રેલ્વે હેઠળ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાનનો કેટલોક હિસ્સો જેમા બ્રોડગેજ, મીટર ગેજ અને નેરો ગેજનો સમાવેશ છે તેવા ૬૫૪૨.૩૭ કિ.મી.નું નેટવર્ક સમાવિષ્ટ છે.

પશ્ચિમ રેલ્વેના ૭૦ વર્ષ પુરા થઈ રહ્યા છે ત્યારે મુંબઈથી ઓખા સુધીના કેટલાય રેલ્વે સ્ટેશનો ઝગમગી ઉઠયા છે.

(2:38 pm IST)