Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

ભારતની કોરોના રસીને અત્યાર સુધીમાં ૯૬ દેશોએ માન્યતા આપી

હાલમાં, ૯૬ દેશો રસીકરણ પ્રમાણપત્રોની પરસ્પર માન્યતા માટે સંમત થયા છેઃ માંડવિયા

નવી દિલ્હી, તા.૧૦:  કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખભાઇ માંડવિયાએ મંગળવારે કહ્યું કે ૯૬ દેશો ભારત સાથે કોવિડ-૧૯ રસીકરણ પ્રમાણપત્રને પરસ્પર માન્યતા આપવા સંમત થયા છે. માંડવિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારત સરકાર વિશ્વના સૌથી મોટા કોવિડ-૧૯ રસીકરણ કાર્યક્રમના લાભાર્થીઓને સ્વીકારવા અને માન્યતા આપવા માટે બાકીના વિશ્વના સંપર્કમાં છે જેથી કરીને તેઓ શિક્ષણ, વ્યવસાય અને પર્યટન હેતુઓ માટે મુકતપણે મુસાફરી કરી શકે.

આરોગ્ય પ્રધાને જણાવ્યું હતું કે, 'હાલમાં, ૯૬ દેશો રસીકરણ પ્રમાણપત્રોની પરસ્પર માન્યતા માટે સંમત થયા છે.'  મંત્રાલયે કહ્યું કે ૨૦ ઓકટોબર, ૨૦૨૧ ના   રોજ આંતરરાષ્ટ્રીય આગમનને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની માર્ગદર્શિકા અનુસાર આ દેશોમાંથી સતત મુસાફરી કરતા લોકોને થોડી છૂટ આપવામાં આવી છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, જે લોકો વિદેશ પ્રવાસ કરવા ઈચ્છે છે તેઓ કો-વિન પોર્ટલ પરથી ઈન્ટરનેશનલ ટ્રાવેલ ઈમ્યુનાઈઝેશન સર્ટિફિકેટ પણ ડાઉનલોડ કરી શકે છે.

રસીકરણ પ્રમાણપત્રોને પરસ્પર માન્યતા આપવા માટે સંમત થયેલા ૯૬ દેશોમાં કેનેડા, યુએસએ, યુકે, ફ્રાન્સ, જર્મની, બેલ્જિયમ, આયર્લેન્ડ, નેધરલેન્ડ, સ્પેન, બાંગ્લાદેશ, ફિનલેન્ડ, માલી, દ્યાના, સિએરા લિયોન, નાઇજીરિયા, સર્બિયા, પોલેન્ડ, સ્લોવાક રિપબ્લિક, ક્રોએશિયા, બલ્ગેરિયા, તુર્કી, ચેક રિપબ્લિક, સ્વિટ્ઝર્લેન્ડ, સ્વીડન, ઓસ્ટ્રિયા, રશિયા, કુવૈત, સંયુકત આરબ અમીરાત, બહેરીન, કતાર વગેરેનો સમાવેશ થાય છે.

સ્વાસ્થ્ય અને વિદેશી બાબતોના મંત્રાલયો બંને સ્વદેશી રસીઓને બાકીના વિશ્વમાં માન્યતા આપવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે. સમગ્ર વિશ્વના સૌથી મોટા રસીકરણ કાર્યક્રમમાં હવે સરકારે હર ઘર દસ્તક કાર્યક્રમ શરૂ કર્યો છે. જેમાં આરોગ્ય કર્મચારીઓ ઘરે-ઘરે જઈને લોકોને રસી આપી રહ્યા છે.

અત્યાર સુધીમાં, દેશમાં અત્યાર સુધીમાં ૧૦૯ કરોડથી વધુ રસી આપવામાં આવી છે - પ્રથમ ડોઝમાં ૭૪,૨૧,૬૨,૯૪૦ જયારે ૩૪,૮૬,૫૩,૪૧૬ લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. દેશને આશા છે કે હર ઘર દસ્તક કાર્યક્રમ રસીકરણને વેગ આપશે અને ટૂંક સમયમાં સમગ્ર દેશને રસી મળી જશે.

(10:29 am IST)