Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

ચૂંટણી પંચે અને ભાજપે ચૂંટણીની તૈયારી શરૂ કરી

ચૂંટણી પંચે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હાથ ધરવાનું નક્કી કર્યુ : ભાજપે દરેક શહેરી વિસ્‍તારમાં વધુને વધુ કમિટ મતદારો નોંધાય તેવા પ્રયાસો કરશે

નવી દિલ્‍હી, તા. ૧૦ :. ચૂંટણી પંચે અને ભાજપે ગુજરાતમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી છે. ચૂંટણી પંચે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ કર્યો છે તો પ્રદેશ ભાજપે મતદાર યાદીમાં નવા મતદારોને ઉમેરવાની ઝુંબેશ પણ શરૂ કરી હોવાનું જાણવા મળે છે.
ભાજપે તેના તમામ સક્રિય કાર્યકરોને જણાવ્‍યુ છે કે તેઓ મતદારોના સંપર્કમાં રહે અને વધુમાં વધુ નવા મતદારોના નામ યાદીમાં જોડાય તેવો પ્રયાસ કરે. પક્ષના સૂત્રોના જણાવ્‍યા પ્રમાણે રાજ્‍યમાં ભાજપ દરેક શહેરી બેઠક ઉપર ૩૦૦૦થી ૫૦૦૦ જેટલા કમિટેડ મતદારો વધારવા માંગે છે. જ્‍યાં વિજયનો માર્જિન ઓછો હતો ત્‍યાં આ ઝૂંબેશ વધુ જોરશોરથી શરૂ થશે.
પક્ષના સભ્‍યોને એવુ જણાવાયુ છે કે, તેઓ કઈ રીતે નવા મતદારો સુધી પહોંચશે. આ મહિનાની ૧૪, ૨૧, ૨૭ અને ૨૮મીએ એમ ચાર દિવસ ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજવામાં આવશે.
ભાજપે ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે, જ્‍યારે કોંગ્રેસે હજુ કોઈ તૈયારી શરૂ કરી નથી. સૂત્રોના જણાવ્‍યા મુજબ મતદાર યાદી સુધારણાનું કામકાજ એ વહીવટી કવાયત છે. જ્‍યારે રાજકીય પક્ષો અને અન્‍ય સંગઠનોએ મતદાર યાદીમાં વધુમાં વધુ પાત્ર લોકોનો સમાવેશ થાય તેવો પ્રયાસ કરી રહ્યુ છે. ભાજપ હવે આ મામલે દોડવા માંગે છે.

 

(10:45 am IST)